Charchapatra

મેળ

મેળ એટલે મળતાપણું. ભેળવવું એ ભેળ એ મિશ્રણ. દૂધ જમાવવા માટે તેમાં નાખવામાં આવતી ખટાશ કે થોડી છાસ. એ મિશ્રણ સેળભેળ, મિલાવટ બરાબર કરવામાં આવે તો સરસ દહીં જામે પછી માખણ, ઘી મળે. અહીં મેળ માટે ખટાશનો ઉપયોગ થયો પણ માનવીય સંબંધોમાં મનમેળમાં ખટાશ કે ખારાશ ચાલતી નથી પણ લોક-વ્યવહારમાં તે જોવા મળે છે. ગણિતની ભાષામાં જોઈએ તો, વેપાર-ધંધામાં રોજ-મેળ એટલે હિસાબ લખવાનો ચોપડો હોય અલબત્ત, હવે કમ્પ્યુટરમાં પણ હોય.જેમાં આવક-ખર્ચનો હિસાબ-સરવાળો કરવામાં આવે.

યોગ્ય રોજમેળ-ગણતરી કરીને ખાતાવહીમાં ખતવણી કરો તો પાકું સરવૈયુ બંધબેસતું આવે. આવક કરતા ખર્ચનો વધારો હોય તો તેનો હવાલો કરવામાં આવે. જીવનવ્યવહારમાં પણ આવો મનમેળ હોવો જોઈએ. ક્યારેક અનુકૂળતા-એડ્જસ્ટમેન્ટ કરવું જ જોઈએ. બોલચાલની ભાષામાં કહીએ કે ‘હમણાં ત્યાં આવવાનો મેળ નથી, નોકરી, લગ્ન માટે છોકરીનો મેળ પડતો નથી.’ વગેરે વગેરે..ત્યાં પણ સંજોગ જોવા જોઈએ. માણસોનું એકઠાં મળવું તે જમાવટ હોય પણ ત્યાં વિચારોનો મેળ ન હોય તો સંમતિ, એકતા, સંપ કે ઐક્યના અભાવે નિશ્ચિત પરિણામ મળતું નથી.

આયોજન હોય પણ ગણતરી ખોટી પડે છે. અરે! ફેશનની દુનિયામાં કપડાંનો મેળ ન પડે તો કેવાં વિચલિત થઈ જઈએ છીએ? તો પછી માનવીય સંબંધો, વ્યવહારમાં કેમ સંવાદિતા જળવાતી નથી? બધે એકરસતા જરૂરી છે. પતિ-પત્ની બે પાત્રો કે અન્ય કૌટુંબિક સંબંધોમાં મનમેળ, સમજશક્તિ હોય તો પછી સર્વત્ર આનંદ અને શાંતિ પ્રગટે અન્યથા અશાંતિ! વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સંવાદ આવકાર્ય, તો જ સંબંધોમાં, વ્યવહારમાં સંધિ બને. બધું બંધબેસતું ન હોય, સંયોગ-સંજોગ બરાબર ન હોય તો તે મુજબ અનુકૂતળતા કરવામાં સમજદારી છે. ચાલો ત્યારે, માનવીય વ્યવહારમાં મનમેળ સાચવીએ, કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સવાલ કોને પુછાય?
દુનિયાનો નિયમ છે કે સવાલ હંમેશા શાસકને પુછાય. 2014 પહેલાં પત્રકારો, મિડિયા હાઉસો અને બીજેપી દ્વારા ઉશ્કેરવામાં આવેલી પ્રજા નાનામાં નાની બાબતે કોંગ્રેસને અને મનમોહનસિંહને જવાબદાર ગણીને સવાલો પૂછતી હતી! આજે મોદીજી અને બીજેપી શાસનમાં છે અને મોંઘવારી-બેકારી-ગુનાખોરી-ભ્રષ્ટાચાર ચરમ પર છે ત્યારે મનમોહનને સવાલો કરનારા બધા ચૂપ છે અને અમારા જેવા જાગૃત લોકો સવાલો પૂછે તો દેશદ્રોહી ઠરાવી મોદીના બચાવમાં ઊતરે છે અને રાહુલ સોનિયા સત્તામા ન હોવા છતાં એમને સવાલ પૂછી સલાહ પણ આપે છે. આ લોકોએ મોદીજીને સવાલ પૂછવા જરૂરી છે કે (1) ચીનનું પ્રતિનિધિ મંડળ મોહન ભાગવતને શા માટે મળ્યું? દેશના વહીવટમાં એની શું ભૂમિકા છે?

(2) BHU છાત્રા ઉપરના સામુહિક ગેંગરેપમાં PMIT સેલના તમારા (મોદીના) અંગત 3 યુવાનો આરોપી તરીકે બે મહિના બાદ કેમ પકડાયા? આ કેસમાં તમારી ભૂમિકા શું છે? (3) ચુનાવ આયોગની નિયુક્તિઓમાંથી સુપ્રિમ કોર્ટના CJIને દૂર કેમ કરાયા? (4) 2024ના ચુનાવ પહેલાં RBI ગવર્નર શક્તિકાંત દાસ પાસે રૂા. 28000 કરોડ શા માટે અને કયા હેતુ માટે માંગ્યા છે? અને એ કયાં વાપરવાના છે? (5) દેશમાં 85 ટકા વસ્તી SC, ST, OBCની છે છતાં દેશનાં મહત્ત્વનાં તમામ પદો ઉપર માત્ર 3 ટકા વસ્તી ધરાવતાં બ્રાહ્મણોને કેમ બેસાડાયાં છે? સૌને સમાન તકની તમારી ગેરન્ટીઓ ખોખલી કેમ? શું આ બધા સવાલના જવાબ રાહુલે આપવાના છે? ભક્તોની એ બોલતી બંધ કેમ થઈ જાય છે?
સુરત     – જિતેન્દ્ર પાનવાલા           – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top