Business

એકટ્રેસ તરીકે ન ચાલી તો મલાઈકા ડાન્સર તરીકે જામી ગઈ

માલાઇકા અરોરા કોઇ અભિનેત્રી નથી, ડાન્સર છે. આ 16મી ઓકટોબરે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’- સીઝન-2 શરૂ થઇ છે જેમાં મલાઇકા એક જજ છે. ગીતા કપૂર, ટેરેન્સ લુઇસ માટે તો ડાન્સ શોના જજ થવાનું પાકુ જ હોય છે. તેમનો હવે આ ધંધો થઇ પડયો છે. શોવાળા હંમેશા કોઇ ત્રીજું સેન્સેશન શોધે છે ને તે આ વખતે મલાઇકા અરોરા છે. એ કેવી સારી જજ છે એ વિશે જજ કરવું મુશ્કેલ છે પણ તેનાથી શોમાન ગ્લેમર ચોક્કસ ઉમેરાયું છે. દર શનિ-રવિ આ શો આવશે ને મલાઇકા તેમાં દેખાશે. ડાન્સ રિયાલિટી શોમાં માત્ર ડાન્સ નથી જોવાતો. બીજું ઘણું બધું ઉમેરાતું હોય છે. મતલબ કે તે એક શો-પેકેજનો ભાગ છે. મલાઇકા સ્વયં કબુલે છે કે મને તો જજ બનતાં ડર લાગે છે કારણ કે મને ડાન્સ કરવામાં વધારે આનંદ આવે છે.

તેણે એમટીવી ઇન્ડિયાના વીજે તરીકે શરૂઆત કરેલી અને પછી ‘કલબ એમટીવી’ નામના શોને હોસ્ટ પણ કરતી હતી. આવું બધું કરતા કરતા તેને ‘દિલ સે’માં ‘ચલ છૈયા છૈયા’ ગીતમાં શાહરૂખ સાથે ડાન્સ કરવાનો મળ્યો અને પછી તે ડાન્સ આઇટમ નંબર માટે ફેવરિટ થઇ ગઇ. ‘મુન્ની બદનામ હુઇ’ તેનું એવું જ આઇટમ સોંગ છે. અત્યાર સુધી તે એજ કરે છે. તેને કોઇ એકટ્રેસ ગણતું નથી. પણ હા, તે તેની બોડી અને બ્યુટીને કારણે આઇકોનિક ફેશન મોડલ ગણાય છે. બાકી તમે ‘અનારકલી ડિસ્કો ચલી’ (હાઉસફૂલ-2), ‘પાંડેજી સીટી’ (દબંગ-2) ‘હોઠ રસીલે’ (વેલકમ) વગેરે માટે જ યાદ કરી શકો.

મલાઇકા ખુદ પોતાની મર્યાદા જાણે છે એટલે જ ટી.વી. શોમાં જજ તરીકે આવે છે. અગાઉ ‘નચ લીયે’, ‘જરા નચકે દીખા’, ‘ઝલક દિખલા જા’, ‘ઇન્ડિયાઝ ગોઝ ટેલેન્ટ’, ‘ઇન્ડિયાઝ નેકસ્ટ ટોપ મોડલ’ વગેરેમાં તે જજ રહી ચુકી છે. પણ તેણે આ બધામાંથી જ કમાણી કરી છે અને અરબાઝ ખાનની પત્ની બન્યા પછી તો ત્રણેક ફિલ્મની નિર્માત્રી તરીકે પણ તેનું નામ ઉમેરાયું છે. જો કે અરબાઝથી જૂદી પડી અને અર્જૂન કપૂર સાથે રિલેશન રાખ્યા તે બંને કારણોએ તેને ચર્ચામાં રાખી છે. તેના વિશે એક વાત જરૂર કહેવી પડે કે તેને સરસ હાઇટ મળી છે અને ડાન્સર તરીકે જ કમાવાનું છે એટલે ફિટનેસ પણ જાળવી છે.

તે હંમેશા તરોતાજા રહે છે અને એટલે જ અર્જૂન તેની પર ફીદા છે. તે નિયમિત રીતે ડાન્સ રિહર્સલ તો નથી કરતી પણ ફિટ રહેવા જેટલું જરૂરી હોય તેટલું જરૂર કરે છે. ડાન્સ શોના જજ બનવાનું આવ્યું પછી તે ડાન્સના પ્રકાર વિશે વધુ જાણતી થઇ પણ તે ય સમજી ગઇ છે કે નવી પેઢી પણ એકના એક પ્રકારનું ઘણું કરે છે. ડાન્સ રિયાલિટી શોમાં બધું સાચું સાચું બોલવા જાય તો શો વહેલો સમેટાઇ જાય. એ એવું ન જ કરે. ગોર્જિયસ મલાઇકા આ 23મી ઓકટોબરે જ 48માં વર્ષમાં પ્રવેશી છે. અરબાઝ સાથે છૂટા થયાને પાંચ વર્ષ થયા છે. અર્જૂન તેના કરતા સાડા અગિયાર વર્ષ નાનો છે. શું બંને પરણશે? મલાઇકાને તો એક દિકરો પણ છે. અર્જૂનને તેણે તીર તો માર્યું છે ને અર્જૂન પણ તેનાથી ઘાયલ છે પણ લગ્ન સુધી પહોંચે પછી વાત.

Most Popular

To Top