ખેડા: ખેડા તાલુકાના સમાદરા ગામ નજીક ફેબ્રિકના રોલ બનાવતી ફોરમોસા સિંથેટીક પ્રા.લિમીટેડ કંપનીમાં સોમવારના રોજ વહેલી સવારે આગ લાગી હતી. આગ વિકરાળ બનતાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગને કાબુમાં લેવા માટે નવ જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ કામે લાગી હતી. આગને પગલે કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. જોકે આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળી શક્યું નથી.
ખેડા તાલુકાના સમાદરા ગામ ખાતે ફોરમોસા સિંથેટીક પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. પ્લાસ્ટિકના દાણામાંથી ફેબ્રિકના રોલ બનાવી તેના પર પ્રિન્ટીંગનું કામ કરતી આ કંપનીના એક વિભાગમાં સોમવારના રોજ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં એકાએક આગ લાગી હતી. કંપનીમાં પ્લાસ્ટીકના દાણા તેમજ થીનર ભરેલા બેરલ આ આગની લપેટમાં આવી ગયાં હતાં. થીનર જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ ઝડપથી ફેલાવા લાગી હતી.
જોતજોતામાં આગ બેકાબુ બની હતી અને આખી કંપનીમાં પ્રસરી ગઈ હતી. વિકરાળ બનેલી આ આગને કાબુમાં લેવા માટે સ્થાનિક ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, આગ કાબુમાં આવતી ન હોવાથી અમદાવાદ, નડિયાદ, બારેજા, અસલાલી તથા ચીરીપાલ કંપનીની ફાયરબ્રિગેડની ટીમોની મદદ લેવામાં આવી હતી.
આ આગની ગંભીરતાને જોઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ખેડાની 1, નડિયાદની 2, અમદાવાદની 4, બારેજાની 1 તેમજ ચીરીપાલ કંપનીની 1 મળી કુલ ફાયરબ્રિગેડની 9 ગાડીઓ મારફતે ગણતરીના કલાકોમાં જ બે લાખ લિટર કરતાં પણ વધુ પાણીનો મારો ચલાવ્યાં બાદ પણ આગ કાબુમાં આવી ન હતી.
બે થી ત્રણ વખત મોટા ધડાકા થયાં – જેનો અવાજ દૂર સુધી સંભળાયો
આ કંપનીમાં પ્લાસ્ટિકના દાણા તેમજ પ્રિન્ટિંગ માટે વપરાતાં થીનરના બેરલનો સ્ટોક મોટી માત્રામાં હોવાથી આગ બેકાબુ બની હતી. એમાંય વળી થીનર જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ કાબુમાં આવતી જ ન હતી. દરમિયાન સ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા અનુસાર કંપનીમાં બે થી ત્રણ મોટા ધડાકા પણ થયાં હતાં અને જેનો અવાજ પણ દૂર સુધી સંભળાયો હતો.
કંપનીમાં લાગેલી આગના ધુમાડા 8 કિલોમીટર દૂર ખેડા સુધી દેખાયાં
કંપનીમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે, તેની જવાળાઓ તેમજ ધુમાડાના ગોટેગોટા આકાશમાં છેક ઉપર સુધી ફેલાયાં હતાં. આ ધુમાડા આઠ કિલોમીટર દૂરથી એટલે કે છેક ખેડા નગરમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં. વિકરાળ બનેલી આગ આખી કંપનીમાં ફેલાઈ ગઈ હતી. જેને પગલે કંપનીમાંનો તમામ સરસામાન બળીને ખાક થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હતું. કંપનીમાં એકમાત્ર સિક્યુરીટી ઓફિસ જ આગ બચી જવા પામી હતી.