નડિયાદ: ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં આગામી તારીખ ૯ મી ઓક્ટોબરને રવિવારના રોજ આસો સુદ પૂનમ નિમિત્તે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં દર મહિનાની પૂનમે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય છે. જેને ધ્યાનમાં રાખી પૂનમના દિવસે મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ ૯ મી ઓક્ટોબરના રોજ આસો સુદ પૂનમ (રાસોત્સવ) ના દિવસે પણ મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. મંદિરના મેનેજર અને સેવક આગેવાનો દ્વારા નક્કી કરાયાં મુજબ, પૂનમના દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે મંદિર ખુલશે અને સવા પાંચ વાગ્યાના અરસામાં મંગળા આરતી થશે. આ દર્શન સવારે ૮ વાગ્યાં સુધી ખુલ્લા રહેશે.
૮ થી ૮:૩૦ વાગ્યા દરમિયાન ઠાકોરજી બાલભોગ, શ્રૃંગારભોગ અને ગોવાળભોગ એમ ત્રણેય ભોગ એકસાથે આરોગવા બિરાજશે. જે સમયગાળા દરમિયાન મંદિર બંધ રહેશે. જે બાદ સવારે ૮ થી બપોરે ૧ વાગ્યાં સુધી દર્શન ખુલ્લાં રહેશે. બપોરે ૧ વાગ્યાના અરસામાં ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે. જેથી બપોરે ૧ થી ૧:૩૦ દરમિયાન મંદિર બંધ રહેશે. બપોરે ૧:૩૦ થી ૩ સુધી દર્શન ખુલ્લાં રહેશે. જે બાદ ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે. જેના એક કલાક બાદ સાંજે ચાર વાગ્યાના અરસામાં મંદિર ખુલશે અને સવા ચાર વાગ્યાના અરસામાં ઉત્થાપન આરતી થશે. જે બાદ નિત્યક્રમાનુસાર શયનભોગ અને સખડીભોગની સેવા-પુજા થઈ મોડી સાંજે ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે.