SURAT

સ્યુસાઈડ નોટથી થયો ખુલાસો, સુરતના પરિવારે આ તકલીફના લીધે સામૂહિક આપઘાત કર્યો

સુરત(Surat): આંગણે દિવાળીના દિવા ઝળહળે તે પહેલાં સુરતમાં એક પરિવારનો માળો પીંખાઈ ગયો. સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં નૂતન રો હાઉસની સામે સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર ઘટના સ્થળ પર દોડી ગયું છે. હાલ તપાસ ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસ ની સામેના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી મળી આવેલા મનીષ સોલંકી ફર્નિચરનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 3 પુત્ર, પત્ની અને વૃદ્ધ માતા-પિતા એ કોઈ પ્રવાહી પીવાના લીધે મૃત્યુ પામ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે.

ઘરના મોભીએ પરિવારના સભ્યોને ઝેર પીવડાવી ફાંસો ખાધો હોવાનું અનુમાન
મનીષ સોલંકી ઉર્ફે શાંતુ ઈન્ટિરીયર ડિઝાઈનરની અનેક સાઈટ પર કામ કરતા હોવાની વિગતો જાણવા મળી છે. ઘરના મોભી શાંતુભાઈએ પરિવારના સભ્યોને ઝેરી પ્રવાહી પીવડાવી ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં ત્રણ બાળકો છે જે તમામની ઉંમર 8 વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું છે. શાંતુભાઈ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતા. આ પરિવારે સામુહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

સ્યુસાઈડ નોટ મળી, ઉઘરાણી ન આવતા અંતિમ પગલું ભર્યું
પોલીસ તપાસમાં સ્યુસાઈડ નોટ મળી આવી છે. પરિવારે સ્યુસાઈડ નોટ લખ્યા બાદ અંતિમ પગલું ભર્યું છે. પરિવારે આર્થિક સંકડામણથી ત્રાસી આપઘાત કર્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. ઘરના મોભીએ કોઈને રૂપિયા આપ્યા હતા તે પરત નહી આવતાં આર્થિક ભીંસમાં આવી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મનીષ સોલંકીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારે પૈસાની કોઈ તકલીફ નથી પણ જેની પાસે લેવાના છે એ ઉઘરાણી આવતી નથી. ઘરના મોભી શાંતુએ પરિવારના 6 સભ્યોને ઝેર આપ્યા બાદ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે.

મૃતકોના નામ: મનીષ સોલંકી, રેશમા બેન (પત્ની), કાવ્યા, ત્રિશા, કૃષાલ, કનુભાઈ(પિતા), શોભાબેન (માતા).

Most Popular

To Top