માંડવી: (Mandvi) દેશની રક્ષા કરતાં આર્મી જવાનો (Army Man) કોઈક જગ્યાએ હેલિકોપ્ટરમાં (Helicopter) બેસી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એકાએક હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી થતાં તાત્કાલિક માંડવી તાલુકાના સઠવાવ ખાતે આવેલ આશ્રમશાળાની સામે ખુલ્લાં ગ્રાઉન્ડ પર બનાવેલ હેલિપેડ પર લેન્ડિંગ કરવું પડ્યું હતું. જેની જાણ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ હેમંત પટેલને થતાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે હેલિકોપ્ટરને લઈ લોકોમાં ભારે કુતૂહલ સર્જાતાં હેલિપેડ પાસે લોકોનું ટોળું ઊમટી પડ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના સઠવાવ ખાતે આર્મી જવાનોનું હેલિકોપ્ટર માંડવી તાલુકામાંથી પસાર થઈ રહ્યું હતું. એ સમયે એકાએક હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી આવતાં હેલિકોપ્ટરમાંથી ભારે ધુમાડા નીકળતાં આર્મી જવાનોએ તાત્કાલિક સઠવાવ ખાતે આવેલ આશ્રમશાળાની સામે બનાવેલા હેલિપેડ પર લેન્ડિંગ કરી દેવામાં આવતાં એક સમયે સઠવાવ સહિત આજુબાજુનાં ગામના લોકો હેલિકોપ્ટર જોવા માટે ઊમટી પડ્યા હતા. આર્મી જવાનોનું હેલિકોપ્ટર સઠવાવ ખાતે લેન્ડિંગ થયું હોવાની જાણ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. હેમંત પટેલને થતાં તાત્કાલિક પોલીસ કાફલા સાથે સઠવાવ પહોંચી ગયા હતા અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આર્મી જવાનોનું હેલિકોપ્ટર બોમ્બેના પુણેથી જોધપુર (રાજસ્થાન) જતું હતું, જેમાં ૬ જેટલા જવાનો બેઠા હતા. એકાએક ટેક્નિકલ ખામી ને કારણે હેલિકોપ્ટરને સઠવાવ ખાતે હેલિપેડ પર લેન્ડિંગ કરાવ્યું હતું. જેને રેસ્ક્યુ કરવા માટે તાત્કાલિક બીજું હેલિકોપ્ટર આવી પહોંચ્યું હતું.
આર્મી જવાનો માટે પોલીસે જરૂરી સગવડ કરી
હેલિકોપ્ટર ટેક્નિકલ ખામીને કારણે લેન્ડિંગ થતાં તાત્કાલિક માંડવી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પી.આઈ હેમંત પટેલ અને પોલીસ સ્ટાફે આર્મી જવાનો માટે પીવાના પાણી, ભોજન સહિતની જરૂરી સગવડ કરતાં જવાનો ખુશ થઈ ગયા હતા.