સુરત: મનપા (SMC) દ્વારા શહેરીજનોની સુવિધા માટે સમસ્યાઓની ઓનલાઇન ફરિયાદ (Online complain) કરી શકાય એ માટે પોર્ટલ ઉપલબ્ધ છે. જો કે, આ ઓનલાઇન ફરિયાદના નિકાલમાં પણ ઘણા અધિકારીઓ વેઠ ઉતારતા હોવાની બૂમ ઊઠ્યા બાદ થોડા સમય પહેલાં મેયર હેમાલી બોઘાવાલા (Hemali boghawala)એ મેયર ડેસબોર્ડ (mayor dashboard) શરૂ કર્યું છે. જેમાં મનપાના તમામ વિભાગો અને ઝોનમાં થતી ઓનલાઇન ફરિયાદોની સ્થિતિ મેયર સહિતના પદાધિકારીઓને આંગળીના ટેરવા પર મળી જાય તેવી વ્યવસ્થા કરાઇ છે. હવે મેયરે આ ડેસબોર્ડના આધારે જે-તે ઝોનમાં જે-તે વિભાગની પેન્ડિંગ ફરિયાદોનો નિકાલ કરવામાં કેમ વિલંબ થઇ રહ્યો છે, તે અંગે રિવ્યુ (review) શરૂ કર્યું છે.
જેમાં મેયર સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ ફરિયાદો સાથે સંબંધિત કમિટીના ચેરમેનને હાજર રાખવામાં આવશે. મેયરે મંગળવારે ગાર્ડનો અંગેની પેન્ડિંગ ફરિયાદોનો રિવ્યુ લીધો હતો. જેમાં જે-તે ઝોન અને ગાર્ડન વિભાગના સંબંધિત અધિકારીઓ તેમજ ગાર્ડન સમિતિનાં ચેરમેન રેશ્મા લાપસીવાલાને હાજર રખાયાં હતાં. મેયરે કરેલા નિરીક્ષણ મુજબ સેન્ટ્રલ ઝોનમાં ગાર્ડન અંગે 204 ફરિયાદ મળી હતી, જેમાંથી 117 પેન્ડિંગ હતી. રાંદેર ઝોનમાં 435 ફરિયાદ પૈકી 272 પેન્ડિંગ હતી. જ્યારે ઉધના ઝોનમાં 194 પૈકી 126 ફરિયાદ પેન્ડિંગ જોવા મળી હતી. તો કતારગામ ઝોનમાંથી 134 પૈકી 28 ફરિયાદ પેન્ડિંગ હતી. આથી આ ફરિયાદો સાથે સંબંધિત તમામ અધિકારીઓને બોલાવી જવાબ મંગાયો હતો. તેમજ પેન્ડિંગ ફરિયાદોનું પ્રમાણ ઘટાડવા કડક સૂચના આપવામાં આવી હતી.
કતારગામ ઝોનમાં ઠેરઠેર ગાર્ડન વેસ્ટના ઢગલા : ઝોન અને ગાર્ડન વિભાગ વચ્ચે ચલકચલાણું
ચોમાસાની સિઝનમાં દરેક ઝોનમાં વૃક્ષોનાં ટ્રિમિંગ કરવામાં આવે છે. પરંતુ કતારગામ ઝોનમાં આ વખતે જ્યાં જ્યાં વૃક્ષોનાં ટ્રિમિંગ થયાં ત્યાંથી ગાર્ડન વેસ્ટ અને કપાયેલાં લાકડાં ઉઠાવવામાં દિવસો સુધી વિલંબ થયો હોવાથી મનપાના ઓનલાઇન પોર્ટલમાં ગાર્ડન વિભાગને લગતી ફરિયાદોના રિવ્યુ દરમિયાન આ મુદ્દે મેયરે જવાબ માંગ્યો હતો. જો કે, આ મુદ્દે ઝોન અને ગાર્ડન વિભાગ દ્વારા એકબીજા પર દોષારોપણનો પ્રયાસ કરાયો હોવાનું મીટિંગમાં ઉપસ્થિત સૂત્રોએ જણાવ્યું હતું.
ઉધના ઝોનનો ઉડાઉ જવાબ : વૃક્ષારોપણના કાર્યક્રમોના કારણે ફરિયાદોનો નિકાલ થતો નથી
મેયરની રિવ્યુ મીટિંગમાં ગાર્ડનને લગતી પેન્ડિંગ ફરિયાદો બાબતે ઘણા અધિકારીઓ દ્વારા સંતોષકારક ખુલાસો આપી શકાયો ન હતો. ઉધના ઝોનમાં એક માસમાં 194 ફરિયાદ પૈકી માત્ર 126 ફરિયાદનો નિકાલ થયો હતો. જે બાબતે મેયરે જવાબ માંગતાં ઉધના ઝોન દ્વારા એવો ઉડાઉ જવાબ અપાયો હતો કે, હાલમાં મનપા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલે છે. તેથી સ્ટાફ તેમાં વ્યસ્ત રહેતો હોવાથી ફરિયાદોનો નિકાલ થતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વૃક્ષારોપણ આખા શહેરના તમામ ઝોનમાં ચાલે છે. આમ છતાં વરાછા ઝોન-એ અને બી, લિંબાયત અને અઠવા ઝોનમાં ફરિયાદોના નિકાલ કરવામાં આ કાર્યક્રમ નડતરરૂપ નથી. માત્ર ઉધના ઝોને જ આવો જવાબ આપ્યો હતો.
મેયરનું તેડું આવતાં અધિકારીઓએ છેલ્લી ઘડી સુધી પેન્ડિંગ ફરિયાદો ઘટાડવા દોડા દોડાવ્યા
મેયર હેમાલી બોઘાવાલા દ્વારા ગાર્ડન વિભાગને લગતી પેન્ડિંગ ફરિયાદો અંગે સંબંધિત અધિકારીઓને રૂબરૂ બોલાવી જવાબ માંગ્યો હતો. જો કે, મેયરની રિવ્યુ મીટિંગ શરૂ થાય એ પહેલાં જ પોતાને સંબંધિત ફરિયાદોનું પેન્ડિંગ લિસ્ટ ઓછું દેખાય એ માટે અધિકારીઓએ ઓનલાઇન પોર્ટલ પર જવાબો આપી તેમજ ફરિયાદોના નિવારણ માટે છેલ્લી ઘડી સુધી ઘોડા દોડાવ્યા હતા. ઘણા અધિકારીઓ તો મેયર ઓફિસની બહાર બેઠા બેઠા પણ ઓનલાઇન નિવારણ કરતા નજરે પડ્યા હતા.