સુરત (Surat) : પત્ની અને દીકરીને સાથે રાખી હુન્ડાઇ એસેન્ટ કારમાં 10 લાખના ડ્રગ્સનો (Drugs) વેપલો કરતા ઇસમની ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા ધરપકડ (Arrest) કરવામાં આવી છે. પીઆઇ એ.જી.રાઠોડ અને એન.બી.બારોટ દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં કપલેથા ચેકપોસ્ટ (Check Post) પાસે મેફેડ્રોનનો (Mephedrone) જથ્થો મુંબઇથી (Mumbai) આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઇ તા.18 એપ્રિલના રોજ સાંજે સાડા છ વાગ્યે પોલીસ કાફલા સાથે કારનું ચેકિંગ શરૂ કર્યુ હતું.
દરમિયાન તા.19ના રાત્રિના એક વાગ્યાના સમયે પાસે હુન્ડાઇ કાર નં.(GJ 05 CL 0053)ને રોકવામાં આવતાં તેમાંથી મેફેડ્રોન નામના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. કાળા કલરની કોથળીમાં આ જથ્થો હોવાનું મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત બજારમાં અંદાજે 10 લાખ રૂપિયા જેટલી થાય છે. પોલીસ દ્વારા કાર સહિત કુલ અંદાજે 13 લાખની મત્તા સીઝ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી પૈકી મોહમદ સિદીક ઉર્ફે રાજા (ઉં.વ.44)ની ધરપકડ કરવામાં આવી છે. મોહમદ સિદીક રામનગરના ગ્રીનપાર્ક સોસાયટીનો રહેવાસી છે.
પોલીસને શંકા ન જાય એ માટે કાવતરું રચ્યું
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે દરોડા કરવામાં આવ્યા ત્યારે મોહમદ સિદીક ઉપર પોલીસને શંકા નહીં જાય એ માટે કારમાં તેની સાથે તેની પત્ની કૌશરબાનુ અને દીકરી સીફાને સાથે રાખી હતી. આ લોકોએ પોતાના પતિએ તેમની જાણ બહાર કારમાં આ મોરફેન રાખ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે હાલમાં આ લોકોની ધરપકડ કરી ન હોવાનું જણાવ્યું છે. કપલેથા ચેકપોસ્ટ પાસે આ કાર ચેક કરવામાં આવી હોવાની વિગત ક્રાઇમ બ્રાન્ચે જણાવી હતી.
રાજ નામનો ઇસમ મેફીડ્રોન બનાવતો હોવાની શંકા
સુરત : ક્રાઇમ બ્રાન્ચ હાલમાં પકડાયેલો મેફીડ્રોન ડ્રગ્સનો 10 લાખનો જથ્થો સપ્લાય કરનાર મુંબઇના રાજને શોધી રહી છે. આ રાજ તે લેબોરેટરીમાં મેફીડ્રોન બનાવતો હોવાની વિગત ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળી છે. સુરતમાં આ ડ્રગ્સ કોને વેચવામાં આવતું હતું તેની તપાસ હવે પોલીસ કરી રહી છે. તેમાં પોલીસ દ્વારા આરોપી મોહમદ સિદીક રિમાન્ડના આજે માંગવામાં આવશે. દરમિયાન મોહમદ સિદીકે નાલાયકીની તમામ હદ વટાવી દીધી હતી. તેમાં કારમાં પ્રેગ્નન્ટ શીફા નામની દીકરી ગમે ત્યારે પ્રેગ્નેન્ટ થઇ શકે તેમ હોવાની વિગતથી એ વાકેફ હોવા છતાં તેણે દીકરી અને પત્નીને ઢાલ બનાવી હતી.