ભારતમાં જયારે પબ્લિક રિલેશનની વાત આવે ત્યારે એક વ્યક્તિવિશેષની વાત તો કરવી જ પડે. શ્રી પ્રબોધ રમણલાલ જોશી કે જેઓ પી. આર. જોશીના હુલામણા નામથી ભારતભરમાં જાણીતા છે. 1953માં તેમનો જન્મ થયો હતો. 2012માં જયારે લાંબી બીમારીના અંતે તેમનું દુઃખદ અવસાન થયું ત્યારે ફક્ત ગુજરાતના જ નહિ પરંતુ ભારતભરના કોર્પોરેટ સેકટરને ઊંડા આઘાતની લાગણી થઇ હતી. પી. આર. જોશીના પબ્લિક રિલેશનના ફિલ્ડના પ્રદાનની વાત કરીએ તે પહેલાં તેમના વ્યકતિત્વને સમજીએ. શ્રી પી આર જોશી હૃદયે સુ-કોમળ, કવિભાસી સ્વભાવ, ગુજરાતી અને ઈંગ્લીશ એમ બંને ભાષાઓ પ્રત્યે આગવું પ્રભુત્વ અને ખાસ તો જન સંબંધના માણસ.
શરૂઆતની પબ્લિક રિલેશનની કારકિર્દી પછી તેમણે ઝાયડસ કેડિલામાં હ્યુમન રીસોર્સીસ મેનેજમેન્ટના વડા તરીકે જવાબદારી ખૂબીપૂર્વક સંભાળી. કોર્પોરેટ ક્ષેત્રે HR અને કોર્પોરેટ કોમ્યુનિકેશનના સમન્વયની શરૂઆત કરનાર પી. આર. જોશી હતા. સરળ હૃદય સાથે કોર્પોરેટ સ્ટ્રેટેજીમાં પણ નિષ્ણાત. પી. આર. જોશી જેવું વ્યક્તિત્વ દાયકાઓ પછી જ જોવા મળે. કોઈક વખત નાના બાળક જેવો વ્યવહાર અને કોઈ વખત કઠોર નિર્ણયના પણ આગ્રહી. મારી પોતાની કારકિર્દી ઘડનાર પણ પી. આર. જોશી છે. મારા એક મિત્ર અને સહયોગી બિરજુ ત્રિવેદીના શબ્દોમાં કહીએ તો પી. આર. જોશી મને તેમનો માનસપુત્ર ગણતા. સાચી વાત કહું તો મેં પણ તેમની પર્સનાલિટીની હૂબહૂ કોપી કરવાનો પ્રયત્ન જ કરેલો. જયારે મને પબ્લિક રિલેશન વિભાગમાં ‘P’ શું કહેવાય તે ખબર નહોતી ત્યારે કેડિલા જેવી મોટી કંપનીમાં મીડિયા રિલેશનની બહુ મોટી જવાબદારી તેમણે મને સોંપી હતી. ધીમે ધીમે મેં પણ જોશીસાહેબના પગલે HR ડિપાર્ટમેન્ટની જવાબદારી ઘણી કંપનીઓમાં સંભાળી.
પી. આર. જોશી જોડે ઘણી વખત પબ્લિક રિલેશનના ફિલ્ડ વિશે અલૌકિક વાતો થતી. તેઓના વિચારો ટ્રેડિશનલ પબ્લિક રિલેશન કરતાં બહુ અલગ હતા. પી આર જોશીના મતે પબ્લિક રિલેશન એટલે કંપનીની પોઝિટિવ ઇમેજ દેશવિદેશમાં ઊભી કરવી. એટલું જ નહિ પરંતુ કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં પણ કંપની વિશે ઉમદા અભિપ્રાય જળવાઈ રહે તે માટેના સતત પ્રયત્નો કરતા જ રહેવાના. પબ્લિક રિલેશનના માધ્યમથી કંપનીના બહારના સ્ટેક હોલ્ડરો જેવા કે શેરધારકો, ઇન્વેસ્ટર્સ, બેંકો અને સપ્લાયર્સ પર કંપની વિશે સારો અભિપ્રાય રહે તે માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે. જ્યારે ભારતમાં પબ્લિક રિલેશન ઓફિસરને ફક્ત લાયઝન તરીકે જ ગણવામાં આવતા ત્યારે પી. આર. જોશીના પબ્લિક રિલેશનના ઇનોવેટિવ થીંકીંગથી, PR ઈન્ડસ્ટ્રીને નવી દિશા આપી. બીજા શબ્દોમાં કહીએ તો કોર્પોરેટ સેક્ટરમાં સામી વ્યક્તિને જો તમારા વિશે સારો અભિપ્રાય આપતો કરી શકાતો હોય તો તે તાકાત PR ડિપાર્ટમેન્ટ જોડે હોય છે અને પી. આર. જોશીએ આવું કરી બતાવી ઈન્ડસ્ટ્રીમાં એક નવો આયામ ચીતર્યો હતો. હજી પણ પી. આર. જોશીના શબ્દો કાનમાં ગુંજે છે. પોતાની વાતને કેવી ઊંડાણથી સામાવાળાને સમજાવવી તે તેમની જોડેથી જ શીખવું પડે.