મારુતિ સુઝુકીએ તેની લોકપ્રિય SUV ગ્રાન્ડ વિટારાના કેટલાક યુનિટમાં ખામી મળી આવતાં 39,000થી વધુ કારોના રિકોલની જાહેરાત કરી છે. ફ્યુઅલ ગેજ સિસ્ટમમાં ખામીના કારણે કંપની આ પગલું લઈ રહી છે.
ભારતમાં ઝડપથી વિકસતા SUV બજારમાં જ્યાં નવા લોન્ચ અને અપગ્રેડની હરીફાઈ તેજ બની છે. ત્યાં દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ એક મહત્વપૂર્ણ રિકોલની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે લોકપ્રિય ગ્રાન્ડ વિટારા SUVના 39,506 યુનિટમાં ટેકનિકલ ખામી જોવા મળતાં કારોને તપાસ માટે રિકોલ કરવામાં આવશે. આ રિકોલ તા. 9 ડિસેમ્બર 2024થી તા.29 એપ્રિલ 2025 વચ્ચે કંપની તમામ વાહનોને આવરી લેશે.
મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL) દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ ગ્રાન્ડ વિટારા SUVની ફ્યુઅલ ગેજ સિસ્ટમ યોગ્ય રીતે કામ નહોતી કરતી તેમજ સ્પીડોમીટર એસેમ્બલીમાં રહેલું ફ્યુઅલ લેવલ ઈન્ડિકેટર પણ ક્યારેક વાસ્તવિક ફ્યુઅલ લેવલ દર્શાવવામાં નિષ્ફળ જાય છે. આ ખામીના કારણે ડ્રાઇવરને ફ્યુઅલ ટેન્કમાં કેટલું ફ્યુઅલ બચ્યું છે તેની સાચી માહિતી મળતી નથી. જે સલામતી માટે જોખમકારક બની શકે છે. આ કારણસર કંપનીએ રિકોલને “સાવચેતીના પગલા” તરીકે જાહેર કર્યો છે.
મારુતિ સુઝુકીએ જણાવ્યું છે કે રિકોલથી પ્રભાવિત તમામ વાહનમાલિકોને કંપની અથવા અધિકૃત ડીલરો દ્વારા સીધો સંપર્ક કરવામાં આવશે. ગ્રાહકોને નજીકના વર્કશોપમાં બોલાવી નિષ્ણાત ટેકનિશિયન દ્વારા વાહનનું નિરીક્ષણ કરવામાં આવશે. જો ખામી મળી આવે તો સંબંધિત પાર્ટસનું રિપ્લેસમેન્ટ સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવશે. ગ્રાહકની સલામતી અને વિશ્વાસ જાળવવા માટે કંપનીએ તાત્કાલિક પ્રતિસાદ આપવા વિનંતી કરી છે.
તાજેતરના વર્ષોમાં ભારતીય ઓટો ઉદ્યોગમાં રિકોલ સંસ્કૃતિ વધી રહી છે. સલામતી અને ગુણવત્તા અંગે સતર્કતા વધતાં મોટાભાગની કંપનીઓ ગ્રાહકોને જોખમ ન થાય તે પહેલાં જ સંભવિત ખામીઓનું સમાધાન કરી દેવા તૈયાર છે. મારુતિ સુઝુકી દ્વારા કરવામાં આવેલ આ રિકોલ પણ એ જ પ્રયત્નનો ભાગ છે. જેમાં કંપની ગ્રાહક સુરક્ષાને પ્રાથમિકતા આપે છે.