શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગત રોજ તા. 14 નવેમ્બર શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે એક શક્તિશાળી વિસ્ફોટ થતાં વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ઘટના સમયે પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ‘વ્હાઇટ-કોલર આતંકવાદી નેટવર્ક’માંથી જપ્ત કરાયેલા એમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટકોની તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન અચાનક વિસ્ફોટ થતાં ઇમારતનો મોટો ભાગ તૂટી પડ્યો અને પાર્કિંગમાં ઉભેલા અનેક વાહનોમાં આગ લાગી ગઈ. તેમજ આ વિસ્ફોટમાં 9થી વધુના મોત અને 29થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ત્યાં હાજર લોકોના શરીરના ભાગો 200 મીટર સુધી ફેંકાઈ ગયા હતાં. આ વિસ્ફોતમાં 9 લોકોના મોત થયા છે. તેમજ 29 ઘાયલ પોલીસકર્મીઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે DSP રેન્કના ઓફિસર સહિત લગભગ 50 લોકો પોલીસ સ્ટેશનની ઈમારતમાં હાજર હતા.
ફરીદાબાદમાં ડૉ. મુઝમ્મિલ ગનાઈના ભાડાના મકાનમાંથી જપ્ત કરાયેલા 360 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટનો એક ભાગ FSL લેબમાં મોકલાયો હતો અને બાકીને નૌગામ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. આ જ વિસ્ફોટકની તપાસ દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ છે. ઘટનાને આતંકવાદી હુમલો ન ગણાવી પૈકીના કોઈ એક વિસ્ફોટક ટ્રિગર થવાને કારણે આકસ્મિક બ્લાસ્ટ થયો હોવાનું પોલીસનું કહેવું છે.
લોકલ સૂત્રો મુજબ વિસ્ફોટનો અવાજ શ્રીનગરની SMHS હોસ્પિટલ સુધી સંભળાયો હતો. જે અહીંથી લગભગ 14 કિલોમીટર દૂર છે. આસપાસની બિલ્ડિંગોના કાચના ગ્લાસ તૂટી ગયા અને વિસ્તાર ધુમાડાથી છવાઈ ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઇટર્સે આગ કાબૂમાં લીધી હતી. પોલીસ અને CRPFના વરિષ્ઠ અધિકારીઓ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
ઓક્ટોબરમાં આ જ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના પોસ્ટર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી. ત્યારબાદ ‘વ્હાઇટ-કોલર’ આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ કેસ સંબંધિત વિસ્ફોટકોનું જ નિરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની.
પોલીસે ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને જણાવ્યું છે કે પ્રાથમિક તપાસ પ્રમાણે આ આતંકવાદી હુમલો નહીં પરંતુ ટેકનિકલ ભૂલથી થયેલો આકસ્મિક વિસ્ફોટ છે. હાલ સમગ્ર કેસની વિગતવાર તપાસ ચાલુ છે.