માંડવી: (Mandvi) માંડવીના સઠવાવ ગામે ઝંખવાવ તરફથી આવતી કારના (Car) ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે હંકારતાં રોંગ સાઈડે બાઈકને (Bike) અડફેટે લીધી હતી. બાઈકસવાર પતિ-પત્ની અને પુત્રીને હાથ-પગમાં ફેક્ચર થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. આ અકસ્માત (Accident) જોતા કાર પલટી મારી ઊંધી હાલતમાં જોવા મળી હતી. જ્યારે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર પતિ-પત્ની-પુત્રીને ફેક્ચર બાદ આબાદ બચાવ થયો હતો.
- સઠવાવ ગામે અજાણ્યા કારચાલકે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું, ચાલકને ગંભીર ઈજા
- બાઈકસવાર દંપતી અને પુત્રીને હાથ-પગમાં ફેક્ચર થયું
માંડવી-ઝંખવાવ રોડ પર આવેલા સઠવાવ ગામના ચાર રસ્તા પાસે માંડવી તરફથી ઉમરગોટ જઈ રહેલા હિરો હોન્ડા સ્પ્લેન્ડર ગાડી નં.(GJ-19-AB-4870) ઉપર સંજય વસાવા, પત્ની પ્રતિમા વસાવા અને પુત્રી શ્રેયાંસી વસાવા બાઈક પર પોતાના ગામ જતા હતા. દરમિયાન ઝંખવાવ તરફથી આવતી અજાણ્યા ફોર વ્હીલ ગાડી નં.(GJ-05-RE-0527)નો ચાલક પૂરઝડપે ગફલતભરી હંકારતા બાઈકને અડફેટે લેતાં સંજય વસાવાને બંને પગે ફેક્ચર થયું હતું. અને પત્નીને પ્રતિમાબેનને જમણા પગે ફેક્ચર થયું હતું.
જ્યારે પુત્રી શ્રેયાંસી વસાવાને પણ જમણા પગમાં ફેક્ચર થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર હેઠળ લઈ જવાયા હતા. પરંતુ વધુ સારવાર માટે બારડોલી અને નવી સિવિલ સુરત ખાતે ખસેડાયા હતા. આ કારચાલકનું નામઠામ ખબર નથી. જે અંગે બાઈકચાલકે કારચાલક વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આગળની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત ગંભીર થતાં કાર પલટી ગઈ હતી અને બાઈકના ફૂરચાફૂરચા થઈ ગયો હતો. પરંતુ બાઈકસવાર પતિ-પત્ની અને પુત્રીનો આબાદ બચાવ થયો છે.
મોતાલી પાટિયા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવારનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક હાઇવે પર મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતાં ગંભીર ઈજાને પગલે બાઈકસવારનું મોત નીપજ્યું હતું. કાલોલ તાલુકાના મેદાપુર ગામમાં રહેતા ૪૨ વર્ષીય સિદ્ધરાજસિંહ વિક્રમસિંહ સોલંકી ગત રાત્રે કાલોલથી અંકલેશ્વર પોતાની બાઈક ઉપર અંકલેશ્વર આવી રહ્યા હતા. એ દરમિયાન હાઇવે સ્થિત મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતાં તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા. તેમને માથા તેમજ શરીરના ભાગે અત્યંત ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આ બનાવ અંગેની જાણ થતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તેમજ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે ખસેડી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.