લગ્નનો માહોલ હોય એટલે તડામાર તૈયારી અને કઈક બાકી ન રહી જાય એની ચિંતા દરેક ઘરોમાં દેખાતી જ હોય છે. જો કે હાલમાં તો સગવડો વધી છે એટ્લે કેટલીક તૈયારીઓ તો ઘર બેઠા પણ થઈ જાય છે એટ્લે સમયની ખાસ્સી એવી બચત થાય છે જ્યારે કેટલાંક લોકો તો આ બધી પળોજણમાં મુક્તિ મેળવવા માટે તમામ આયોજન ઈવેન્ટ પ્લાનરને સોંપી દેતાં હોય છે અને લગ્નને મનભરીને માણે છે. સમય સાથે રિવાજો પણ બદલાયા છે અને લોકો પોતાના દિવસને ખાસ બનાવવા માટે કોઈ કચાસ રાખવા નથી માંગતા પણ તેમ છતાં કેટલાક લગ્ન પ્રસંગો દરમિયાન કઈક ચૂક તો રહી જ જાય છે અને એને કારણે એવી અફરાતફરી સર્જાય છે કે જે છેલ્લી ઘડીએ લગ્નના રંગીન માહોલમાં પરસેવો પડાવી દે છે અને એ જ કિસ્સાને આજે પણ લોકો લગ્નની યાદગીરી રૂપે હસીને યાદ કરતાં હોય છે. તો જ કેટલાંક સુરતીઓ લગ્નના આવાજ કિસ્સાઓ વગોળી રહ્યા છે જે તેમની સાથે બની ચૂક્યા છે કે તેઓ તે કિસ્સાનો હિસ્સો રહી ચૂક્યા હોય….
સાદી હળદરથી પીઠી લગાડી: રમેશ પટેલ
રમેશ પટેલ કહે છે કે,’’લગ્નની દરેક વિધિઓમાં મને બહુ મજા આવે છે અને એમાં પણ ખાસ કરીએ પીઠી લગાડવાના રિવાજમાં ખૂબ મસ્તી થતી હોય છે એટ્લે હું તો ખાસ જાઉં છુ. એકવાર મારાં એક મિત્રના લગ્ન હતા જેની પીઠી લગાડવાની વિધિ કરવા માટે ગયા હતા. પરિવારના તમામ લોકો લગ્નની ખુશીના કારણે એકબીજા પર ટીખળ કરતાં કરતાં પહોચ્યાં પણ ખબર પડી કે પીઠી લાવવાનું ભૂલી ગયા છે ત્યારે તમામના ચહેરા પીળા થવાના બદલે સફેદ થઈ ગયા. જો કે આ વાતનો તોડ લાવતાં કોઇકે સૂચવ્યું કે સાદી હળદરથી કામ ચલાવી લઈએ. આના સિવાય બીજો કોઈ રસ્તો ન હોવાથી નજીકમાં આવેલી એક દુકાનમાથી હળદર લાવીને વિધિ કરવામાં આવી હતી.’’
બે વાર લગ્ન કરાવાયા: સંજય પરમાર
એક જ દિવસે કોઈના બે વાર લગ્ન થાય એવું સાંભળ્યુ છે? હા, આવું બન્યું હતું સંજય પરમારના એક મિત્રના લગ્નમાં. સંજય પરમાર કહે છે કે, મારા એક ભૂ દેવ મિત્રના લગ્ન હતા. લગ્ન અખાત્રીજના રોજ હોવાથી ગોર મહારાજ મળવા મુશ્કેલ હતા. ભરૂચ પાસેના એક ગામમાં લગ્ન હતા એટ્લે અમે જ્યારે જાન લઈને ત્યાં પહોંચ્યા એટ્લે રીત રિવાજો સાથે વિધિઓ શરૂ કરવામાં આવી, પણ જ્યારે લગ્નના મંત્રો ચાલી રહ્યા હતા તે દરમિયાન મારા મિત્રના વડીલોને મંત્રોમાં ગરબડ જણાઈ. કારણ કે તેઓ ભૂદેવ હોવાથી શાસ્ત્રોના જાણકાર હતા એટ્લે તરત જ કહ્યું કે ખોટા મંત્રો સાથે કરાયેલા લગ્ન માન્ય નહીં ગણાય. હવે સમસ્યા એ હતી કે બીજા ગોર મહારાજ લાવવા ક્યાંથી. જો કે કન્યા પક્ષ તરફથી બધે તપાસ કરવામાં આવી અને સાંજે એક ગોર મહારાજની સગવડ થાય એમ હોવાથી ત્યાં સુધી અમે બધા બેસી રહ્યા. આજે પણ એ મિત્રના ઘરે જાઉં છું તો યાદ આવી જ જાય છે અને અમે હસી પાડીએ છીએ.’’
ઉછીનું મંગળસૂત્ર લઈ લગ્ન કરવા પડ્યા : મયુર પટેલ
મંગળસૂત્ર એ પરિણીત સ્ત્રીની નિશાની હોય છે એટલે લગ્નમાં એનું ખૂબ જ મહત્વ છે એટલે કોઈ એવું વિચારી પણ નહીં શકે કે કોઈ લગ્નમાં મંગળસૂત્ર જ લઈ જવાનું ભુલાઈ ગયું હોય, પણ આવું બન્યું હતું. સાથે લગ્નમાં બધા નાચતાં ગાતાં પહોંચી તો ગયા અને ત્યાં જાનનું સ્વાગત પણ ધૂમધામથી કરવામાં આવ્યું. દરેક વ્યક્તિ જ્યારે લગ્નની મજા માણવામાં વ્યસ્ત હતી ત્યારે ગોર મહારાજે મંગળસૂત્ર પહેરાવવા માટે મંત્રોચ્ચારણ કર્યું અને શરૂ થઈ શોધખોળ. પરિવારના સભ્યો દ્વારા એકબીજાને ખો આપવાનું શરૂ કરાયું, પણ મુદ્દાની વાત એ હતી કે મંગળસૂત્ર વગર કરવું શું? સુરત બહાર લગ્ન હોવાથી તે સમયે ત્યાં મંગળસૂત્ર મળે એવી શક્યતા પણ ન હતી તેથી પરિવારજનોએ અંદરો અંદર ચર્ચા બાદ પરિવારની જ એક મહિલાનું મંગળસૂત્ર કાઢીને વિધિ પૂરી કરવામાં આવી હતી.’’
વરમાળા માટે 5 કિલોમોટર દૂર જવું પડ્યું હતું: વિપુલ ચૌધરી
અમરોલીમાં રહેતાં વિપુલ ચૌધરીના લગ્નમાં તો વરમાળા લઈ જવાનું જ ભુલાઈ ગયું હતું અને એના વગર તો લગ્ન શક્ય ન હોવાથી છેક 5 કિલોમીટર દૂર વરમાળા લેવા માટે જવું પડ્યું હતું. વિપુલભાઈ કહે છે કે, ‘’મારાં લગ્ન 15 વર્ષ પહેલા થયા અમે દરેક તૈયારી એકદમ સરસ રીતે કરી હતી અને મારાં લગ્ન સુરત નજીક એક ગામડામાં થવાના હોવાથી અમે પૂરતું ઘ્યાન રાખ્યું હતું. પણ મારાં સાસરે પહોંચ્યાં ત્યારે ખબર પડી કે વરમાળા તો અમે ભૂલી જ ગયા છે. મારૂ સાસરું સુરત પાસેના એક ગામડામાં છે. એટલે થોડીવાર તો પરિવારમાં એકબીજા પર આક્ષેપબાજી ચાલી પછી તરત જ મારી બહેન એક સંબંધી સાથે વરમાળા લેવા નીકળી અને 5 કિલોમીટર દૂર જઈને વરમાળા મળી ત્યારે બધાને હાશકારો થયો. જો કે આજે હવે દરેક લગ્નમાં અમને આ વાત યાદ આવી જાય છે અને અમે હસી પડીએ છીએ.’’