નવી દિલ્હી: વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (INDIA) ના 21 સાંસદોનું પ્રતિનિધિમંડળ વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરવા હિંસાગ્રસ્ત મણિપુરની (Manipur Violence) બે દિવસીય મુલાકાતે શનિવારે પહોંચ્યું હતું. વિરોધ પક્ષોના (Opposition Parties) સાંસદોનું એક પ્રતિનિધિમંડળ 3 મેથી ઉત્તરપૂર્વીય રાજ્યમાં ફાટી નીકળેલી જાતિ હિંસાનો ભોગ બનેલા લોકોને મળવા માટે અનેક રાહત શિબિરોની મુલાકાત લેશે. જો કે આ સાંસદ દિલ્હીથી ફ્લાઇટ દ્વારા મણિપુર પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારે હવે મણિપુર વાયરલ વીડિયો (Viral Video) કેસની તપાસ સીબીઆઈને (CBI) સોંપી છે. જે મુદ્દે સીબીઆઇએ આ કેસમાં FIR નોંધી છે.
આ પ્રતિનિધિમંડળ ચુરાચંદપુરમાં રાહત શિબિરોમાં રહેતા કુકી સમુદાયના પીડિતોની મુલાકાત લેશે. જ્યાં તાજેતરમાં હિંસાની ઘટનાઓ બની છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ અહીં પહોંચ્યા પછી કહ્યું કે મણિપુરમાં જાતિય હિંસાની ઘટનાઓએ ભારતની છબીને નુકસાન પહોંચાડ્યું છે. “અમે અહીં રાજકારણ કરવા આવ્યા નથી અને આપણે બધાએ મણિપુરમાં સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ,” તેમણે કહ્યું. પ્રતિનિધિમંડળની મુલાકાત અંગે એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, “તેઓ સુરક્ષાના કારણોસર ઈમ્ફાલથી હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર જશે. હાલમાં માત્ર એક હેલિકોપ્ટર ઉપલબ્ધ છે, તેથી પ્રતિનિધિમંડળના સભ્યોને બે ટીમોમાં વહેંચવામાં આવશે અને તેમના સુધી પહોંચવા માટે હેલિકોપ્ટર બે રાઉન્ડ કરશે.
મણિપુર પ્રદેશ કોંગ્રેસ કમિટી (MPCC)ના એક સૂત્રએ જણાવ્યું કે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને અન્ય સાંસદોની એક ટીમ પહેલા ચુરાચંદપુર પહોંચશે અને ચૂરાચંદપુર કોલેજની બોયઝ હોસ્ટેલમાં સ્થાપિત રાહત કેમ્પની મુલાકાત લેશે. મળતી મહિતી મુજબ લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈ અને અન્ય સાંસદોની એક ટીમ ચુરાચંદપુરમાં ડોન બોસ્કો સ્કૂલમાં રાહત શિબિરની મુલાકાત લેશે. ઇમ્ફાલ પાછા ફર્યા પછી ચૌધરીની આગેવાની હેઠળની ટીમ મેઇતેઇ સમુદાયના પીડિતોને મળવા માટે બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ કૉલેજમાં અન્ય રાહત શિબિરમાં માર્ગ દ્વારા મુસાફરી કરશે.
વિપક્ષી સાંસદોની બીજી ટીમ ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના અકામપટ ખાતે ‘આઈડીયલ ગર્લ્સ કોલેજ’ રાહત શિબિરની મુલાકાત લેશે. તેમજ ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લેમ્બોઈખોંગગાંગખોંગ ખાતે અન્ય શિબિરની મુલાકાત લેશે. એમપીસીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રતિનિધિમંડળ રવિવારે સવારે રાજભવન ખાતે રાજ્યપાલ અનસૂયા ઉઇકેને મળશે અને મણિપુરની વર્તમાન સ્થિતિ અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે લઈ શકાય તેવા પગલાં અંગે ચર્ચા કરશે.” પ્રતિનિધિમંડળ રવિવારે બપોર સુધીમાં દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે.