Madhya Gujarat

ઉમરેઠમાં મહિલાઓ રણચંડી બની નપામાં માટલાં ફોડી છાજીયા લીધાં

આણંદ : ઉમરેઠમાં ભરઉનાળે પાણીની મોકાણ ઉભી થઇ છે, અનેક રજુઆત છતાં પ્રશ્નનો હલ ન થતાં આખરે મહિલાઓ રણચંડી બની માલટા ફોડ કાર્યક્રમ આપ્યો હતો. આ સાથે મહિલાઓએ છાજિયા પણ લેતા ભારે હોબાળો થયો હતો એક સમયે કારોબારી ચેરમેન, વિપક્ષ સભ્યો બધા સામસામે આવી જતાં જામી પડી હતી. ઉમરેઠના કેટલાક વિસ્તારોમાં પાણી પહોચતું નથી તે વાતનો સ્વીકાર ખુદ વોટર વર્કસના ચેરમેને કર્યો હતો, તે સાથે તેઓએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉદ્દેશીને પાણી અંગે પોતાના વિસ્તારની આપવીતી લખી તેનો ઉકેલ લાવવા તેમજ બે ટાઈમ પાણી આપવા બાબતે સૂચન કરતા પાલિકા સત્તાધીશોમા ચાલી રહેલા મતભેદ સપાટી ઉપર આવી ગયા હતા.

ભરઉનાળામાં એક ટાઈમ પાણી આપવાના કરાયેલા નિર્ણય સાથે જ પાલિકા પ્રમુખ ઉપર માછલા ધોવાનુ શરૂ થઈ ગયું છે.  ઉમરેઠના ઓડબજાર, આંબાવાડી, ડબાવિસ્તાર, ભરથરીવાસ વિસ્તારની મહિલાઓ માથે માટલા મૂકી પાલિકા ભવન ખાતે ધસી આવી હતી અને માટલા ફોડી પાલિકા પ્રમુખ (પતિ)ના નામના છાજિયા  લેતા હોબાળો મચી ગયો હતો. દરમિયાન બચાવ કરવા વચ્ચે પડેલા કારોબારી ચેરમેને મહિલાઓને તતડાવવાનું શરૂ કરતા, વિપક્ષી સભ્ય ભદ્રેશ વ્યાસ સાથે પાલિકા ભવનના પ્રવેશ દ્વાર પાસે જ શાબ્દીક ટપાટપી થઈ જતાં મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે અન્ય સભ્યોએ દરમ્યાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો

તમે જુઠ્ઠા છો, કોઇના ચઢાવ્યાથી આવ્યા : કારોબારી ચેરમેનની તુમાખી
ઉમરેઠ નગરપાલિકામાં રજુઆત કરવા આવેલી મહિલાઓને યોગ્ય જવાબ આપવાના બદલે કારોબારી ચેરમેને તેમને જુઠ્ઠા કહ્યાં હતાં. મીજાજ ગુમાવનારા કારોબારી ચેરમેન મહિલાઓને તમે બધા જૂઠઠા છો કોઈના ચઢાવ્યા આવ્યા છો. તેવો પ્રમુખ પતિની હાજરીમાં જ આક્ષેપો કરી આંખ બતાવી મહિલાઓને રીતસર ખખડાવી રહ્યાનો વિડીયો વાયરલ થયો હતો.

Most Popular

To Top