SURAT

ITના દરોડામાં લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુઓની અનેક પોલ ખુલી, જાણો કેવા કેવા ખેલ કર્યા છે..!

સુરત: આવકવેરા વિભાગની સુરત, અમદાવાદ અને મુંબઈની ટીમો દ્વારા લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુઓની ઓફિસ, ઘર, ફાર્મ હાઉસ બાંધકામના સ્થળોએ સત્તત ત્રીજા દિવસે તપાસ ચાલી રહી છે. એવી જ રીતે મહાકાલ ગ્રુપ અને યુનિવર્સલ ગૃપને ત્યાં પણ એક બીજાને સાંકળતા પ્રકરણમાં તપાસ ચાલી રહી છે. આ ગ્રુપો પૈકી લક્ષ્મી ડાયમંડ ગ્રુપ દ્વારા પોતાના કર્મચારીઓ, સંબંધીઓ, સામાન્ય લોકોના નામે ખરીદવામાં આવેલી જમીનો, મિલકતો સરકારશ્રી થઈ શકે છે.

લક્ષ્મી ડાયમંડને ત્યાં તપાસ દરમિયાન રોકડ અને જ્વેલરી મળી અંદાજે નવ કરોડની અસ્ક્યામતો મળી હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. કરોડોના થોકબંધ દસ્તાવેજો અને હિસાબોની સીલ મારવાની કાર્યવાહી આવકવેરા અધિકારીઓ દ્વારા શરું કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

  • ગજેરા બંધુઓએ કર્મચારીઓ અને સગાઓના નામે મિલકતો ખરીદી કરચોરી કરી
  • આવકવેરા વિભાગ સામન્ય વ્યક્તિઓના રિટર્ન એસેસમેન્ટ કરી કરોડોની પ્રોપર્ટી તેઓની હોવાનો ખુલાસો માંગશે
  • 40 શેલ કંપનીઓમાં થયેલા ટ્રાન્ઝેક્શનને પગલે આવકવેરાનું સર્ચ પુરુ થશે પછી ઇડી તપાસમાં જોડાય એવી હિલચાલ

આવકવેરા વિભાગ આ જમીનો, ફ્લેટ્સ, ટેકસટાઈલ પાર્કનાં પ્લોટ્સ, ગોડાઉન, શો રૂમ, કાપડ માર્કેટની દુકાનો, કાપડ માર્કેટના પાર્કિંગ કોન્ટ્રાક્ટ, બેનામી ઘોષિત કરી સરકાર હસ્તક લેવાશે. સામાન્ય પરિવારોના લોકને આવકવેરા વિભાગ સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવશે. તેઓના આવકવેરા રિટર્નના આધારે એસેસમેન્ટ થશે,એ પછી જો કરોડોની મિલકતો ખરીદવા તેઓ અક્ષમ જણાશે તો આ પ્રોપર્ટીસ બેનામી જાહેર કરી સરકાર હસ્તક લઈ લેવાશે.

વસંત ગજેરાના ભાગીદાર અનિલ બગદાણા , પ્રવીણ અગ્રવાલની મિલેનિયમ 2,3,4, ની કરોડોની જમીન અને વેચાણ અંગે આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરતમાં શાંતિ રેસિડેન્સી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે જમીન ખરીદી હતી.  મિલેનિયમ-2 અને મિલેનિયમ-4 ના નામે બનેલા કાપડ બજારમાં વિવિધ દુકાનોની બજાર કિંમત હોવા છતાં, કંપનીના નાણાંની ઉચાપત કરવાના દુષ્ટ ઇરાદાથી ઉપરોક્ત બજારોમાં દુકાનો કરોડો રૂપિયાના બજાર ભાવે વેચવામાં આવી હતી. મિલેનિયમ-2 બજારમાં, ફક્ત 7% રકમ ચેક દ્વારા અને 93% રોકડ દ્વારા પ્રાપ્ત થઈ હતી અને મિલેનિયમ-4 બજારમાં, ફક્ત 16.14% રકમ ચેક દ્વારા અને 83.86% રોકડ દ્વારા પ્રાપ્ત થઈ હતી.

હવાલાની રકમ FDI મારફત શેલ કંપનીઓમાં રકમ લવાઈ હોવાની શંકા
સુરત આવકવેરા વિભાગનું 30 સ્થળોએ ઓપરેશન સર્ચ પૂર્ણ થયા પછી આ બ્લેકમેની કૌભાંડમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી ) નવી તપાસમાં જોતરાઈ એવી શકયતાઓ જોવાઈ રહી છે.

આ સમગ્ર રસર્ચ ઓપરેશન દરમિયાન કંપનીમાં ગેર વહીવટ આચરી ઉચાપત કરેલી રોકડ રકમને હવાલા મારફતે હોંગકોંગ મોકલી,ગજેરા બંધુઓએ પોતાના પરિવારના સભ્ય રાકેશ ગજેરા મારફતે તે જ આ રોકડ રકમ ને કોઈપણ ટેક્સ ભર્યા વગર ફોરેન  ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે કંપનીમાં લાવી કરેલ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરી હોવાની આવકવેરા વિભાગને અત્યાર સુધીની તપાસ દરમિયાન શંકા ઉપજી હોવાની ચર્ચા છે.

ટેક્સ ચોરી કરવા માટે બેંકો નો ઉપયોગ કરી ફોર્જ પેપર બનાવી કંપનીમાં કૌભાંડ કરી ટેક્સ ચોરી કરી હોવાની શક્યતા છે.આ માટે હવે ઇન્કટેક્સ ડિપાર્ટમેન્ટ  કોઈ પણ રાજકીય દબાણ વિના ‘ગજેરા બંધુ’ વિરુદ્ધ  ફેરા, ફેમા  અનુસંધાને ફોર્જ પેપર બનાવી કરેલી ટેક્સ ચોરી માટે ઇડી અથવા CBI માં ગુન્હો નોંધાવે તો નવાઈ નહીં.

સાતવર્ષના હિસાબોની તપાસ શરુ થતાં ગજેરા બંધુ અકળાયા
સુરત: ગજેરા બંધુ અને તેની સાથે સંકળાયેલા તમામને ભીસમાં લેવા માટે સુરત આવકવેરા વિભાગે તપાસનો દાયરો વધારી દીધો હોવાનું જાણવા મળ્યું છે. આ ગજેરા બંધુ તેમજ તેમની સાથે સંકળાયેલા તમામ ગ્રુપના છેલ્લા સાત વર્ષના હિસાબો ફંફોસવામાં આવી રહ્યા છે.

ગજેરા બંધુના સ્ટોર લોકર રૂમ માંથી ખૂબ જ મોટી સંખ્યામાં જમીનો મિલકતો અને રોકાણોના દસ્તાવેજો મળી આવ્યા છે. જેની વેલ્યુ ૨૦૦ કરોડથી વધુ હોવાનું મનાય રહ્યું છે. ગજેરા બંધુ, અનિલ બગદાણા, પ્રવિણ અગ્રવાલ ઉર્ફે ભૂત, તરૂણ ભગત,કિશોર ગોવલિયા,રાકેશ ગીરધર, આશાબેન ટ્રસ્ટ સહિત આ ગ્રુપ સાથે સંકળાયેલા તમામની ફાઈલો આવકવેરા વિભાગે ખોલી નાંખી છે અને છેલ્લાં સાત વર્ષ નાં હિસાબોની તાળો મેળવવાનો પ્રયાસ કરશે. તેમજ જમીનનાં સોદામાં સામેલ લોકોની યાદી આવકવેરા વિભાગ તૈયાર કરી રહ્યાં નું જાણવા મળ્યું છે.

ટેક્સ કન્સલ્ટન્ટ પર અધિકારીએ તમાચો માર્યાની વ્યાપક ચર્ચા
સુરત: ગજેરા પરિવાર ને ત્યાં આવકવેરા વિભાગની તપાસ દરમિયાન એક ટેક્સ કન્સલ્ટન્ટ સાથે આવકવેરા વિભાગના અધિકારી દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એમ કહેવાય છે કે કેટલાક હિસાબી ડોક્યુમેન્ટ વિશે ટેક્સ કન્સલ્ટન્ટ તરફથી સહકાર નહીં મળતાં અધિકારીએ હાથ ઉપાડી લીધો હોવાની ચર્ચા વ્યાપક બની હતી.

Most Popular

To Top