નડિયાદ: કપડવંજ પંથકની 16 વર્ષીય કિશોરીને ભગાડી જઈ, તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારી બે વખત ગર્ભવતિ બનાવનાર પરિણીત યુવકને કોર્ટે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.71,000 નો દંડ ફટકાર્યો છે.
કપડવંજ તાલુકાના નવા રેલીયા ગામમાં આવેલ ઠાકોરવાસ વિસ્તારમાં રહેતો હિતેન્દ્રસિંહ દિલીપભાઈ ઝાલા પરિણીત હોવા છતાં ગત તા.8-12-2018 ના રોજ 16 વર્ષીય કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. જે બાદ હિતેન્દ્રસિંહે સૌપ્રથમ અમદાવાદ અને બાદ રાજકોટના જીલરીયા ગામમાં લઈ જઈ આ કિશોરી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી કિશોરી ગર્ભવતિ બની હતી અને તેણીએ તા.3-10-2019ના રોજ રાજકોટના પડધરી સરકારી દવાખાનામાં બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળક નાદુરસ્ત હોવાથી અઠવાડિયામાં જ તેનું મોત નિપજ્યું હતું.
જે બાદ હિતેન્દ્રસિંહ આ કિશોરીને રાજકોટ લઈ ગયો હતો અને ત્યાં પણ અવારનવાર દુષ્કર્મ ગુજારતાં તે બીજી વખત ગર્ભવતિ બની હતી. આ અંગે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી હિતેન્દ્રસિંહની અટકાયત કરી હતી અને તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં મુકી હતી. આ કેસ નડિયાદના સ્પે.પોક્સો જજ પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ રાહુલ.જી.બ્રહ્મભટ્ટે 19 મૌખિક પુરાવા અને 30 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતાં. જેને ગ્રાહ્ય રાખી કોર્ટે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલાને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.71 હજારનો દંડ ફટકાર્યો છે. તદુપરાંત 50 હજાર કિશોરીને વળતર પેટે ચુકવી આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
- કયાં ગુનામાં કેટલી સજા
- કલમ 363 ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.5000 નો દંડ, જો દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા
- કલમ 366 ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.5000 નો દંડ, જો દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા
- કલમ 376(2)(એન)ના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ.20 હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા
- પોક્સો એક્ટની કલમ 5(એલ) સાથે વાંચતા કલમ 6 ના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.20,000 નો દંડ, જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા
- પોક્સોની કલમ 5(જે)(2) સાથે વાંચતા કલમ 6માં 20 વર્ષની સખત કેદ, રૂ.20 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત કેદ.
- એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(આર)(ડબલ્યું)(1)(એ) તથા 3(2)(5-અ) ના ગુનામાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂ.એક હજાર દંડ. દંડ ન ભરે તો વધુ 1 માસની કેદની સજા
ડભાણમાં બે બાળકી સાથે છેડતી કરનારા વૃદ્ધને 5 વર્ષ કેદની સજા
નડિયાદ : ખેડામાં રહેતાં એક વૃધ્ધ સ્કુલવાન ચાલકે નડિયાદ તાલુકાના ડભાણ પાસે આવેલ એક સ્કુલની સામે પાર્ક કરેલી પોતાની ગાડીમાં 5 થી 6 વર્ષના આશરાની બે બાળકીઓને બોલાવી, તેમને અશ્લિલ વિડિયો બતાવ્યાં હતાં અને ત્યારબાદ બંને બાળકીઓની શારીરીક છેડછાડ કરી હતી. આ કેસમાં કોર્ટે નરાધમ વૃધ્ધને કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
ખેડાના મોમીનવાડ વિસ્તારમાં રહેતાં 61 વર્ષીય સ્કુલવાન ચાલક યુનુસભાઈ જયનોદ્દીન મોમીન ગત તા.20-2-2020 ના રોજ નિત્યક્રમ મુજબ વિદ્યાર્થીઓને લઈને નડિયાદ તાલુકાના ડભાણ પાસે આવેલ સ્કુલમાં આવ્યો હતો. જે બાદ તે સ્કુલની સામે પોતાની ગાડી પાર્ક કરીને તેમાં બેઠો હતો. દરમિયાન યુનુસે પાંચથી છ વર્ષના આશરાની બે નાની બાળકીઓને લાલચ આપીને પોતાની ગાડીમાં બોલાવી હતી. જે બાદ પોતાના મોબાઈલમાં અશ્લિલ વિડિયો ચાલુ કરી બંને બાળકીઓને બતાવ્યા હતાં. જે બાદ બાથરૂમ જવાના બહાને બંને બાળકીઓને ઝાડી-ઝાંખરામાં લઈ જઈ શારીરીક છેડતી કરી હતી. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી નરાધમ યુનુસ મોમીનની અટકાયત કરી હતી. જે બાદ કોર્ટમાં ચાર્જશીટ મુકી હતી. આ કેસ નડિયાદના સ્પે.પોક્સો જજ પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં મદદનીશ સરકારી વકીલ મૃગાબેન.વી.દવે અને પ્રોશીક્યુશન વકીલ કેતનભાઈ.પી.પટેલે 13 મૌખિક પુરાવા, 14 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતાં. તેમજ ધારદાર દલીલો પણ કરી હતી. જેને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી યુનુસભાઈ જયનોદ્દીન મોમીનને પાંચ વર્ષની સખત કેદ તેમજ રૂ.21,000 નો દંડ ફટકાર્યો છે. તદુપરાંત આરોપીએ ભોગ બનનાર બંને બાળકીઓને વળતર પેટે રૂ.25,000 ચુકવી આપવાનો પણ ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.