માંડવી: (Mandvi) માંડવી નગરમાં આવેલા શાંતિવન કો. ઓપરેટિવ હાઉસિંગમાં રહેતા નિવૃત્ત જિલ્લા રજિસ્ટ્રાર અધિકારીનો છોકરો બીમાર હોવાથી સારવાર અર્થે સુરત (Surat) ગયા હતા. અને 10 દિવસ સુધી ઘર બંધ હોવાથી અજાણ્યા ઈસમો ઘરના પાછળના ભાગેથી બારણું તોડી ઘરમાં પ્રવેશી સોનું-ચાંદી અને ટીવી સહિત રોકડ રકમ મળી રૂ.5.46 લાખની મત્તાની ચોરી (Theft) કરી રફુચક્કર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના શાંતિવન કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા નિવૃત્ત અધિકારી કરસશનજી મકનજીભાઈ ગામીતનો પુત્ર કેની બીમાર હોવાથી તા.4 જાન્યુઆરીએ સુરત સારવાર માટે ગયા હતા. અને તા.13 જાન્યુઆરી ઘરે પરત આવતાં કબાટનું તાળું તૂટેલું અને માલસામાન વેરવિખેર જોવા મળ્યો હતો. આથી માંડવી પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. આ બનાવમાં સોના-ચાંદીનાં ઘરેણાં રૂ.5,25,500, 42 ઇંચનું ટી.વી. કિંમત રૂ.10,000 અને રોકડ રૂ.10,500 મળી કુલ રૂ.5.46 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માંડવી નગર પાલિકા દ્વારા મુકાયેલા સીસીટીવી કેમરા અઢી વર્ષથી બંધ હાલતમાં છે. અને નગરમાં ઘરફોડ ચોરીના અનેક બનાવ બને છે. જેથી પાલિકા સીસીટીવી કેમેરા વહેલી તકે ચાલુ કરે તેવી લોક માંગ ઊઠી હતી.
રાજપીપળા ખામર ચોકડી પાસે એગ્રો બિઝનેસ સેન્ટર પર 2.97 લાખની ચોરી
રાજપીપળા: રાજપીપળાથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલી ખામર ચોકડી પાસેની જંતુનાશક દવાઓ સહિત ખેતીનાં ઓજારોના વેચાણ કરતી દુકાનનાં તાળાં તોડી 2,97,350 સાધન સામગ્રીની ચોરી થયાની ફરિયાદ આમલેથા પોલીસમાં નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખામર ચોકડી પાસે આવેલી એગ્રી બિઝનેસ સેન્ટર નામની દુકાનના શટરનાં તાળા તોડી તસ્કરો દુકાનમાં વેચવા માટે મૂકેલા દવા છાંટવાના 51 પંપ કિંમત રૂ.1,29,948 રૂપિયા, બોટ મશીન કિંમત 54,000 રૂપિયા તથા જુદી જુદી જંતુનાશક દવાઓની કિંમત રૂ.1,13,402 રૂપિયા મળી કુલ રૂપિયા 2,97,350નો સામાન ચોરી ચોર ફરાર થઇ ગયા હતા. દુકાનનાં તાળાં તોડી ચોરી થયાની જાણ દુકાનમાલિક યોગેશ ચીમનભાઈ પટેલને થતાં તેમણે આમલેથા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જંતુનાશક દવાઓ વેચતી આ દુકાન જ્યાં આવેલી છે, તેનાથી થોડેક જ દૂર પોલીસના પેટ્રોલિંગનાં વાહનો સતત ઊભાં રહેતાં હોય છે. તેમજ ચોકડી પર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે. તો શું કડકડતી ઠંડીનો લાભ લઇ તસ્કરો પોલીસને હાથતાળી આપી ગયા? એવો પ્રશ્ન ઊઠ્યો છે.