લોકો મોંઘાદાટ ફોન વસાવી શકે છે. પરંતુ માત્ર 50/- ની નજીવી કિંમતમાં મળતું હેન્ડસેટ-ઈયરફોન ખરીદી શકતા નથી. રોમિયો પ્રકૃતિના પુરુષો અમુક અંશે સાવ ક્ષુલ્લક માત્રામાં મહિલાઓ પણ હેડફોન વિના જોરજોરમાં ગીતો વગાડી અવાજ પ્રદૂષણની સમસ્યા નીપજાવે છે. બસ, ટ્રેન, રીક્ષા કે અન્ય જાહેર સ્થળોએ પોપ ગીતો કે અન્ય પ્રકારના સંગીતથી અન્ય લોકોની શાંતિમાં ખલેલ પહોંચાડે છે.સંગીત બાબતે બધાની પસંદ જુદી જુદી હોઈ શકે છે. તમને ગમતું સંગીત તમને સાંભળવાનો હક છે. પણ અન્યને સંભળાવવાનો (બળજબરીપૂર્વક) અધિકાર નથી.
બસમાં ડ્રાઈવર ભાઈઓ પણ ઊંઘ ન આવે તે માટે સંગીત વગાડે છે, પરંતુ એઓ હેડફોનનો ઉપયોગ ન કરે તથા કોઈ પેસેન્જરના અણગમાને નજરઅંદાજ કરી દબંગ રીતે ફૂલ વોલ્યુમમાં ગીતો વગાડે, એ પણ સહજ તથા સહન કરવા યોગ્ય નથી. જેમ ધૂમ્રપાનના જાહેર સ્થળ બાબતના કાયદાઓ અમલી છે એમ જ ‘સંગીત’ બાબતે પણ સરકાર ડખલ દે એ ઈચ્છનીય છે.તમારો ફોન છે, શું સાંભળવું, ન સાંભળવું એ તમારો અધિકાર છે. તમે વગાડો એ આસપાસનાં લોકોએ સાંભળવું જ પડે એ અત્યાચાર ગણાય. અત્યાચારને નાથવા સરકારી હસ્તક્ષેપ જ એકમાત્ર ઉપાય.
નવસારી- છીપકાવાલા સાજીદા એમ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે..
પ્રત્યેક સંબંધમાં મિત્રભાવ કેળવો.
એ અલગ જ વાત છે કે મનુષ્ય જીવનમાં મીઠાશભર્યા સંબંધોમાં કયારેક ખારાશ પણ મનુષ્ય જીવનને કયારે ઉષ્માપૂર્ણ, સંબંધો વિના ચાલ્યું જ નથી. અરે કોઇ- કોઇ મનુષ્યને માણસો સાથે બહુ ગોઠતું નથી તો તે પશુ-પંખીઓ સાથે પણ સંબંધો કેળવી લેતાં હોય છે. વળી મનુષ્યજીવનના કેટલાંક સંબંધો મનુષ્યને મળી જતા હોય છે માતા-પિતા, કાકા-કાકી, મામા-મામી, નાના-નાની ભાઈ બહેન પત્ની સસરા-સાસુ સાળા જેવા સંબંધો મળી જ જતાં હોય છે.
જીવનનો જેને શ્રેષ્ઠ સંબંધ કહી શકાય, જયાં મનુષ્ય ભીતરથી પોતાના દિલની વાતો દિલ ખોલીને કહી શકે તે છે મિત્રતાનો સંબંધ અને જુઓ તો ખરા મિત્રતા જ એક એવો સંબંધ છે, જે મનુષ્ય કોઇની પણ સાથે પોતે કેળવી શકે છે, મેળવી શકે છે અને એક અનુભવની વાત કહું તો મિત્રતા જેવો કોઇ સંબંધ જ નથી હોતો. આથી જો મનુષ્ય આપોઆપ પ્રાપ્ત થતાં સંબંધોમાં પણ જો મિત્રતાનો ભાવ કેળવી લે છે તો પોતાનાં દિલની વાતો કોઇને પણ દિલ ખોલીને કરી શકે છે એટલું જ નહીં, સોનામાં સુંગધની જેમ જ જીવનમાં પણ સુવાસ અને મીઠાશ વ્યાપી રહે. આથી જ પ્રત્યેકે પ્રત્યેક સંબંધોમાં મિત્રતા કેળવવા શીખવું રહ્યું.
નવસારી – ગુણવંત જોશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.