ઇલોન મસ્ક. આ માણસ દુનિયાના સેંકડો યુવાનોનો રોલમોડેલ છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત દરેક ઉદ્યોગ સાહસિકો ઈલોન મસ્ક જેવી સફળતા મેળવવા ધારે છે. ઈલોન મસ્કે ટેસ્લા કંપની બનાવીને કાર ઉત્પાદનમાં એકલપંડે આખો પ્રવાહ પલટાવી નાખ્યો. ટેસ્લાએ દુનિયાભરના કારશોખીનોને સાવ નવો અનુભવ કરાવ્યો. તેના પગલે પગલે બધી જ કાર કંપનીઓએ ઈલેક્ટ્રિક કારના પ્રયોગો કરવા પડ્યા. એક સમયે જે બિઝનેસમાં કોઈએ જવાનું વિચાર્યું ન હતું એ સ્પેસના બિઝનેસમાં ન કેવળ ઝંપલાવ્યું પણ નાસાને સર્વિસ આપીને સ્પેસ બિઝનેસની દિશા ખોલી આપી.
આજે SpaceX કંપની ધીકતો ધંધો કરે છે. સેટેલાઈટ ઈન્ટરનેટના બિઝનેસમાં આજે મસ્કની કંપની સ્ટારલિંક બિગ પ્લેયર છે. ઈલોન મસ્કને દુનિયા એવા વિઝનરી ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખે છે કે જેને મંગળ ગ્રહ પર વસાહત સ્થાપવી છે. નોટ ઓન્લી ધેટ, પૃથ્વી પર જન્મેલો આ માણસ બીજા ગ્રહ પર છેલ્લા શ્વાસ લેવાની અનોખી ઈચ્છા ધરાવે છે. પૃથ્વીના ઉદ્યોગપતિઓ કરતાં તદન નોખું વિચારતો આ માણસ ટ્વિટર ખરીદ્યા પછી સોશ્યલ મીડિયામાં કાઠું કાઢનારા અન્ય ઉદ્યોગપતિઓ જેવું જ વિચારતો થયો હોવાની એના કરોડો ચાહકોની ફરિયાદ છે.
ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું ન હતું ત્યારથી એ માને છે કે ટ્વિટર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તરીકે અત્યારે જે ભૂમિકા ભજવે છે તેનાથી ઘણી વધારે અગત્યની ભૂમિકા ભજવી શકે તેમ છે. ટ્વિટર અભિવ્યક્તિનું સૌથી મોટું અને મહત્ત્વનું પ્લેટફોર્મ બની શકે એવી ક્ષમતા હોવાથી એ દિશામાં કામ થવું જોઈએ એવું સતત કહેતા મસ્કે આખરે ગયા વર્ષે 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદી લીધું પરંતુ ટ્વિટરનો સોદો ઘણા મહિના સુધી વિવાદોમાં રહ્યો. એપ્રિલથી ઓક્ટોબર-2022ના સમયગાળામાં બંને પક્ષે અનેક નિવેદનો આવ્યાં. એક તબક્કે મસ્કે સોદો રદ થયો હોવાની જાહેરાત કરી. મામલો કોર્ટમાં પહોંચ્યો પછી અચાનક નાટયાત્મક રીતે મસ્કે સોદો પાર પાડ્યો.
ફાઈનલી મસ્કે ટ્વિટરની માલિકી મેળવ્યા પછી વિવાદો ઓછા થવાને બદલે વધ્યા. CEO પરાગ અગ્રવાલ સહિતના કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની હકાલપટ્ટી થઈ. અસંખ્ય કર્મચારીઓ ઉપર હજુય છટણીની તલવાર લટકી રહી છે. ઈલોન મસ્ક ટ્વિટરમાં ઘણા ફેરફારો કરી રહ્યા છે. એડિટ બટનથી મલ્ટિમીડિયા પોસ્ટ, બ્લૂ ટિક પેઈડ સબસ્ક્રિપ્શન, ટ્વીટની વર્ડ લિમિટમાં વધારો સહિતનું કેટલુંય આવ્યું છે. આગામી સમયમાં પણ ઘણું આવશે. ઈલોન મસ્ક ટ્વિટરને સુપરએપ બનાવવા માગે છે. મસ્કની ઈચ્છા તો ટ્વિટરને વી-ચેટ બનાવવાની છે. પેમેન્ટથી લઈને ઈ-કોમર્સ સુધીની બધી જ સુવિધા આગામી સમયમાં શરૂ થાય તો નવાઈ નહીં રહે.
પણ મસ્ક ટ્વિટરના માલિક બન્યા તે પહેલાં જે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની હિમાયત કરતા હતા એ જ બાબત હવે તેને કનડી રહી છે. કેટલાક પત્રકારોના ટ્વિટર એકાઉન્ટ બ્લોક થવાના મુદ્દે ટ્વિટરની અને મસ્કની ભારે ટીકા થઈ. જે મસ્ક અભિવ્યક્તિની આઝાદીની વાતો કરતા હતા એનું જ ટ્વિટર પત્રકારોના એકાઉન્ટ બ્લોક કરે તે વાત ઘણાં લોકોને અકળાવી ગઈ. ટ્વિટર ખરીદવાના મુદ્દે થયેલા વિવાદ વખતે જ અસંખ્ય લોકો ટ્વિટર પ્લેટફોર્મ છોડવા લાગ્યા હતા. તેમણે વૈકલ્પિક પ્લેટફોર્મ તપાસવાનું શરૂ કર્યું હતું અને એમાં તેમને મળી ગયું – માસ્ટોડોન.
***
2016માં માસ્ટોડોન પ્લેટફોર્મ ક્રિએટ થયું હતું. યૂજેન રોચકો નામના 22-23 વર્ષના સોફ્ટવેર ડેવલપરે ડિસેન્ટ્રલાઈઝ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ બનાવવાનો અખતરો કર્યો હતો અને એમાં સફળતા મળતા એની સત્તાવાર જાહેરાત માર્ચ-2016માં કરી હતી. ડિસેન્ટ્રલાઈઝ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એટલે કોઈ એક સ્થળેથી એનું સંચાલન થવાને બદલે ઓપન-સોર્સમાંથી સંચાલન થાય. સામાન્ય રીતે સેન્ટ્રલાઈઝ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કોઈ ચોક્કસ સર્વરમાંથી કંટ્રોલ થાય છે. એના ખાસ કોડ ઓફ કન્ડક્ટ હોય છે. આવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એટલે ટ્વિટર-ફેસબુક-ઈન્સ્ટાગ્રામ વગેરે, જેનો કંટ્રોલ કોઈ કંપની મારફતે, ચોક્કસ પોલિસીથી થાય છે.
પરંતુ ડિસેન્ટ્રલાઈઝ સોશ્યલ મીડિયામાં પોતાના કોડ ઓફ કન્ડક્ટ હોય છે. એ ઓપન સોર્સથી ચાલે છે. સ્વતંત્ર રીતે ઓપરેટ થાય છે. સોશ્યલ મીડિયા કરતાં એમાં યુઝર્સને વધારે આઝાદી મળે છે એવો દાવો થઈ રહ્યો છે. માસ્ટોડોન એવું જ પ્લેટફોર્મ છે અને હવે ટ્વિટર સાથે સીધું સ્પર્ધામાં ઊતર્યું છે. ટ્વિટરનો વિવાદ સતત ચાલ્યો ત્યારથી માસ્ટોડોનના એક્ટિવ યુઝર્સની સંખ્યા સતત વધવા લાગી છે.
માસ્ટોડોનના ક્રિએટર યૂજેનનો દાવો છે કે આ પ્લેટફોર્મ લોકોને વધુ ને વધુ પસંદ આવવા લાગ્યું છે અને ટ્વિટરના વિકલ્પ તરીકે લોકો એમાં આવી રહ્યા છે. છેલ્લા મહિનામાં જ અઢી લાખ કરતાં વધુ લોકોએ માસ્ટોડોન જોઈન કર્યું છે. 93 ભાષા આ પ્લેટફોર્મમાં સપોર્ટ કરે છે. માસ્ટોડોનના ડેઈલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 18-20 લાખે પહોંચી ગઈ છે. આ પ્લેટફોર્મ કુલ 29 લાખ યુઝર્સ ધરાવે છે અને આગામી એક વર્ષમાં આ સંખ્યા 5 ગણી થાય એવી ધારણા છે.
વેલ, માન્યું કે યુઝર્સનો આંકડો એટલો મોટો નથી. ઘણી મીડિયા વેબસાઈટ્સ કે Appની રિચ 1 કરોડ કરતાં વધારે હોય છે, તે હિસાબે ટ્વિટરનો વિકલ્પ બનવા ઈચ્છતા પ્લેટફોર્મના યુઝર્સનો આ આંકડો નગણ્ય કહેવાય પરંતુ ઓપન-સોર્સ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની હિમાયત કરતાં યુઝર્સ જે રીતે સતત આ પ્લેટફોર્મ પર એક્ટિવ થઈ રહ્યા છે તે જોતાં એ આગામી સમયમાં ચર્ચાસ્પદ અને મેઈનસ્ટ્રીમ પ્લેટફોર્મ બની જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.
અત્યારે એને ટ્વિટરનું વિકલ્પ ગણી શકાય તેમ નથી. ટ્વિટરના 33 કરોડ મન્થલી એક્ટિવ યુઝર્સ છે. ટ્વિટર વિશ્વસનીય અને પોપ્યુલર પ્લેટફોર્મ છે. દુનિયાભરની સરકારો મહત્ત્વની જાહેરાતો ટ્વિટરમાં કરે છે. ટોચના નેતાઓ ટ્વિટરમાં સક્રિય છે પણ યંગ જનરેશનમાં માસ્ટોડોન ઝડપભેર લોકપ્રિય થઈ રહ્યું છે. યુઝર્સ ટ્વિટરને બદલે માસ્ટોડોનમાં સ્વિચ થઈ રહ્યા છે તે પરિવર્તનની નિશાની તો છે જ. તેનાથી માસ્ટોડોન ટ્વિટરનો વિકલ્પ બનશે કે નહીં એ કહેવું તો વહેલું ગણાશે પરંતુ દુનિયામાં સેન્ટ્રલાઈઝ પ્લેટફોર્મને બદલે ડિસેન્ટ્રલાઈઝ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો નવો ટ્રેન્ડ આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય! જો એવું થશે તો માસ્ટોડોન ટ્રેન્ડસેટર બની રહેશે.
– હરિત મુન્શી