માંડવી: (Mandvi) માંડવીના મોરીઠા ગામે દીપડાએ (Panther) વાછરડાને ફાડી ખાધું હતું. આ બનાવને પગલે પરિવાર સહિત આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આ બાબતે ગામના સરપંચે વનવિભાગને (Forest Department) જાણ કરી હતી અને દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે તજવીજ હાથ ધરી છે.
- માંડવીના મોરીઠા ગામે દીપડાનો આતંક, ખીલે બાંધેલા વાછરડાનો શિકાર કરી પલાયન
- વાછરડાના શિકારથી પરિવાર સહિત આસપાસના લોકોમાં ગભરાટ
- વનવિભાગે આ ઘટનાને પગલે પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરી
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના મોરીઠા ગામના ડુંગળી ફળિયામાં રહેતા અતુલભાઇ ગીરીશભાઈ ચૌધરી ખેતી સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. આજે વહેલી સવારે એક દીપડો તેમના કોઢાર નજીક ધસી આવ્યો હતો. કોઢારમાં ખીલે બાંધેલા એક વાછરડા ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં ગળાના ભાગેથી વાછરડાને દબોચી દીપડાએ શિકાર કરતાં વાછરડાનું થોડા સમયમાં જ મોત થયું હતું.
દરમિયાન પરિવારના સભ્યોને પશુઓના ભાંભરવાનો અવાજ આવતાં કોઢારની દિશામાં ધસી ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. વાછરડાનો શિકાર કર્યા બાદ દીપડો પલાયન થઈ ગયો હતો. આ બનાવને પગલે ગામના સરપંચ કમલેશભાઈ ચૌધરીએ વનવિભાગને જાણ કરતાં વિનવિભાગના કર્મચારીઓ સ્થળ પર ધસી આવ્યા હતા અને પશુપાલકને વળતર આપવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. એ સાથે વનવિભાગે પાંજરું ગોઠવવાની પણ તજવીજ હાથ ધરી છે. મોરીઠા સહિત આસપાસના ગામોમાં દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં ગભરાટનો માહોલ છવાયો છે. ત્યારે વનવિભાગ દીપડાને જલદી પાંજરે પૂરે એવી માંગ ઊઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માંડવી તાલુકાના વેગી, ખરોલી જેવા ગામોમાં દીપડાએ વાછરડાંનો થોડા સમય પહેલા શિકાર કર્યાનો બનાવ બન્યો હતો તેમજ અવારનવાર દીપડાને વન વિભાગે પાંજરામાં કેદ કર્યા છે.
વાગરા ગેઈલ કંપનીના પરિસરમાં 15 દિવસથી દીપડાના આંટાફેરાથી ગભરાટ
ભરૂચ: વાગરા તાલુકામાં ગેઇલ કંપનીમાં દીપડો જોવા મળતાં ભયની લાગણી ફેલાઈ છે. તેને ઝડપી પાડવા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ, લી. ગાંધાર ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ ડાયરેકટ અને કોન્ટ્રાકટ પ્રથામાં ચોવીસ કલાક ફરજ બજાવી રહ્યા છે, જેમાંથી મોટાભાગના નજીકના વિસ્તારોના વતની પણ છે. ત્યારે છેલ્લા ૧૫ દિવસમાં કંપનીના પ્લાન્ટ પરિસરમાં એક દીપડો ઘણી વખત જોવા મળે છે. આ દીપડો રસ્તા પર જોવા મળે છે.
આ બાબત પ્લાન્ટ કર્મચારીઓના જીવન માટે અત્યંત ભયજનક છે, તેથી આ અંગેની જાણ ફોરેસ્ટ ઓફિસ આમોદને કરી છે. આમોદ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓના માર્ગદર્શન મુજબ દીપડાના સંભવિત માર્ગો પાસે મારણ સાથે બે પાંજરા મુકવામાં આવ્યા છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને, તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓ પણ મુકવામાં આવે તે જરૂરી છે, જેથી માનવ જીવનને કોઈ નુક્શાન ન થાય એમ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.