માલે: (Male) માલદીવના (Maldives) રાષ્ટ્રપતિ મુઈઝ્ઝૂ ભારત વિરોધી નીતિને કારણે સંકટમાં દેખાઈ રહ્યા છે. મુઇઝ્ઝુની ભારત વિરોધી નીતિને કારણે માલદીવની મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ સામે મહાભિયોગ પ્રસ્તાવ માટે પર્યાપ્ત હસ્તાક્ષર ભેગા કરી લીધા છે. ત્યાંનો વિપક્ષ માલદીવ સરકાર સામે એક થઈ ગયો છે. એમડીપીની સાથે વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સ પણ રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ વિરુદ્ધ મહાભિયોગનું સમર્થન કરી રહ્યા છે.
માલદીવની સંસદમાં શાસક અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલ હંગામો હજુ પણ ચાલુ છે. મુખ્ય વિપક્ષ માલદીવાન ડેમોક્રેટિક પાર્ટીનું સંસદીય જૂથ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે સંમત થઈ ગયું છે. ચીન તરફી રાષ્ટ્રપતિ મુઈઝઝુની ભારત વિરોધી નીતિઓને ધ્યાનમાં રાખીને વિરોધ પક્ષો આ પ્રસ્તાવ લાવવા માટે સહમત થયા છે. એમડીપીને અન્ય વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સનું સમર્થન પણ છે. વિરોધ પક્ષોએ સંસદની અંદર અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો જેનો શાસક પક્ષે જોરદાર વિરોધ કર્યો હતો. MDP અને ધ ડેમોક્રેટ્સ પાસે એટલા બધા સાંસદ છે કે તેઓ મુઈઝઝુને સરળતાથી ખુરશી પરથી હટાવી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક MDP નેતાએ કહ્યું કે મુઇઝઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પાછળનું એક મુખ્ય કારણ વર્તમાન સરકારના ભારત સાથેના સંબંધોને જોખમમાં મૂકવાનું છે. મુઈઝઝૂ માલદીવની પ્રોગ્રેસિવ પાર્ટી અને તેની પોતાની પીપલ્સ નેશનલ કોંગ્રેસ સાથે જોડાઈ છે. ગયા વર્ષે નિયમોમાં ફેરફાર કરીને સંસદને અધિકાર આપવામાં આવ્યો હતો કે સૌથી મોટી પાર્ટી MDP લઘુમતી પક્ષોના સમર્થન વિના મુઇઝઝુ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે. મુઈઝઝુ સામે મહાભિયોગ પ્રસ્તાવ માટે 54 મતોની જરૂર છે જ્યારે વિપક્ષી MDP પાસે 56 સાંસદો છે.
રવિવારે કેબિનેટને સંસદની મંજૂરી મળવાની હતી પરંતુ સાંસદો વચ્ચે હોબાળો અને મારામારીના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. સંસદમાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદ ભવન બહાર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વિપક્ષ સરકાર સામે મહાભિયોગ લાવવાની તૈયારી કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર MDP અને ડેમોક્રેટ પાર્ટીના કુલ 34 સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવને પોતાનું સમર્થન આપ્યું છે.
PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ અને ભારતના સંબંધો બગડ્યા છે. મુઈઝુના મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી જેના કારણે તણાવ ઘણો ભડકી ગયો હતો. માલદીવના મંત્રીઓ સામે ભારતીયોએ જોરદાર વિરોધ કર્યો હતો. આ પછી મુઈઝઝુએ તેઓને સસ્પેન્ડ કરી દીધા હતા પરંતુ હટાવ્યા ન હતા. આટલું જ નહીં ભારત સાથેના વિવાદ વચ્ચે મુઈઝઝુ ચીનની મુલાકાતે ગયા અને જિનપિંગ સાથે અનેક કરારો કર્યા. ત્યાંથી પાછા આવ્યા પછી મુઈઝ્ઝુએ ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું. ત્યાંની વિપક્ષી પાર્ટીઓ આનો જોરદાર વિરોધ કરી રહી છે અને મુઈઝઝુ પાસેથી ભારત અને પીએમ મોદીની માફી માંગવાની માંગ કરી રહી છે.