Entertainment

મંજરીનો મંત્ર: થકના મના હૈ

હવે એ સમય ગયો કે અભિનેતા યા અભિનેત્રી માત્ર એક જ ભાષાની ફિલ્મ કરીને કારકિર્દી પુરી કરે. હવે સ્પર્ધા ખૂબ છે તો એકથી વધુ ભાષાની ફિલ્મો માટે તૈયાર રહેવું પડે. મંજરી ફડનીસ છે મુંબઇની પણ તે હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, બંગાળી અને મરાઠી ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ‘જાને તુ યા જાને ના’થી જાણીતી બનેલી મંજરી ચેનલ વીના રિયાલિટી શો પોપસ્ટારથી પ્રવેશી હતી ને પછી બીજા જ વર્ષે ‘રોક સકો તો રોક લે’માં આવી. આમીરખાન અને મનસૂરખાનને તે ગમી ગઇ અને ‘જાને તુ યા જાને ના’ માં ઇમરાનખાનની ગર્લફ્રેન્ડની ભૂમિકા આપેલી. પછી તરત જ બંગાળી ફિલ્મ ‘ફાલતુ’માં તે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી. આ ફિલ્મને ખૂબ પ્રશંસા મળી એટલે મંજરી પર અન્ય ભાષાના ફિલ્મકારોની નજર ગઇ એટલે તેલુગુમાં ‘સિદ્દુ ફ્રોમ સિકાકુલમ’ માં હીરોઇન બની. ‘મુથીરાઇ’ ફિલ્મમાં તેણે તમિલ ભાષામાં ગીત પણ ગાયું. વોલ્ડ ડિઝની પ્રોડકશનનું ‘ઝોકકોમોન’ નામની સુપરહીરો ફિલ્મ બની જેમાં દર્શીલ સફારી મુખ્ય ભૂમિકામાં અને બીજી મહત્વની ભૂમિકા મંજરીની હતી.

મંજરી ભાષા અને વિષયના વૈવિધ્યમાં કામ કરતી રહી હોવાના કારણે જ ટકી છે. હિન્દી ફિલ્મ તેણે સતત કરી ‘આઇએમ ૨૪’, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘વોર્નિંગ’, ‘કિસ કિસ કો પ્યાર કરું’, ‘વાહ તાજ’ ની સાથે મરાઠીમાં ‘સર્વ મંગલ સાવધાન’ પણ કરી છે.

મંજરી કોઇપણ માધ્યમમાં જ રોકાયેલી રહેતી નથી. ‘ડબલ ડીલ રિલોડ’ નામના અંગ્રેજી નાટકમાં અને પછી ‘દેવદાસ’ નામના નાટકમાં ય આવી. સામાન્યપણે ફિલ્મોમાં અભિનય કરનારામાંથી બહુ ઓછા તખ્તા પર કામ કરે છે. ગાયિકા તરીકે પણ તે ગાતી રહે છે. ઇન્ડો-પાકિસ્તાન મ્યુઝિક આલબમ ‘બીટ બીયોન્ડ બોર્ડર’માં તેણે ‘સોણ્યા વે સંજણા’ ગાયું. તમિલ, મરાઠી, હિન્દી ભાષામાં ગાયેલા તેના ગીતો પણ આલબમમાં છે. મંજરી ફડનીસ શાહરૂખ ખાન સાથે હુંડાઇ કારની ટીવીએડમાં પણ આવી છે. શ્યામક દાવર પાસે તેણે નૃત્યની તાલીમ પણ લીધી છે.

મંજરી પાસે અત્યારે ત્રણ ફિલ્મો છે જેમાં અેક અબ્બાસ-મુસ્તાનની ‘પૅન્ટ હાઉસ’ છે. શરમન જોશી, ટિસ્કા ચોપરા, બોબી દેઓલ, મૌની રોય સાથેની આ થ્રીલર ફિલ્મ છે. અબ્બાસ-મુસ્તાન ‘મશીન’ પછી ચારેક વર્ષે તેઓ ફિલ્મ બનાવી રહ્યા છે. બીજી એક ફિલ્મ ‘પ્રોજેકટ કાહુતા’ છે જેમાં પાકિસ્તાને ટોપ સિક્રેટ રાખી કાહુતામાં જે ન્યુકિલયર પ્લાન્ટ બનાવેલો ને તે વખતે ભારતના ખુફીયા તંત્રએ તેની માહિતી કેવી રીતે મેળવેલી તેના આધારીત ફિલ્મ છે. શ્રેયસ તળપદે સાથેની મંજરીની આ ફિલ્મ છે. ‘સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ એટેક’ ફિલ્મ તો બનીને તૈયાર છે. મંજરી ફડનીસની આ ફિલ્મના દિગ્દર્શક કેન ઘોષ છે. થોડું કે ઘણું નહીં, જે કરો તે કામ મહત્વનું હોય તેની કાળજી મંજરી રાખે છે.

અત્યારના સમયમાં સતત અનેક નવા અભિનેતા – અભિનેત્રી આવતા રહે છે. કોઇ ફિલ્મ, કોઇ ટીવી, કોઇ વેબસિરીઝમાં હોય. આ બધા કારણે જ પોતાની ઓળખ બનાવવી આજે અઘરી થઇ પડી છે ને ઓળખ બને તો જાળવવી મુશ્કેલ છે. મંજરી એવા સંઘર્ષ વચ્ચે કામ કરે છે. પણ અટકતી કયારેય નથી.

Most Popular

To Top