પારડી: (Pardi) ઘરે લગ્ન (Marriage) પ્રસંગે સબંધીઓને પીવડાવવા કારમાં દારૂ (Alcohol) ભરીને લઈ જતી મહિલાને પોલીસે પારડી હાઇવે પરથી ઝડપી પાડી હતી. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે એકતા હોટલ સામે વોચ ગોઠવી હતી. દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર દમણથી કાર આવતા પોલીસે રોકી તપાસ કરતા ડીકીમાં પૂઠાના બોક્સમાં દારૂની બોટલ નંગ 243 જેની કિં.રૂ. 27 હજારનો જથ્થો મળી આવ્યો હતો.
- લગ્ન પ્રસંગે ઘરે સબંધીઓને પીવડાવવા કારમાં દારૂ લઈ જતી મહિલા ઝડપાઇ
- પારડી પોલીસે પૂઠાના બોક્સમાંથી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે કાર ચાલક મહિલા એલિઝા ગણપત ટંડેલ (રહે. ભાગડા વડા કોસંબા વલસાડ)ને ઝડપી પાડી હતી. દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા તે પોતાના ઘરે લગ્નપ્રસંગ હોવાથી સંબંધીઓને પીવડાવવા લઈ જતી હોવાનું જણાવ્યું હતું. આ દારૂનો જથ્થો દમણથી રાહુલ પ્રમોદ પટેલ (રહે.ખેરગામ વલસાડ)એ ભરાવી આપ્યો હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો. કાર, દારૂનો જથ્થો, મોબાઇલ સહિત કુલ રૂ. 5.32 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
નવસારી સત્તાપીર પાસેથી દારૂ સાથે 2 ઝડપાયા, એક વોન્ટેડ
નવસારી : નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે સત્તાપીર પાસેથી 25 હજારના વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે ટાવરથી ગોલવાડ તરફ જતા રસ્તા પર સત્તાપીર પાસેથી સેલવાસ નરોલી છગનભાઈ પટેલની ચાલમાં રહેતા અમિત છવીનાથ ચૌહાણ તેમજ મૂળ યુ.પી. ના મથુરા જિલ્લાના વૃંદાવન ગામે અને હાલ સેલવાસના સીટી મસાટ ઓરેંજ બિલ્ડીંગમાં રહેતા શનીભાઈ સંજયભાઈ ગંગવાર પાસેથી 25,600 રૂપિયાની વિદેશી દારૂની 111 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે અમિત અને શનિને ઝડપી પાડી પૂછપરછ કરી હતી. જેમાં તેઓએ વિદેશી દારૂનો જથ્થો નવસારીમાં રહેતા જીગર ઉર્ફે જીગાભાઈ ગાંધીએ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે જીગર ઉર્ફે જીગાભાઈ ગાંધીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 23 હજાર રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 48,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.