ગોધરા: નવરાત્રિના આઠમા નોરતે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ખાતે આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં મહાઆરતી અને ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં જાણીતા ગાયક કલાકાર ઓસમાન મીર અને ડિમ્પલ પંચોલીએ ગરબાની ભાવસભર પ્રસ્તુતિ કરી હતી.1100 દિવડાઓ સાથે કન્યાઓનાં જૂથ દ્વારા મહાકાળી માતાની આરતી કરવામાં આવી હતી.
આ અવસરે મંત્રીએ જણાવ્યું કે ગરબા દ્વારા માતાજીની ભાવપૂર્ણ આરાધના કરવાની ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના સંવર્ધન માટે રાજ્યના વિવિધ પ્રચલિત મંદિરોના પટાંગણમાં નવરાત્રીના નવેય દિવસ મહાઆરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કોવિડની ગાઇડલાઇનને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા કરાયુંં છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે વડાપ્રધાન મોદીના વિઝન, નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતના યાત્રાધામો વિશ્વફલક પર મૂકાયા છે તેમજ શ્રદ્ધાળુઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓનો વિકાસ થયો છે.
મહાઆરતી કાર્યક્રમ પ્રકારના આયોજનોથી કલાકારોને પણ તેમની કલા રજૂ કરવાનો સુંદર અવસર મળે છે. કોરોનારૂપી સંકટમાંથી લઘુત્તમ નુકસાન સાથે ઉગારવા માતાજીને પ્રાર્થના કરતા મંત્રીએ વેક્સિનેશનની બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે રસી મૂકાવી પોતાની જાતને અને સમાજને સુરક્ષિત કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,સરિતના ઉપસ્થિત રહ્યા હતા.