SURAT

સગી ભત્રીજી સાથે બળાત્કાર કરી ગર્ભવતી બનાવનાર માસાને આજીવન કેદ

surat : સલાબતપુરામાં માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી સગીરા પર બળાત્કાર( rape) ગુજારી તેણીને ગર્ભવતી ( pregnent) બનાવવાના કેસમાં માસાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો, આ બાળકી અને સગીરાના માસાનો ડીએનએ ટેસ્ટ મેચ ( dna test ) થયો હતો. કોર્ટે ભોગ બનનાર સગીરાને 10 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા વિસ્તારમાં રહેતી 14 વર્ષિય સગીરાના માતા-પિતાનું આકસ્મિક મોત નીપજ્યું હતું. આ સગીરા તેના પિતરાઇ ભાઇની સાથે રહેતી હતી. સગીરા જ્યાં રહેતી હતી તેના થોડે જ દૂર તેનો માસો નામે શૈલેષ મગનભાઇ રાઠોડ પણ રહેતો હતો. સગીરાનો ભાઇ જ્યારે નોકરી ઉપર જતો ત્યારે શૈલેષ રાઠોડ સગીરાને 20 રૂપિયાની લાલચ તેમજ કપડા લઇ દેવાનું કહીને છેડતી કરતો હતો અને બળાત્કાર પણ ગુજાર્યો હતો. આ દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. થોડા મહિના બાદ સગીરાનું પેટ બહાર આવતા આજુબાજુના લોકો અચંબામાં પડ્યા હતાં.

સગીરાને નવી સિવિલમાં મેડીકલ તપાસ માટે લઇ જવાતા સગીરાને સાત મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. સગીરાને ગર્ભના સાત મહિના થયા હોવાથી એબોર્શન પણ થઇ શક્યુ ન હતુ, અને સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. બનાવ અંગે સગીરાને પુછવામાં આવતા તેણીએ પોતાની સાથે માસાએ જ બળાત્કાર ગુજાર્યો હોવાનું કહ્યું હતું. જે બાબતે સલાબતપુરા પોલીસમાં શૈલેષ રાઠોડની સામે બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ કેસ ચાલી જતાં સરકારી વકીલ કિશોર રેવલીયાએ દલીલો કરી હતી કે, આરોપીની અગાઉ બે પત્નીઓ હતી અને બંનેના મોત નીપજ્યા હતા. સગીરાની ભોળપણનો ફાયદો ઉઠાવીને બળાત્કાર ગુજારાયો છે. આરોપી અને બાળકીનો ડીએનએ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે તેવા સંજોગોમાં આરોપીને જો શંકાનો લાભ આપવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી શૈલેષ રાઠોડને આજીવન કેદની સજા અને સાત હજારનો દંડ ફટકરાતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનાર સગીરાને 10 લાખનું વળતર ચૂકવવા માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને પણ આદેશ કરવામાં આવ્યો હતો.

ત્યારે બીજા એક કિસ્સામાં શહેરના પુણા વિસ્તારમાં રહેતો ખેડૂત ઉછીના આપેલા 70 લાખની ઉઘરાણી કરવા પત્ની સાથે ગયો હતો. ત્યારે આરોપીએ પતિની નજર સામે પરિણીતાનો હાથ પકડી છેડતી કરી હતી. અને બાદમાં પતિ અને તેના દિકરાને મારી નાખવાની ધમકી આપતા મહિલાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ દાખલ કરાવી છે.


ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજ પાસોદ્રા ખાતે રહેતા વિજય પટેલ (નામ બદલ્યું છે) ખેડૂત છે. વિજયની પત્ની માનસી (નામ બદલ્યું છે) નું પિયર પરવટ ગામ ખાતે આવેલું છે. માનસીના પિયરના બાજુમાં રહેતા શૈલેષભાઈ ગીરીશભાઈ પટેલ સાથે તેઓ પરિચીત છે. શૈલેષભાઈને પૈસાની જરૂર પડતા વર્ષ 2015 થી 2020 સુધીમાં ટુકડે ટુકડે વિજયભાઈએ 70 લાખ રૂપિયા આપ્યા હતા. આ અંગે લખાણ પણ કરાયું હતું. હવે વિજયભાઈને પૈસાની જરૂર હોવાથી તેઓ લાંબા સમયથી પૈસા માંગે છે. પરંતુ તેઓ આજદીન સુધી વાયદો કરતા પોલીસમાં અરજી કરી હતી.

ત્યારબાદ 19 મે ના રોજ દોઢેક વાગે શૈલેષભાઈના સંબંધી કાકા કનુભાઈ ઇશ્વરભાઈ પટેલનો વિજયભાઈ ઉપર ફોન આવ્યો હતો. તેમને વાતચીત કરવા માટે પરવટ ગામ પટેલ ફળીયામાં તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. જેથી વિજયભાઈ અને તેમની પત્ની માનસી ઓફિસમાં પહોંચી ગયા હતા. ઓફિસમાં વાતચીત દરમિયાન શૈલેષનો પિતરાઈ હિરેન સુરેશ પટેલ (રહે, મંદીર ફળીયું પરવટગામ) ત્યાં આવ્યો હતો. હિરેનએ ‘મારૂ નામ અરજીમાં કેમ લખાવ્યું તેમ કહી વિજયભાઈને તું દુનિયાનો સૌથી મોટો દુશ્મન છે હવે તને રસ્તે ગાડી નીચે કચડી નાખીશ’ કહી ધમકી આપી હતી. જતા જતા હિરેનએ માનસીબેનનો હાથ પકડી પીઠ ઉપર ધબ્બા માર્યા હતા. અને ગંદા બિભત્સ ઇશારા કરી ‘તારા છોકરાની વાટ લાગી જશે તેમજ તારા છોકરાને કેવી મરાઈ જશે તે જોજે’ કહીને ધમકી આપી હતી. ગોડાદરા પોલીસે માનસીબેનની છેડતીની ફરિયાદ દાખલ કરી આરોપી હિરેનની અટક કરી છે.

Most Popular

To Top