રમેશ ઓઝા
ઈ માણસને ભડવીર, કૃતનિશ્ચયી, અડગ, લોખંડી મનોબળ ધરાવનારો બતાવવા માટે તેની અંદર રહેલી માણસાઈને પાતળી પાડવી જરૂરી છે? શું વીરતા અને માણસાઈ એ પરસ્પર વિરોધી ગુણ છે? ભારોભાર માણસાઈ ધરાવનારો માણસ શૂરવીર ન હોઈ શકે? પણ આજકાલ આવું કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આવું કરવામાં આવી રહ્યું છે. તેમને મુસલમાનોની ઐસીતૈસી કરનારા ભડવીર તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. આવું કરનારાઓ આ બન્ને મહાપુરુષોને અન્યાય કરી રહ્યા છે. તેઓ બન્ને ભડવીર જરૂર હતા, માથાભારે નહોતા. માણસાઈ, વિવેક અને મર્યાદા જાણતા હતા અને પાળતા પણ હતા.
શિવાજી મહારાજની માણસાઈનું પ્રમાણ તો હિન્દુત્વવાદીઓના મહાગુરુ વિનાયક દામોદર સાવરકરે પોતે જ આપ્યું છે અને માણસાઈ ધરાવવા માટે (હા, માણસાઈ ધરાવવા માટે તેમ જ માણસાઈ બતાવવા માટે) ધોખો કર્યો છે. શિવાજી મહારાજના સૈનિકોએ કલ્યાણના મુસ્લિમ સૂબાની પુત્રવધૂ અને અન્ય સૈનિકોની પત્નીઓને પકડીને શિવાજી મહારાજ સમક્ષ પ્રસ્તુત કરી. શિવાજી મહારાજને મરાઠા સૈનિકોનું આ પગલું ઉચિત લાગ્યું નહીં અને આદેશ આપ્યો કે હમણાં ને હમણાં આ સ્ત્રીઓને માનભેર તેમના ઘરે પાછી પહોંચડવામાં આવે અને તેમનો વાળ પણ વાંકો ન થવો જોઈએ. સાવરકરે આ પ્રસંગને ટાંકીને લખ્યું છે કે શિવાજી મહારાજે હાથ લાગેલી મુસ્લિમ સ્ત્રીઓને તેમના સૈનિકોને ભોગવવા માટે આપી દેવી જોઈતી હતી. હિંદુ સૈનિકો તેમના પર બળાત્કાર કરત અને મુસલમાનોને પાઠ ભણાવત. સાવરકર માનતા હતા કે માણસાઈ એક નબળાઈ છે, દુર્ગુણ છે. તેમણે તેમના મરાઠી પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે જેનું શીર્ષક જ છે: સદગુણ વિકૃતિ. સદગુણ એ વિકૃતિ છે.
મુસ્લિમ સ્ત્રીઓની આબરૂનું રક્ષણ કરનારા શિવાજી મહારાજ નબળા હતા? જો નબળા હોત તો તેમણે આગ્રાની જેલમાંથી છૂટવા માટે ઔરંગઝેબની માફી માગી હોત, જે રીતે સાવરકરે આંદામાનની જેલમાંથી છૂટવા માટે અંગ્રેજોની એક વાર નહીં ઉપરાઉપર અનેક વાર માફી માગી હતી. શિવાજી મહારાજની બહાદુરી, સંકલ્પસિદ્ધિ, કૃતનિશ્ચયતા વિષે કોણ નથી જાણતું? એ માણસે ઔરંગઝેબને હંફાવી દીધો હતો અને દક્ષિણ છોડીને દિલ્હી પાછો જવા નહોતો દીધો. લાંબો સમય સુધી દિલ્હીની બહાર રહેવાને કારણે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું અને છેવટે તેનું પતન થયું હતું. અને હજુ એક વાત. આગળ જતાં આ જ શિવાજી મહારાજના મરાઠા સામ્રાજ્યનું પતન મરાઠાઓની મર્દાનગીના અભાવને કારણે નહોતું થયું પણ પેશ્વાઓની ઐયાશીના કારણે, તેમની જીવનમૂલ્યો સાથેની શિથિલતાને કારણે, મર્યાદાલોપને કારણે થયું હતું. ટૂંકમાં મર્દાનગી અને માણસાઈ પરસ્પર વિરોધી નથી, પરસ્પર પૂરક છે. બન્ને એકબીજાને વધારે સમૃદ્ધ કરે છે. દીપાવે છે. મર્યાદા પુરુષોત્તમ રામ કાયર હતા?
શિવાજી મહારાજની જેમ સરદાર વલ્લભભાઇ પટેલ પણ ખાસ એજન્ડાના શિકાર છે. આ બન્નેને મોટા બનાવવામાં નથી આવી રહ્યા, નાના બનાવવામાં આવી રહ્યા છે. તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આપણને માફક આવે એવા અને આપણી જેવા બનાવો. આમાં આપણી જેવા એ વધારે મહત્ત્વનું છે. આપણી જેવા એટલે માનમર્યાદામાં નહીં માનનારા અને મુસલમાનોની ઐસીતૈસી કરનારા. શિવાજી મહારાજે આવું ક્યારેય કર્યું નથી અને સરદારે પણ આવું કર્યું નથી. 1937-39ની સાલમાં મુંબઈ રાજ્યની સરકારમાં કનૈયાલાલ મુનશી ગૃહ પ્રધાન હતા. એ સમયે સુરતમાં, મુંબઈમાં અને સોલાપુરમાં કોમી રમખાણો થયાં હતાં. સરદાર પટેલે કનૈયાલાલ મુનશીને રમખાણોનાં કારણો જાણવા પત્ર લખ્યો હતો અને તેને રોકવા માટે સૂચનો આપ્યાં હતાં. તેમણે મુનશીને ખાનગીમાં નહોતું કહ્યું કે બે દિવસ તમને આપું છું, મુસલમાનોને ધીબેડી નાખો. 1947માં ભારતનું વિભાજન થયું ત્યારે તેઓ પોતે દેશના ગૃહ પ્રધાન હતા અને ત્યારે તેઓ એમ કહી શક્યા હોત કે મહાત્માજી તો બોલ્યા કરે, સેકયુલરિસ્ટો અને માનવતાવાદીઓ તો ભસ્યા કરે, હું તમને અઠવાડિયું આપું છું કરી દો મુસલમાનોને પાકિસ્તાન ભેળા. તેઓ ભડવીર હતા, કૃતનિશ્ચયી હતા, આખાબોલા હતા, કોઈની આડોડાઈને સહન નહોતા કરતા પણ એની સાથે માણસાઈ ધરાવનારા માણસ હતા.
એક પ્રસંગ ટાંકું છું. બોરસદના સત્યાગ્રહમાં વિજય મળ્યો એ પછી 12મી જાન્યુઆરી 1924ના દિવસે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. એ સભામાં વલ્લભભાઇ પટેલે કહ્યું હતું: “એક મહિનાની ટૂંકી લડત દરમિયાન તમે કેટલો આકરો ભોગ આપ્યો છે, કેટલી હિંમત બતાવી છે, કેવો સંપ રાખ્યો છે, કેટલો ઉત્સાહ બતાવ્યો છે, એ બધું કર્યું ત્યારે જ તમે માગતા હતા તે બધું મેળવી શક્યા. તેમાં દરબારસાહેબની (દરબાર ગોપાળદાસ) પંડ્યાજીની (મોહનલાલ પંડ્યા) કે મારી, કોઈની બુદ્ધિચાતુરીથી આ બધું તમે મેળવ્યું નથી; પણ આજે જેલમાં બેઠેલા આપણા ગુરુ, જગતના મહાન તપસ્વીએ ચીંધી દીધેલા માર્ગે ચાલવાથી આ ફતેહ મળેલી છે. એમણે આપેલી દીક્ષાની ગુરુદક્ષિણા તો હજી આપણે આપવી બાકી જ છે, આ તો એમના ઋણનું વ્યાજ માત્ર આપણે પાછું વાળ્યું છે.” આગળ કહે છે: “ … મેં જાણ્યું કે તમે ફતેહની ઉજાણી કરવાના છો. તે ભલે ઉજવો, પણ મારી સલાહ છે કે તમારી ઉજાણીમાં જપ્તી કરવા આવનારાઓને પણ ભાગ લેવા બોલાવો. આપણી લડત આસુરી નથી એટલે દુશ્મને જ્યારે હથિયાર હેઠાં મૂકયાં ત્યારે તમારે તેમની સાથે મહોબત કરવી અને પોલીસને પણ તમારી ઉજાણીમાં ભાગ લેવા બોલાવવા.” સરદાર કહે છે કે ગાંધીના માર્ગે વિજય મળ્યો અને એ માર્ગ માણસાઈયુક્ત શૌર્યનો હતો અને માણસાઈયુક્ત શૌર્યથી વધારે મોટું કોઈ શૌર્ય હોતું નથી.
માણસાઈ વિનાનું શૌર્ય એ શૌર્ય ન કહેવાય એને માથાભારેપણું કહેવાય. અને વિજય? સરદાર કહે છે કે ઉદારતાયુક્ત વિજય એ સાચો વિજય કહેવાય અને જો વિજયમાં ઉદારતા ન હોય તો એમાં વિરોધી માટે દ્વેષ, તિરસ્કાર અને પ્રસંગે સતામણી પેદા થાય.
આવા હતા શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઇ પટેલ. તેમની મર્દાનગી માણસાઈયુક્ત હતી.
તેમના વિજયમાં ઉદારતા હતી. પણ આજના યુગમાં શાસકોની ખાસ જરૂરિયાતના ભાગરૂપે આ બન્નેની માણસાઈને પાતળી પાડવામાં આવી રહી છે. તેઓ શિવાજી મહારાજ અને સરદાર પટેલને તેમના જેવા બનાવવા માગે છે. આવું કરનારાઓ તેમને અન્યાય કરે છે.