SURAT

MBBSમાં એડમિશન અપાવાના બહાને લાખો રુપિયાની ફિલ્મી ઢબે ઠગાઈ

સુરત : ડિંડોલી પોલીસે (Police) મેડિકલ કોલેજોમાં (Medical Collage) એડમિશનના (Admission) નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી આંતરરાજય ગેંગને ઝબ્બે કરી છે. આ ગેંગ ફિલ્મી ઢબે ઠગાઇ કરતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ગેંગ દ્વારા મેડિકલ વાલીઓને મેડિકલ કોલેજમાં લઇ જઇને બોગસ ડીન સાથે મુલાકાત કરાવી પ્રવેશના નામે વાલીઓ પાસે નાણાં પડાવવામાં આવતા હતા. ડિંડોલીના વાલી પાસે 26 લાખ પડાવવાના ગુના હેઠળ હાલમાં આ ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ઠગાઇ માટે બોગસ ડીન પણ ઉભો કરતાં હતાં.

આ બનાવની મળતી માહિતી અનુસાર ડિંડોલી ખાતે રહેતા આદ્યાપ્રસાદ રામદાસસિંગ ક્ષત્રિય દ્વારા આ બનાવની ફરિયાદ કરવામાં આવી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર પ્રિયાંશે 12 સાયન્સ અને નીટ પાસ કરી હતી અને એમબીબીએસમાં એડમિશન લેવા માટે તેઓ કોલેજની શોધખોળ કરી રહ્યાં હતાં. તે દરમિયાન તેમના ઉપર એક ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે ગુડગાંવની વિનાયક નામની એજ્યુકેશન સંસ્થામાંથી બોલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે લખનઉ ખાતે આવેલી કેજીએમયુ સરકારી મેડિકલ કોલેજમાં તેમના પુત્રનું એડમિશન કરાવી આપશે તેમજ આ એડમિશન સેન્ટ્રલ પુલિંગ ક્વોટામાં થશે તેવી ખાતરી આપી આ માટેની પ્રોસેસ કરાવી હતી. ત્યારબાદ તેણે તેમને તેમજ તેમના પુત્રને ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આવેલી કિંગ્સ જયોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં બોલાવ્યા હતાં. ત્યાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા, નિર્માણ ભવન, નવી દિલ્હીની એનઓસી બતાવી કોલેજના એડમિશનનો લેટર આપ્યો હતો.

આરોપીએ તેમની પાસેથી રોકડ તેમજ ઓનલાઇન એમ જુદી જુદી રીતે એડમિશનના નામે 26,25,000 રૂપિયા લીધા હતા. દરમિયાન એડમિશનના નામે ઠગાઇ થઇ હોવાનું જાણવા મળતા તેમણે ડિસેમ્બર 2022ના રોજ ડિંડોલી પોલીસમથકમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે દિલ્હીથી ઠગ ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓએ દીલ્હી ખાતે રહેતા જ્યોતિબેન અનિલભાઇ ચોપડા પાસે થી તેમના પુત્ર ને M.B.B.S મેડિકલ ફિલ્ડમાં એડમિશન અપાવવાના બહાને છેતરપીંડી કરી રૂપિયા ૩૦,૦૦,૦૦૦ પચાવી પાડયા હતા તેમજ દીલ્હી ખાતે રહેતા શાલીનીબેન અભેષકુમાર દીક્ષીત પાસે થી તેમના પુત્ર ને M.B.B.S મેડિકલ ફિલ્ડમાં એડમિશન અપાવવાના બહાને છેતરપીંડી કરી રૂપિયા ૧૫,૦૦,૦૦૦ પચાવી પાડ્યા હતાં.

આ રીતે ગરજવાન લોકોને શોધતા હતાં
આરોપીઓ સ્ટ ડાયલમાંથી M.B.B.S મેડિકલ ફિલ્ડ ની NEET ની પરીક્ષા પાસ કરેલા ઉમેદવાર ઓ ડેટા મેળવતા હતાં. તેમાથી પરિક્ષામા ઓછો સ્કોર(માર્ક્સ) ધરાવતા ઉમેદાવાર તેમજ વાલીઓનો સંપર્ક કરી તેઓને ટાર્ગેટ કરતા હતા. ત્યારબાદ ઉમેદવાર તથા વાલીઓને ગુડગાવ ખાતે ની ઓફિસ પર બોલાવી ભારત સરકાર ના હેલ્થ વિભાગના બનાવટી દસ્તાવેજો બતાવી ઉમેદવાર ના ડોક્યુમેન્ટ મેળવી લેતા હતા. પોતે હકિકતમાં સરકારી કોલેજ માં એડમિશન આપવાની પ્રોસેસ કરી ટોકન અમાઉન્ટ ઓફીસ પર મેળવી લેતા બાદમા એડમિશનની ફાઇનલ પ્રોસેસ માટે ઉમેદવાર ને તેમજ વાલીઓ ને યુનિવર્સીટી ખાતે બોલાવતા હતા. જ્યા કોલેજ કેમ્પસ તેમજ કોલેજ ના અલગ અલગ વિભાગો ઉમેદવાર તથા વાલીઓ ને બતાવી તેમના તરફથી ઉભા કરેલા બનાવટી કોલેજ ના હેડ ( કાઉન્સેલર) સાથે મુલાકાત કરાવી બાકીની માતબર રકમ મેળવી જે તે યુનિવર્સિટીનો બનાવટી એલોટમેન્ટ લેટર તેમજ ફી ભર્યા ની પહોંચ પણ આપતા હતા.

અંગત મોબાઇલ નંબરનો ઉપયોગ કરતાં ન હતાં
આરોપીઓ ઉચ્ચ શૈક્ષણિલ લાયકાત તેમજ ટેકનોલોજીના જાણકાર હોય જેથી પોલીસ તેમને ના પકડી શકે તે માટે ચાર મહિનાના સમયગાળા દરમ્યાન પોતાની ઓફિસ પર એકપણ વખત પોતાના અંગત મોબાઈલ વાપરેલા નથી. તેમજ અન્ય રાજ્યોમાં કે શહેરોમાં ઉમેદવાર/વાલીને મળવા જતા ત્યારે પણ પોતાના અંગત મોબાઈલ સાથે લઈ જતા ન હતા.

Most Popular

To Top