સુરતની નારીઓ વરસતા વરસાદમાં લાંબી સડક પર મકાઈ ભુટ્ટો ખાતા-ખાતા ભીંજાવાની મજા લેવા આખું વર્ષ મેઘરાજાની ચાતક નજરે રાહ જોતી હોય છે ઉનાળાની બળબળતી અને અકળાવી નાખતી ગરમી પછી જ્યારે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોઈએ એ વર્ષાની પધરામણી થવાની હોય ત્યારે વાતાવરણ આહલાદક બને છે. એક તરફ ધૂળની ડમરીઓ ઊડતી હોય, વાદળોએ આકાશમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હોય અને ગડગડાટ સાથે બધાને એંધાણ આપતો હોય કે હવે તમારી આતુરતાનો અંત આવવાનો છે. વરસાદની હેલી વરસવાનું શરૂ થાય તે સાથે માટીની મીઠીમધુરી સુગંધ વાતાવરણમાં પ્રસરી જાય છે. ઝરમર-ઝરમર વરસાદ શરૂ થવાની સાથે જ મોટાભાગના લોકો વરસાદમાં ભીંજાવા માટે થનગની ઊઠે છે. વરસાદમાં ગરમા-ગરમ ભજિયાંની સાથે ચાની ચૂસકી લેવી એટલે સોનામાં સુંગધ ભળવી. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. એની સાથે જ અદરક-ફુદીનાની ચા અને ભજિયાં તથા સરસિયાં ખાજાનો સ્વાદ લેવા માટે લોકોનું મન લલચાવા લાગ્યું છે. ચાલો આપણે સુરતના લોકો પાસેથી જાણીએ કે રેઈની સીઝનમાં તેમને કઈ એક્ટીવી કરવી ગમે, વરસાદમાં ક્યા પ્લેસીસ પર જઈને પલળવાનું મન થાય છે અને શેનો સ્વાદ લેવાનું મન થાય છે?
વરસાદનો કોઈ રંગ નથી પણ તે દુનિયાને રંગીન બનાવે છે:-ડૉ. નિરાલી મહેતા
સ્મીમેર હોસ્પિટલમાં પીડિયાટ્રીશ્યન તરીકે ફરજ બજાવતાં ડૉ. નિરાલી જીગર મહેતાને શિયાળો, ઉનાળો અને વર્ષાઋતુમાં સૌથી વધારે રેઈની સિઝન જ ગમે છે. તેમનું કહેવું છે કે ‘‘monsoon is not just a season but a reason of enjoyment. વરસાદ માત્ર ઋતુ નથી તે એન્જોય કરવાનું રિઝન પણ છે. પહેલા વરસાદમાં કે વરસાદ પડતા પહેલાં માટીની જે સુગંધ આવે છે તે તાજગી, હૂંફ અને ખુશીનો અનુભવ કરાવે છે. હું વરસાદ પડે તો જ્યાં પણ હોઉં ત્યાં થોભી જાઉં છું અને એકધારું વરસાદને નિહાળું છું. તેના અવાજને સાંભળું છું અને ત્યારે મારા ફેસ પર સ્માઈલ આવી જાય છે. વરસાદના ટીપ ટીપ પડતા ટીપાનો અવાજ સાંભળવાથી મને મેડિટેશન જેવી ફિલિંગ થાય છે અને મુખ પર અનોખું સ્મિત આવી જાય છે. વરસાદ પડતા જ ફેમિલી સાથે લોંગ ડ્રાઇવ પર ફરવા નીકળી પડું છું. હવે તો સુરતમાં પણ વરસાદમાં કેટલાક વિસ્તારોમાં ફોરેન કન્ટ્રીઝ જેવી ફીલિંગ થાય છે. વીઆઇપી રોડ, વેસુ, એરપોર્ટ રોડ પર વરસાદની મજા માણવાનું બહુ ગમે. વરસાદની સીઝનમાં લોંગ ડ્રાઇવ અને જીંજર – મીંટ મસાલાવાળી મટકા ચાના સ્વાદની મજા હું લઉં જ છું. મારા મેરેજ પહેલાં વરસાદની સીઝનમાં ડેડીને કહેતી ચાલો-ચાલો લોંગ ડ્રાઇવ પર જઈએ અને વરસાદની મજા માણવા નીકળી પડતા. વરસાદમાં ચારે બાજુ ગ્રીનરી છવાઈ જાય છે. જે મારી આંખોને ઠંડક આપે છે. નવી ઊર્જાનો અને તાજગીનો અનુભવ થાય છે. વરસાદને કોઈ રંગ નથી, પણ તે દુનિયાને રંગીન બનાવે છે. વરસાદમાં હું બ્યૂટીફુલ નેચરના ફોટા કેમેરામાં કેપ્ચર કરી લઉં છું. આપણે સુરતી છીએ એટલે વરસાદને પણ ખાવા સાથે જોડીએ છીએ. મને વરસાદ પડવાની સાથે જ ભાગળનાં સરસિયાં ખાજાં લીંબુ નાખીને ખાવા જોઈએ જ. વરસતા વરસાદમાં ડુમ્મસ જઈને ભજિયાં ખાવાની તક હું ક્યારેક છોડતી નથી. વરસાદ આવે એટલે હું મારાં બાળકો સાથે બહાર જઈને ભરાયેલા પાણીમાં કાગળની નાવ બનાવી પાણીમાં તરતી મૂકું છું અને એની સાથે મને મારું બાળપણ યાદ આવી જાય છે. એક ડૉક્ટર તરીકે મારી લાઈફ ખૂબ જ વ્યસ્ત છે. પણ હું આ લાઈફમાં પણ નાની-નાની બાબતોની મજા માણી લઉં છું.’’
પાણીમાં છબછબિયાં કરવા અને નૃત્ય કરવું ગમે: શીતલ જરીવાળા
પ્રિય ઋતુ તો જયાં મોર ટહુકો કરે એવી વરસાદની ઋતુ મારી પ્રિય ઋતુ છે તેમ જણાવતાં પાલ-ભાઠા વિસ્તારમાં રહેતાં શીતલબેન જરીવાળાએ કહ્યું કે, ‘‘9 મહિના તો ગરમી જ હોય છે. ગરમીથી કંટાળેલા આપણે લોકો ચાતક ડોળે ધરતી પર પડતા અમીછાંટણાની રાહ જોતા હોઈએ છીએ. વરસાદ પૂરા મનને ઉમંગ અને તરંગ આપણા શિશથી માંડીને પગ સુધીનો થનગનાટ આપે છે. હું ફ્યુઝન ડાન્સર કોરિયોગ્રાફર છું એટલે પહેલા વરસાદમાં મને નૃત્ય કરવું ગમે. મને પાણીમાં છબછબિયાં કરવું બહુ જ ગમે. વરસાદ આવતા જ હું એક્ટિવા પર વેસુ દોડી જાઉં મકાઈ ભુટ્ટો ખાવા. વર્ષા ઋતુમાં હું લોનાવલા, દાંડી, સાપુતારા ફરવા જવાનો મોકો નહીં છોડું.’’
દર વર્ષે સાપુતારા જઈને વરસાદની મજા લઉં છું: વિદ્યાભૂષણ પ્રસાદ
પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં 50 વર્ષીય વિદ્યાભૂષણ પ્રસાદને વરસાદમાં પલળવાનું બહુ ગમે છે. તેમણે જણાવ્યું કે, ‘‘ગરમી અને વરસાદની વચ્ચેનો પીરિયડ હોય છે તેમાં ઠંડકનો અહેસાસ થાય છે તેનો અલગ જ આનંદ હોય છે. ચારે બાજુ હરિયાળીથી નયનરમ્ય દ્રશ્ય બને છે. વરસાદ પડતો હોય ત્યારે હું કારમાં ફરવા નીકળી જાઉં છું. ગરમ-ગરમ ભજિયાં, ગરમ લોચો અને અદરકવાળી ગરમ ચાની મજા હું માણું છું. વરસાદમાં દર વર્ષે સાપુતારા અચૂક જાઉં છું અને પ્રકૃતિના નજારાને માણું છું. મારું નેટિવ પ્લેસ ઝારખંડમાં હજારીબાગ છે. ત્યાં પણ વરસાદના સમયે મિત્રો સાથે જાઉં છું. હાજરીબાગને મીની કાશ્મીર કહેવાય છે અહીં પણ મને વરસાદમાં ભીંજાવું ગમે છે.’’
વરસાદ, વરસાદ અને વરસાદ મારી પ્રિય ઋતુ છે : ડૉ. માનસી પટેલ
સ્મીમેરમાં ડૉક્ટરની ફરજ નિભાવતાં ડૉ. માનસી પટેલને વરસાદમાં ચાલવું બહુ ગમે. તેમણે કીધું કે, ‘‘વરસાદ, વરસાદ ને વરસાદ મારી સૌથી પ્રિય ઋતુ છે. વરસાદના ટીપ ટીપ ટીપાં પડતાં જોવાનું બહુ ગમે. વરસાદમાં ફેમિલી સાથે ચાલવા જાઉં. વરસાદી સિઝનમાં હું મન્ચુરિયન અને ડુમ્મસવાળા ભજિયાં ખાવાનું ચૂકતી નથી. વહેલી સવારે વરસાદ પડે તો ડુમ્મસ જવાનો પ્રોગ્રામ બની જ જાય. વર્ષા ઋતુમાં કુદરતના સૌંદર્યને એન્જોય કરું છું. જો ટાઈમ વધારે નહીં હોય તો નજીકમાં જ હાઇવે, બારડોલી સાઈડ ફેમિલી સાથે ફરવા નીકળીએ. હોલીડે હોય તો સાપુતારા, દમણ, સેલવાસ, વઘઇ, બીલીમોરા, ચીખલી જવાની મજા લઉં છું.’’
ફુરસદમાં હોઉં ત્યારે વરસાદ ગમે: કૌશિક દાફડા
ઉધના વિસ્તારમાં રહેતાં 25 વર્ષીય એડવોકેટ કૌશિક દાફડાને પણ વર્ષા ઋતુ પ્રિય છે. તેમણે કહ્યું કે, ‘‘કામથી બહાર નીકળ્યો હોઉં તો ભીંજાવાનું નહીં ગમે પણ ફુરસદનો સમય હોય અને વરસાદની હેલી વરસતી હોય ત્યારે વરસાદ અને ભજિયાંની લિજ્જત માણવા ડુમ્મસ દોસ્તો સાથે પહોંચી જાઉં છું. ઘરે પણ મમ્મી સમક્ષ ભજિયાંની ફરમાઈશ કરું. ઘરે ફેમિલી મેમ્બર સાથે ભજિયાંનો સ્વાદ વીથ મસાલા ટી માણું. મને વરસાદમાં સાપુતારા, ડોન હિલ, પદમડુંગરી જેવા પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલા હિલ સ્ટેશન જેવી જગ્યા પર ફરવું ગમે છે. હું દર વર્ષે વરસાદમાં આવી જગ્યાઓ પર જવાનો પ્રોગ્રામ બનાવું છું.’’
કિશોરકુમારનાં ગીતો સાંભળવા ગમે: નેહા અગ્રવાલ
અલથાણ વિસ્તારમાં રહેતી 21 વર્ષની નેહા અગ્રવાલ કહે છે કે વરસાદમાં મોસમ આહલાદક બને ત્યારે હજીરા જઈને ગરમ-ગરમ મકાઈ ભુટ્ટો ખાવાની મજા આવે. તેનું કહેવું છે કે, ‘‘વરસાદમાં સાપુતારા, પંચગીની, મહાબળેશ્વર, ગીર ફોરેસ્ટ ફરવા જાઉં છું. ફુરસદમાં હોઉં ત્યારે વરસાદની ઝડી વરસતી હોય ત્યારે ગરમ ચા, મકાઈ ભુટ્ટોનો સ્વાદ લેવાની સાથે , કિશોરકુમારનાં ગીતો સાંભળું છું. કોલજમાં હતી ત્યારે ફ્રેન્ડ્સની સાથે હું મેગી ખાવાની મજા લેતી. ટપરીવાળી ચાની ચુસ્કી લેવાનું તો આજે પણ ગમે છે. મેગી અને પાસ્તા વરસાદ વરસતો હોય ત્યારે ઘરે બનાવું છું.’’
મને વરસાદમાં ચાલવું નહીં ગમે : રીટા ગાંધી
અડાજણ વિસ્તારમાં રહેતાં 50 વર્ષીય રીટાબેન ગાંધીને શિયાળો અને વરસાદની ઋતુ ગમે. રીટાબેનનું કહેવું છે કે મારી સૌથી પ્રિય ઋતુ તો શિયાળો છે અને એના પછી વરસાદી ઋતુ ગમે. શિયાળામાં ઠંડી હોય એટલે વાતાવરણ સારું લાગે. ઠંડી સહન થઈ શકે. વરસાદ ગમે પણ વરસાદ પડતો હોય ત્યારે ચાલવાનું નહીં ગમે. ફુરસદમાં હોઉં તો વરસાદમાં પલળવાનું ગમે એટલે વરસાદમાં ભીંજાવાની મજા લઈ લઉં. ઘરમાં બારી પાસે બેસીને બહાર પડતા વરસાદને જોવાનું મને ખૂબ જ ગમે. આ જ એવો સમય હોય છે જ્યારે ચારધામની યાત્રા થઈ શકે.
ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથની યાત્રા આ જ સમયે થાય એટલે ત્યાં જઈએ તો વરસાદ ને બરફ બંને પડતાં જોઈએ. વૈષ્ણોદેવીની યાત્રા બારેમાસ થઈ શકે. દિવાળી વખતે વૈષ્ણોદેવીની યાત્રા પર ગયેલા ત્યારે હાઈટ પર બરફ અને વરસાદ પણ પડતા જોયાં. વરસાદ પડતાની સાથે જ ગરમ-ગરમ ભજિયાં, ફાફડા, સરસિયા ખાજા ખાવાનું મન થાય જ. હું વરસાદ પડે એટલે ઘરમાં કાંદા-બટાકા, વેંગણ, ફ્લાવર, ટામેટાંનાં ભજિયાં બનાવું. મારા હસબન્ડની જ પહેલી ફરમાઈશ હોય કે ભજિયાં બનાવો. કોલેજમાં હતી ત્યારે રેઇનકોટ નહીં લઈ ગઈ હોઉં અને વરસાદ પડે તો પલળી જ લેતી. રેઇનકોટ હોય તો રેઇનકોટ પહેરીને મારી ફ્રેંડસ સાથે ફરવા નીકળી જતી.’’
ચાર મહિના શરીરને દઝાડતી ગરમીથી તોબા પોકારી ચૂકેલા લોકો જૂનની શરૂઆત થતાં જ વરસાદની રાહ જોવા લાગે છે. સુરતમાં બફારાને કારણે લોકો પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. આ લોકોને ઠંડકનો અહેસાસ વરસાદ કરાવે છે. મોટાભાગના લોકોને વરસાદની ઋતુ આ કારણે જ ગમે છે પણ વરસાદ એકધારો પડે તો નોકરી-ધંધાના સ્થળે પહોંચવું લોકો માટે મુશ્કેલ બની જાય છે એટલે સતત વરસાદનો મારો પણ લોકોને અકળાવી નાંખે છે.