મોબાઇલ શબ્દ કાને પડતાં જ જેને બોલતાં-ચાલતાં નથી આવડતુ એવું નાનું બાળક પણ હરખાઈ જાય છે તો આજના આ યુગમાં સ્માર્ટ ફોનનું જ રાજ છે એમ કહીએ તો ખોટું નથી. આજના આ સ્પર્ધાત્મક જમાનામાં એક સ્માર્ટ ફોન ઘણી બધી માહિતી પૂરી પાડે છે. વિદ્યાર્થીઓની શાળાકીય માહિતીથી શરૂ કરી મોટા-મોટા બિઝનેસમેનને પણ એક સ્માર્ટ ફોન ઉપયોગી અને માહિતી પ્રદાન કરતું સાધન છે. પરંતુ દરેક વસ્તુના સારાં-નરસાં બે પાસાં હોય એમ મોબાઇલ (સ્માર્ટફોન) પણ કોઇ ને કોઇ અંશે તો દુરુપયોગી સાબિત થઇ શકે! આજે ઘરમાં કે ઘરની બહાર કોઇ પણ માણસ પોતાનો ફ્રી સમય એક સ્માર્ટફોન સાથે વિતાવતો થઇ ગયો છે. ઘરના સભ્યો સાથે બેસીને સુખ:દુખની વાત કરવાને સ્થાને મોબાઇલ સાથે સમય વિતાવવામાં વધારે ખુશ હોય છે.
કોઇ પણ વેઇટીંગ રૂમ (જેમ કે હોસ્પિટલ, સરકારી કચેરી) કે પછી ફરવા અને જોવાલાયક સ્થળોએ પણ માણસને આપણે સ્માર્ટફોનમાં મગ્ન રહેતા જોઇએ જ છીએ. અરે બાગ-બગીચાના બાંકડે બેઠેલ પતિ-પત્ની પણ પોતપોતાના સ્માર્ટફોનમાં જ વ્યસ્ત રહેતાં ઘણી વાર નજરે પડે છે. આમાં કોઇ વ્યકિતનો દોષ હોતો જ નથી. પરંતુ સ્માર્ટફોન એક એવું સાધન છે કે જે દરેકને જકડી રાખે છે. એમાંથી કદાચ અપવાદરૂપ બાકાત હોઇ શકે. સ્માર્ટફોનમાં ભલે ઉપયોગી અને મનોરંજક માહિતી પિરસાતી હોય પરંતુ તેનો કયા સમયે અને કેટલો ઉપયોગ કરવો એ તો આપણા જ હાથની વાત છે!
અમરોલી – પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.