ટોપ સ્ટાર્સની ફિલ્મો ફરી રજૂ થઇ શકે તેમ નથી. તેમની ફિલ્મો મોટા બજેટની જ હોય અને જયારે પ્રેક્ષક જ થિયેટરમાં આવતાં અચકાતો હોય ત્યારે એ ફિલ્મો રજૂ કરવી તે તો જોખમ બની જાય અને આ કારણે જ મોટા સ્ટાર્સ એક પ્રકારનો બોજ પણ બની રહ્યા છે. તેમને લઇને નવી ફિલ્મ શરૂ કરવાનું જોખમ અત્યારે કોઇ નિર્માતા લેવા તૈયાર નથી. એટલે અત્યારે માહોલ એ ખડો થયો છે કે એક તરફ ૫૦૦-૬૦૦ કરોડના ખર્ચે બનતી ફિલ્મો છે ને બીજી તરફ તેનાથી અડધા નહીં, અડધાથી ય અડધા બજેટની બનતી અને બનેલી ફિલ્મો છે. મોટા બજેટની મોટા સ્ટાર્સવાળી ફિલ્મો તો ઓટીટી પર પણ વેચી ન શકાય તો કરવું શું? આ બધાને જ પરિણામે મોટા સ્ટાર્સની મોટા બજેટની ફિલ્મોનાં શૂટિંગ પણ અત્યારે ખોરંભે ચડયાં છે.
વીત્યાં બે વર્ષમાં નાના બજેટની, નાના સ્ટાર્સની ફિલ્મો જ વધારે રજૂ થઇ છે. થિયેટર ન મળે તો તેને ઓટીટી પ્લેટફોર્મ પર પણ જગ્યા મળી જાય છે. અત્યારે ૪૦૦-૫૦૦ કરોડના ખર્ચે ફિલ્મો બનાવનારાઓએ વિચારવું પડે છે કે કરવું શું? નાના સ્ટાર્સમાં કોઇ મોટો સ્ટાર હોય તો તે આયુષ્યમાન ખુરાના છે. તેના સિવાય રાજકુમાર રાવ, નવાઝુદ્દીન સિદ્દીકી, મનોજ વાજપેયી વિગેરેએ પોતાનો પ્રેક્ષક ઊભો કર્યો છે. એ જ રીતે ભૂમિ પેડનેકર, સાન્યા મલ્હોત્રા વગેરે છે. હજુ તાપસી પન્નુ પણ કાંઇક અર્થમાં પોષાય એવી છે. જો ચાલશે તો આ બધા ચાલશે.
અત્યારે સૌથી વધુ ઊંચાનીચા થતા હશે તો સાઉથના એ સ્ટાર્સ હશે જે હિન્દી ફિલ્મો પર આક્રમણ કરવાનાં હતા. પ્રભાસ, રામચરણ, એન.ટી. રામારાવ જૂનિયર તેમાં મુખ્ય છે. અત્યારે ‘આરઆરઆર’, ‘રાધેશ્યામ’, ‘આરસી ૧૫’ ની રજૂઆતો અટકી પડી છે. હિન્દી ફિલ્મ નિર્માતાઓએ અત્યારે નાછૂટકે પોતાની ફિલ્મોની સ્ટાઇલ બદલવી પડે તેમ છે. તેઓ સુપર હીરો ફિલ્મો બનાવવા તરફ છે પણ તકલીફ એ છે કે સાઉથના નિર્માતા – િદગ્દર્શક – સ્ટાર્સની ફિલ્મો તો સાઉથનાં રાજયોમાં જોવાય અને હિન્દીમાં પણ લોકો જોવા લાગ્યાં છે જયારે હિન્દી ફિલ્મના સ્ટાર્સની ફિલ્મો સાઉથના પ્રેક્ષકોમાં રજૂ કરવી મુશ્કેલ છે. હોલીવુડની ફિલ્મો હિન્દીમાં ડબ્ડ થઇ રજૂ થવા માંડી પછી હિન્દી ફિલ્મોને થયું હતું કે અમારી ફિલ્મોનો પ્રેક્ષકો હોલીવુડવાળા લઇ માંડયા છે છતાં એ ફિલ્મોએ જેટલું નુકસાન ન કરેલું તેટલું સાઉથની ફિલ્મો કરી રહી છે. આવનારાં વર્ષોમાં તેનાં સ્પષ્ટ પરિણમ જોવા મળશે.
અત્યારના સંજોગો કહે છે કે અક્ષયકુમાર, સલમાનખાન, ઋતિક રોશન, અજય દેવગણ, રણબીર કપૂર અને રણવીરસીંઘની ફિલ્મો ભૂલી જાઓ. તેના બદલે રાજકુમાર રાવ – ભૂમિ પેડનેકરની ‘બધાઇ દો’ ‘હીટ: ધ ફર્સ્ટ કેસ’ (સાન્યા સાથે) તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીનની ‘લૂપ લપેટા’, સૌરભ શુકલા, પંકજ ત્રિપાઠીની ‘અભિ તો પાર્ટી શુરુ હુઇ હે’, આયુષ્યમાન ખુરાના – નુસરત ભરૂચાની ‘ગુગલી’, અને તબુ સાથેની ‘શૂટ ધ પિયાનો પ્લેયર’, સોનુ સુદની ‘ફત્તેહ’, પરેશ રાવલ, મૃણાલ ઠાકુરની ‘આંખ મિચૌલી’, તાપસી પન્નુની પ્રતીક ગાંધી સાથેની ‘વો લડકી હે કહાં’, જેવી ફિલ્મો જ રજૂ થવાનું સાહસ કરશે. ઓછું બજેટ હોય એટલે તેમને તે પોષાશે પણ મોટા સ્ટાર્સ હમણાં આરામ કરશે. અલબત્ત, તેઓ જ વધારે પ્રેક્ષક લાવી શકે તેમ છે પણ કોરોનામાં વધારે પ્રેક્ષક જ જોખમ છે એટલે એવું કઇ રીતે કરવું? એક વાત જરૂર લાગે છે કે કોરોના જો હજુ ચાલ્યા કરશે તો ફિલ્મજગતનું આખું માળખું બદલાઇ શકે છે.