રાજપીપળા : મણિપુરમાં બે આદિવાસી મહિલાઓ (Manipur Tribal Women Case) સાથે થયેલા અમાનવીય કૃત્ય બાદ આદિવાસી સમાજમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે. ત્યારે બનેલી આ ઘટનાના વિરોધમાં આજે દક્ષિણ ગુજરાતના (South Gujarat) જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાંઓમાં બંધનું પાલન કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાઓ પર બજાર સંપૂર્ણપણે બંધ રહ્યા તો કેટલીક જગ્યાએ આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. મણીપુરની ઘટનાના વિરોધમાં નર્મદા (Narmada) જિલ્લો અને ઉમરપાડા, માંગરોળ તાલુકો સંપૂર્ણ બંધ રહ્યો હતો તો બીજી બાજુ વાંકલ ખાતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
આજે નર્મદા જિલ્લામાં ગુજરાત આદિવાસી સમુદાયના નેતૃત્વ હેઠળ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ મામલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ હોવાના કારણે બંધના એલાનને નર્મદા જિલ્લામાં સારો પ્રતિસાદ મળ્યો હતો અને દુકાનો સજ્જડ બંધ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, નર્મદા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ રસ્તાઓ પર ઉતર્યા હતા. આ અગ્રણીઓએ લોકોને હાથ જોડીને બંધનું પાલન કરવા વિનંતી કરી હતી. રાજપીપળા સહિત ડેડીયાપાડા, સાગબારા અને અન્ય તાલુકાઓના વેપારીઓએ આ મુદ્દે સારો સહકાર આપી બંધમાં જોડાયા હતા.
જ્યારે નેત્રંગમાં આદિવાસી સંગઠનોના તા. ૨૩મીએ આપેલા બંધના એલાનને લઇને આજે નેત્રંગ નગરના તમામ બજારો જડબેસલાક બંધ રહ્યા હતા. તો બીજી તરફ આ બંધના એલાનને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભારતીય ટાયબલ પાર્ટી, ભીલીસ્તાન ટાઇગર સેનાએ સમર્થમ આપતા ત્રણેય પક્ષો સહિત તાલુકાના અન્ય આદિવાસી સંસ્થાઓના કાર્યકરો નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉપસ્થિત રહી બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી દોષિતોને સજા કરવાની માંગ કરી હતી.
મણીપુરમાં મહિલાને નિર્વાસ્ત્ર કરીને જાહેરમાં કરેલા બરબરતા પૂર્ણ કૃત્યની ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી વિસ્તાર ઉમરપાડા, માંગરોળ તાલુકામાં ઘેરાં પ્રત્યાઘાત સાથે સંપૂર્ણ ઉમરપાડા, માંગરોળ, વાંકલ, મોસાલીના ગામડાઓમાં બંધ જોવા મળ્યો હતો. ઉમરપાડા તાલુકાના ઉમરપાડા, કેવડી, વાડી, વડપાડા, ખોટારામપુરા, સરવણ ફોકડી જેવા ગામોમાં પણ નાના-નાના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. જ્યારે માંગરોળના વાંકલ, ઝંખવાવના ગામો સંપૂર્ણ બંધ રહેવા પામ્યા હતા. વાડી ગામે આજે તમામ દુકાનો કવોરી ઉદ્યોગ હાટ બજાર બંધ જોવા મળ્યા હતા.
નેશનલ હાઈવે નં.48 શામળાજીથી વાપી વચ્ચે હાઈવે રસ્તો પણ વાહનો મોટા પ્રમાણમાં બંધ જોવા મળ્યા હતા. બોરિયા ત્રણ રસ્તા ખાતે ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. માંગરોળની મોસાલી ચોકડીથી મોસાલી બજાર સુધી આદિવાસી સંગઠનોએ રેલી યોજી હતી.