સુરત: હીરા ચોરીના ગુનામાં પકડાયેલા કર્મચારી પાસેથી ચોરીના હીરા ખરીદનાર વાઢેર પરિવારના ઘરમાંથી મહિધરપુરા પોલીસે ચોરીના 50 જેટલા હીરા (20 લાખ રૂપિયાના) કબજે કરતાં પરિવારના સભ્યો ગભરાયા હતા અને મોટા ભાઈ અને ભાભીએ પોલીસ સ્ટેશનમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
- હીરાચોરીના કેસમાં બે પુત્રની ધરપકડથી પરિવારની ત્રણ મહિલા સહિત ચારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
- મહિધરપુરાનો બનાવ, શકમંદ આરોપીની પત્ની, મોટા ભાઈ, ભાભી અને ભાભીની માતાએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો
- પોલીસને આરોપીના ઘરેથી 20 લાખ રૂપિયાના હીરા મળી આવ્યા
- સમાજમાં બદનામી થવાના ડરે પગલું ભર્યું હોવાની સંભાવના
તો બીજી બાજુ આરોપીના ઘરમાં આ જ પરિવારની અન્ય બે મહિલાએ પણ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી એક જ પરિવારના ચારેય સભ્યોને તાત્કાલિક સારવાર માટે પહેલા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે કતારગામની કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં મહિલાઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
બનાવની વિગતો એવી છે કે, મહિધરપુરા વસ્તાદેવડી રોડ ટોરન્ટ પાવરની પાસે આવેલા શિવમ જ્વેલર્સમાં કામ કરતા કર્મચારી વિપુલ દશરથજી મેવાડિયા (રહે.,બહુચરાજીનગર સોસાયટી, હરિઓમ મિલ પાસે, વેડ રોડ)એ કંપનીમાં 65 લાખ રૂપિયાના હીરાની ઉચાપત કરી હતી. તેને 5 ઓગસ્ટના રોજ કંપનીમાંથી હીરાનું એક પેકેટ તૈયાર કરવા માટે આપવામાં આવ્યું હતું. જેની કિંમત 65 લાખ થતી હતી.
જો કે, વિપુલ મેવાડિયાએ પેકેટમાંથી હીરા કાઢી લીધા હતા અને ખાલી પેકેટ મેનેજરને પકડાવી મારા કાકાનો દીકરો હોસ્પિટલ દાખલ છે જવું પડશે તેમ કહી ભાગી ગયો હતો. બાદ હીરાનું પેકેટ ખાલી હોવાનું જણાતાં મેનેજર સચિન નભોયાએ વિપુલ મેવાડિયા સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે વિપુલ મેવાડિયાની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, પોતાની પાસેના ચોરીના હીરા દિલીપ કરશન પ્રેમજી વાઢેર (રહે., દીનદયાળ સોસાયટી, પાલનપુર જકાતનાકા, મૂળ રહે.,તણસાગામ, ઘોઘા, જિ.ભાવનગર) અને તેના નાનાભાઈ ગૌતમ ઉર્ફે ગોવુ ઉર્ફે ગવો કરશન વાઢેરને અમુક હીરા વેચ્યા હતા. મહિધરપુરા પોલીસની તપાસમાં દિલીપ વાઢેર અને ગૌતમનાં નામ ખૂલ્યાં હતાં અને પોલીસે બંને ભાઈની ધરપકડ કરી હતી.
પોલીસે મંગળવારે મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી દિલીપ અને ગૌતમના ઘરે સર્ચ કર્યા બાદ 50 જેટલા હીરા કબજે કર્યા હતા. જેના કારણે પરિવારના સભ્યો ગભરાયા હતા અને દિલીપ અને ગૌતમનો મોટોભાઈ જેન્તી વાઢેર (ઉં.વ.35)ને પણ પોલીસે સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. જેથી જેન્તી અને તેની પત્ની કવિતા બુધવારે બપોરે મહિધરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં અને તેઓ અગાઉથી પોતાની સાથે ઝેર લઈને આવ્યાં હતાં.
પોલીસ કશું પૂછે એ પહેલા જ પોલીસ સ્ટેશનમાં બંનેએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી પોલીસ બંનેને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ હતી. આ તરફ જેન્તીનાં સાસુ પ્રેમીલાબેન (ઉં.વ.65) અને દિલીપની પત્ની લતા (ઉં.વ.24) જે દીનદયાળ સોસાયટીના ઘરે હતાં, તે બંને ભેગા મળી જેન્તીનાં માતાને દૂધ લેવાને બહાને ઘરની બહાર મોકલી ગ્રીલના દરવાજાને તાળું મારી ઘરની અંદર ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જેન્તીની માતા ઘરે પરત આવતાં તેમણે ઝેરની તીવ્ર દુર્ગંધ આવતાં આજુબાજુના લોકોને બૂમો મારીને બોલાવ્યા હતા અને બાદમાં બંનેને પણ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જો કે, એ પછી જેન્તી તેની પત્ની કવિતા, સાસુ પ્રમીલાબેન અને લતાને વધુ સારવાર માટે કતારગામની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં ત્રણેય મહિલાઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
દિલીપના પિતાએ સામૂહિક આત્મહત્યાની ધમકી આપી હતી
મહિધરપુરા પોલીસે જ્યારે દિલીપ અને ગૌતમની 65 લાખના હીરાની ચોરીના પ્રકરણમાં ધરપકડ કરી હતી, ત્યારે મોડી રાત્રે આ બંનેના પિતા કરશન પ્રેમજી વાઢેરે મહિધરપુરા પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને પોલીસને એવી ધમકી આપી હતી કે, અમે આખો પરિવાર ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરીશું. ઉપરોક્ત આ બાબતની મહિધરપુરા પોલીસે નોંધ લઈ પોલીસ સ્ટેશનની સ્ટેશનમાં ડાયરીમાં તેની એન્ટ્રી કરી ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.
શું કહે છે પરિવાર?
દિલીપ અને તેનો ભાઈ પોલીસ કસ્ટડીમાં છે. પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે, પોલીસ બંને ભાઈઓ પર દબાણ કરી હતી અને તેમને પરેશાન કરી રહી છે. જેથી પરિવારજનોએ આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો.
શું કહે છે પોલીસ?
હીરા ચોરીના કેસમાં બંને દીકરાની ધરપકડ અને ત્યારબાદ પોલીસ તપાસમાં તેના ઘરેથી જ સંતાડેલા 20 લાખના હીરા મળ્યા હતા. આથી પરિવારની બદનામી અને મોટા દીકરાની પાલિકાની નોકરી જવાના ડરે આ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે.