સુરત(Surat): સુરત શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતનો (Mass suicide) કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવી લીધું છે. પત્ની અને માસૂમ દીકરાને ઝેર પીવડાવ્યા બાદ પતિએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના લિંબાયતના રૂસ્તમ પાર્ક વિસ્તારમાં આવેલા પ્લોટ નં. એ-46માં બની છે. અહીં રહેતા પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસને ઘરમાંથી 3 મૃતદેહ મળ્યા છે. સોમેશ ભિક્ષાપતિ જીલા (ઉં.વ. 38)એ પત્ની નિર્મલ અને 7 વર્ષના દીકરા દેવઋષિને ઝેર પીવડાવી પોતે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
ડીસીપી પિનાકીન પરમારના જણાવ્યા અનુસાર આપઘાતનું કારણ હજુ બહાર આવ્યું નથી. ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને મોબાઈલ મળ્યો છે. આપઘાત પહેલાં કેટલાંક વિડીયો પરિવારે બનાવ્યા હતા, તે પણ પોલીસને મળ્યા છે. વીડિયોમાં આપઘાત કરનાર સોમેશ માતૃભાષા તેલુગુમાં કશુંક બોલી રહ્યો છે. શું બોલ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. મૃતદેહોને પીએમ માટે સિવિલ મોકલાયા છે.
દિવાળી પહેલાં પાલનપુર પાટિયાના પરિવારે આપઘાત કર્યો હતો
પાલનપુર પાટિયા પાસે નૂતન રો-હાઉસ ની સામેના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ફાંસો ખાધેલી હાલતમાં ઘરમાંથી મળી આવેલા મનીષ સોલંકી ફર્નિચરનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે 3 પુત્ર, પત્ની અને વૃદ્ધ માતા-પિતા એ કોઈ પ્રવાહી પીવાના લીધે મૃત્યુ પામ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે.