પલસાણા: (Palsana) કામરેજના ડુંગરા ગામે રહેતી યુવતીનાં લગ્ન (Marriage) હરિપુરા ગામે રહેતા યુવક સાથે થયાં હતાં. લગ્ન બાદ આ દંપતી કેનેડા ખાતે રહેવા ગયું હતું. એ દરમિયાન તેમની સાથે રહેતી નણંદનું અન્ય યુવક સાથે અફેર હોવાનું તેમજ પતિના અલગ અલગ કોલગર્લ (Callgirl) સાથે સંબંધ હોવાનું પરિણીતાને જાણવા મળ્યું હતું. જે અંગે પરિણીતાએ તેનાં સાસુ-સસરા અને પતિને આ બાબતે પૂછતાં તેમણે પરિણીતા સાથે ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજમાં 50 હજાર ડોલરની માંગ કરી છૂટાછેડા આપવાનું જણાવી પરત ઈન્ડિયા મોકલી આપતાં પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કામરેજના ડુંગરા ગામે જૂના ફળિયામાં રહેતા રોહિતકુમાર પટેલની 27 વર્ષીય દીકરી શિવાનીનાં લગ્ન તા.19-04-2017ના રોજ હરિપુરા ગામે રહેતા જયેશ રમણ પટેલના પુત્ર ફેનિલ સાથે થયાં હતાં. લગ્ન બાદ તેઓ પતિ ફેનિલ, સસરા જયેશભાઈ, સાસુ શિલ્પાબેન તથા નણંદ ધ્રુવી સાથે રહેતાં હતાં. લગ્નના થોડા દિવસ બાદ ફેનિલ કેનેડા રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર-2017માં તેમની નણંદ ધ્રુવી પણ કેનેડા ખાતે રહેવા ગઈ હતી. ત્યારે શિવાની અને તેના સાસુ-સસરા હરિપુરા ગામે રહેતા હતા. જાન્યુઆરી-2018માં ધ્રુવીનું કોઈ અન્ય યુવક સાથે અફેર હોવા અંગેની જાણ ફેનિલને થતાં તેણે તેના પિતાને જણાવ્યું હતું. ત્યારબાદ 2018માં શિવાની પણ પતિ અને નણંદ સાથે કેનેડા રહેવા ગઈ હતી. ત્યારે ધ્રુવી શિવાની ઉપર ખોટો વહેમ શક રાખી તેનું અપમાન કરતી હતી.
ત્યારબાદ શિવાનીએ તેના પતિ ફેનિલનો ફોન ચેક કરતાં કોઈ છોકરીના મેસેજ મળી આવ્યા હતા. જે અંગે ફેનિલને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, આપણાં લગ્ન પહેલાં એક છોકરીને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પરંતુ મારાં માતા-પિતાના કહેવાથી તારી સાથે લગ્ન કર્યાં છે. ફેનિલનો ફોન ચેક કરતાં શિવાનીને જાણવા મળ્યું હતું કે, ફેનિલના અન્ય કોલગર્લ સાથે પણ સંબંધ છે. જે અંગે શિવાનીએ તેનાં સાસુ-સસરાને વાત કરતાં જણાવ્યું હતું કે, તું ચિંતા ના કરતી અમે તારી સાથે છીએ અને દીકરાને સમજાવવાની અમે કોશિશ કરીએ છીએ.
આથી શિવાની સંસાર ન બગડે એ માટે સાથે રહેતી આવી હતી. ત્યારબાદ ફેનિલે શિવાનીને જણાવ્યું હતું કે, ડિસેમ્બર-2020માં તારા પિતા રિટાયર્ડ થશે અને જે પૈસા આવશે તેમાંથી પચાસ હજાર ડોલર આપણે કેનેડામાં લીધેલા મકાનમાં આપશે ને એવી દહેજની માંગણી કરી હતી. જેથી શિવાનીએ પૈસા આપવાની ના પાડી હતી. ત્યારબાદ ફેનિલે શિવાનીને સમજાવી કેનેડાથી પરત ઈન્ડિયા મોકલી આપી હતી. ત્યારબાદ પતિ અને સાસુ-સસરા તેમજ નણંદ દહેજ ન આપે તો છૂટાછેડા આપવાનું દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાથી શિવાનીએ સાસરિયાં વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.