Gujarat

5 હજારની લાંચ કેસમાં કરજણના ના.મામલતદારની ધરપકડ કરાઈ

વડોદરા : કારના ભાડાના બિલ પાસ કરવા બદલ કરજણના લાંચિયા મામલતદારના વચેટિયાએ પાંચ હજારની લાંચ લીધી હતી. એલસીબીની ટીમે નાયબ મામલતદાર જે.ડી.પરમારની ધરપકડ કરીને વડોદરા કચેરીમાં લાવતા ખળભળાટ મચી ગયો હતો. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી સમયે કરજણમાં માલિકે પોતાની કાર ભાડે આપી હતી. સરકારી કામગીરીમાં વપરાતી કાર ચૂંટણી રથના નામે જાણીતી હતી. જે તે સમયે ચૂંટણી કામગીરીના સમાપન બાદ કાર માલિકે નાયબ મામલતદાર જે.ડી.પરમાર સામે બિલ મૂક્યું હતું. લાંચિયા નાયબ મામલતદારે બિલ મંજૂર કરવા પેટે 20 હજાર રૂપિયાની લાંચ માગતા કાર માલિક ડધાઈ ગયા હતા. જોકે, દિવસો સુધી રકઝક બાદ નાયબ મામલતદારે બિલ મંજૂર કરી દીધું હતું. પરંતુ લાંચની રકમની વારંવાર પઠાણી ઉઘરાણી કરતા નાયબ મામલતદારને પાઠ ભણાવવા કાર માલિકે એસીબી કચેરીનો સંપર્ક સાધ્યો હતો અને તમામ પુરાવા સહ અરજી કરી હતી.

મામલતદાર કચેરી ખાતે જ છટકું ગોઠવાતા વચેટીયો હસમુખ પરમાર પાંચ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. લાંચના ગુનામાં સીધા સંડોવાયેલા જે.ડી.પરમારના કહેવાથી લાંચ લીધી હોવાનું વચેટિયાએ કબુલતા પોલીસે નાયબ મામલતદારની આજે ધરપકડ કરી હતી અને અને વડોદરા નર્મદા ભુવન ખાતે લાંચ રૂશ્વચ વિરોધી શાખાની કચેરીમાં લવાયો હતો. ઘટનાના પગલે કરજણ મામલતદાર કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. એસીબીની ટીમે આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

જગજાહેર છે કે, ચંૂંટણીઓમાં ઉમેદવારો અને તેના ટેકેદારો દ્વારા નાણાંની રેલમછેલ કરાય જ છે. વહેતી ગંગામાં હાથ ધોવા નાયબ માલતદારે પોતાના હોદ્દાની પરવા કર્યા વગર કાર માલિક પાસે 20 હજારની લાંચની ખુલ્લેઆમ માગણી કરી હતી. કાર માલિકે વાયદા કરતા ઉશ્કેરાયેલા નાયબ મામલતદારે મોબાઈલ દ્વારા સંપર્ક કરીને પઠાણી ઉઘરાણી પણ કરી છે. નાણાં ભૂખ ના સંતોષાતા લાંચિયાએ ઊઘાડી ધમકીઓ પણ ફરિયાદીને આપી હતી. જે તમામ રેકોર્ડિંગ પણ એસીબીની ટીમને પુરાવારૂપ અપાયું હતું. હવે એસીબીની ટીમે આરોપીના ઘર સહિતના સ્થળોપર સર્ચ કરીને નામી-બેનામી સંપત્તીઓ અંગે સંપૂર્ણ જાણકારી મેળવશે.

Most Popular

To Top