તા. 18 જુલાઈના યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અંકગણિતના આધારે ભાજપનો ઉમેદવાર જીતી જવાનો છે તે નક્કી છે તો પણ વિપક્ષો તેનો ઉપયોગ કરીને પોતાની એકતા સિદ્ધ કરવા માગે છે. વિપક્ષો જો પોતાની એકતા સાબિત કરવા માંગતા હોય તો તેમણે સૌથી પહેલા કોઈ સર્વમાન્ય નેતાનું નામ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેર કરી દેવું જોઈએ. પછી તેને વધુમાં વધુ પક્ષોનો ટેકો મળે તેના પ્રયત્નો કરવા જોઈએ.
આવા નેતા તરીકે કોંગ્રેસ અને સામ્યવાદીઓ મળીને શરદ પવારનું નામ વિચારી રહ્યા હતા પણ શરદ પવારે તેનો ઇનકાર કરીને વિપક્ષની એકતામાં ભંગાણ પાડી દીધું છે. શરદ પવારના ઇનકારનું કારણ એ નથી કે ભાજપના ઉમેદવાર સામે તેઓ ચૂંટણી જીતી શકે તેમ નથી. તેમના ઇનકારનું કારણ એ છે કે વિપક્ષો સંગઠિત બનીને તેમની તરફેણમાં મતદાન કરે તેવી કોઈ સંભાવના દેખાતી નથી. આવા સંયોગોમાં રીઢા રાજકારણી સોનાની જાળ પાણીમાં નાખે તેવી કોઈ સંભાવના નથી. શરદ પવારે વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવાના પ્રસ્તાવને ઠુકરાવતા સૂચક વાત કરી હતી કે તેઓ હજુ સક્રિય રાજકારણમાં રહેવા માગે છે. તેનો અર્થ એટલો જ થાય છે કે તેમણે ભારતના વડાપ્રધાન બનવાની ઝંખના છોડી નથી.
ભાજપને બરાબર ખબર છે કે તેના ઉમેદવારની જીત થવાની છે તો પણ તેણે પોતાનો ઉમેદવાર જાહેર કરવાને બદલે સર્વસંમતિથી રાષ્ટ્રપતિની ચૂંટણી થાય તેના પ્રયાસો તેજ કર્યા છે. 2017માં ભાજપે રામનાથ કોવિંદને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા પછી સર્વસંમતિના પ્રયાસો આદર્યા હતા. માટે તેને સફળતા મળી નહોતી. આ વખતે તેણે પોતાનો ઉમેદવાર જાહેર કર્યા વિના J.P. નડ્ડાને અને રાજનાથ સિંહને વિપક્ષો સાથે વાટાઘાટો કરવાની જવાબદારી સોંપી છે. જો ભાજપ સર્વસંમતિ સાધવા માગતો હોય તો શરદ પવાર તેનો શ્રેષ્ઠ વિકલ્પ છે પણ ભાજપ તેમના પર ભરોસો મૂકી શકે તેમ નથી. ભાજપ કદાચ રાજનાથ સિંહને રાષ્ટ્રપતિ બનાવવા ચાહે છે.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવા અને મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસનું સ્થાન ઝૂંટવી લેવા અધીરા બન્યાં છે. તેમના માટે રાષ્ટ્રપતિપદની ચૂંટણી હાથવગાં હથિયાર જેવી બની ગઈ છે. અગાઉ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા વિપક્ષનો સંયુક્ત ઉમેદવાર નક્કી કરવા રાજધાની નવી દિલ્હીમાં શ્રીમતી સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 22 વિપક્ષોની મિટિંગ નક્કી કરવામાં આવી હતી. જેમાં મમતા બેનરજીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણ મળતાં જ સજાગ થઈ ગયેલા મમતા બેનરજીએ કોંગ્રેસની મિટિંગને સમાંતર મિટિંગ 15 જૂને જ બોલાવી હતી, જે તારીખ કોંગ્રેસે નક્કી કરી હતી. કોંગ્રેસની જેમ મમતા બેનરજીએ પણ 22 પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. જેમાં 8 રાજ્યોના મુખ્યપ્રધાનોનો સમાવેશ થતો હતો.
મમતા બેનરજીએ પોતાની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપીને તેમનું નાક કાપવાની કોશિશ કરી હતી. આ મિટિંગ સફળ જાય કે નિષ્ફળ પણ મમતા બેનરજીને રાષ્ટ્રીય વિપક્ષી નેતા બનવાની તક મળી ગઈ છે. મમતા બેનરજીનું તત્કાલિક ટાર્ગેટ દિલ્હીની ગાદી કબજે કરવાનું નથી પણ મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસનું સ્થાન ઝૂંટવી લેવાનું છે. પશ્ચિમ બંગાળની સત્તા કબજે કરતા પહેલા પણ તેમનું મુખ્ય નિશાન રાજ્યમાં મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસનું સ્થાન ઝૂંટવી લેવાનું જ હતું. તે સ્થાન હાથમાં આવી ગયા પછી તેમણે ડાબેરી પક્ષોને પડકાર્યા હતા અને તેમનું સ્થાન પણ ઝૂંટવી લીધું હતું. મમતા બેનરજી હવે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરે તે રમત રમવા માગે છે પણ તેમાં તકલીફ છે. કોંગ્રેસ પક્ષ ભાંગ્યા તો પણ ભરૂચ જેવો છે. કોંગ્રેસ પક્ષ આખા ભારતમાં હાજર છે. મમતા બેનરજીનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ એક પ્રાદેશિક પક્ષ છે. પશ્ચિમ બંગાળની બહાર તેને ભાગ્યે જ કોઈ ઓળખે છે.
મમતા બેનરજી દ્વારા જે 8 વિપક્ષી મુખ્યપ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તે પૈકી ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને બાદ કરતા કોઈ મુખ્યપ્રધાને તેમને મહત્ત્વ આપ્યું નથી. ‘AAP’ના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પોતે વડાપ્રધાન પદના મહત્ત્વાકાંક્ષી હોવાથી તેમણે મમતાને ભાવ આપ્યો નથી. અરવિંદ કેજરીવાલની આજ્ઞામાં રહેલા પંજાબના મુખ્યપ્રધાન ભગવંતસિંહ માન પણ તે બેઠકમાં હાજર રહે તેવી કોઈ સંભાવના નહોતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની પણ ના આવી ગઈ હતી. ઓડિસાના મુખ્યપ્રધાન નવીન પટનાયક ભાજપ ભણી અઢળક ઢળતાં હોવાથી તેઓ મમતાની બેઠકમાં હાજર રહેવાના નહોતા.
ભાજપ દ્વારા જે નેતાઓના નામોની વિચારણા ચાલી રહી છે, તેમાં રાજનાથ સિંહ પછી સૌથી મોખરે કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાનનું નામ છે. આરીફ મોહમ્મદ ખાન ભૂતપૂર્વ કોંગ્રેસી છે પણ તેમની ગણતરી પ્રગતિશીલ મુસ્લિમ તરીકે થાય છે. રાજીવ ગાંધી દ્વારા શાહબાનુ કેસમાં પલટી મારવામાં આવી, ત્યારે આરીફ મોહમ્મદ ખાને તેમની ટીકા કરવાની નૈતિક હિંમત દાખવી હતી. જો આરીફ મોહમ્મદ ખાન ભારતના રાષ્ટ્રપતિ બને તો તેઓ મુસ્લિમ દેશો સાથેના ભારતના સંબંધો ગાઢ બનાવવામાં ઉપયોગી બની શકે છે. તાજેતરમાં મોહમ્મદ પયગમ્બરનો જે વિવાદ ચાલી રહ્યો છે, તેને શાંત પાડવામાં પણ આરીફ મોહમ્મદ ખાન પ્રભાવક બની શકે છે. આરીફ મોહમ્મદ ખાનને રાષ્ટ્રપતિ બનાવીને ભાજપ પોતાની જાતને સેક્યુલર પણ સાબિત કરી શકે તેમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ હોદ્દાઓ બાબતમાં આંચકો આપવા માટે જાણીતા છે. 2017માં તેમણે રાષ્ટ્રપતિ તરીકે બિહારના તત્કાલીન ગવર્નર રામનાથ કોવિંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો, ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. તાજેતરમાં તેવી જ રીતે ગુજરાત ભાજપના નેતાઓને આંચકો આપીને તેમણે ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. તેવો જ આંચકો નરેન્દ્ર મોદી ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર દ્રૌપદી મુર્મુને દેશના સર્વપ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનાવીને આપી શકે છે. દ્રૌપદી મુર્મુ આદિવાસી હોવા ઉપરાંત મહિલા પણ છે.
દ્રૌપદી મુર્મુ 2015માં ઝારખંડના પહેલા મહિલા ગવર્નર બન્યાં હતાં. તેઓ મૂળ ઓડિસા રાજ્યના છે. ભાજપ જો કોઈ મહિલાને રાષ્ટ્રપતિ બનાવવા માગતો હોય તો તેની સામે સુમિત્રા મહાજનનું નામ પણ છે. રાષ્ટ્રપતિપદ માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે શરદ પવારે ના પાડી તે પછી જમ્મુ – કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદ ઉપરાંત ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યશવંત સિંહાનું નામ પણ વિચારણા હેઠળ છે. ભાજપ તનતોડ મહેનત કરી રહ્યો છે કે વિપક્ષો સંગઠિત થઈને પોતાનો ઉમેદવાર ઊભો રાખી શકે નહીં.
મમતા બેનરજી પર એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે તેઓ કોંગ્રેસનો પ્રતિકાર કરીને હકીકતમાં ભાજપનું કામ આસાન કરી રહ્યા છે. જો મમતા બેનરજી પોતાનો ઉમેદવાર ઊભો રાખે અને કોંગ્રેસ પોતાનો તો વિપક્ષી એકતાનું નાહી જ નાખવું પડે. જો વિપક્ષો સંગઠિત નહીં શકતા હોય તો તેમણે ઇજ્જત બચાવવા સર્વસંમતિ કરવી પડશે. ભાજપની નજર 2024ની લોકસભાની ચૂંટણી પર છે. જો આ ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી ન મળે તો ભાજપ ભાંગફોડ કરીને સત્તા ટકાવી શકે તે માટે રાષ્ટ્રપતિ તેમના રબ્બર સ્ટેમ્પ હોવા જરૂરી છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.