Columns

સરકાર પાસે કરાવવાના કામનું લીસ્ટ બનાવો

આ લખાય છે ત્યારે પરિણામ આવ્યું નથી. ગુજરાત વિધાનસભામાં પુનરાવર્તન થશે કે પરિવર્તન એ આ લેખ વંચાતો હશે. લોકશાહીના અભ્યાસથી એટલું સમજાય છે કે પક્ષ બદલાય તે કરતાં પરિસ્થિતિ બદલાય તે અગત્યનું છે. પ્રજામાં જો જાગૃતિ હોય તો જ સમય મુજબનાં પરિવર્તનો આવ્યાં જ કરે, પક્ષ એનો એ જ હોય કે બદલાતો હોય. તેણે પ્રજાહિતમાં વ્યવસ્થાઓ, પરંપરાઓ, કાયદાઓ બદલવા જ પડે. ગુજરાતમાં મતદાનનાં વલણો જોતાં શહેરી વિસ્તારોમાં મતદાન ઓછું થયું. ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધારે થયું. ઘણાં બધાં લોકોએ નાગરિક હક માટેની આ ઉદાસીનતાની ટીકા કરી છે. પણ આપણે કહેવું છે કે ચૂંટણીના દિવસે મતદાતા સક્રિય થાય એ રાજકીય પક્ષોની જરૂરિયાત હોય છે અને મતદાતા નાગરિક કાયમ સક્રિય રહે તે લોકશાહીની જરૂરિયાત છે. માટે હવે જયારે નવી સરકાર રચવામાં છે ત્યારે આપણે નાગરિક તરીકે આ નવી સરકાર પાસે જે કામ કરાવવાના છે તેની યાદી બનાવવાની જરૂર છે.

સરકાર ભાજપની કે કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની બની શકે છે. પણ સરકાર પાસે અપેક્ષાઓ તો આપણી પોતાની જ હોઇ શકે છે. બીજું, આપણે મત ગમે તે પાર્ટીને આપ્યો હોય. આપણે કામ તો સરકારને સોંપી જ શકીએ છીએ. રાજકીય પક્ષો એવું માને છે અને ઇચ્છે પણ છે કે મતદાન થઇ જાય પછી નાગરિકે પાંચ વર્ષ સુધી કશું બોલવાનું નથી! પણ વાસ્તવમાં આવું નથી. નાગરિકે સતત જાગતાં રહેવાનું છે અને એવું પણ માનવું નહિ કે ચૂંટણી પતી ગયા પછી સત્તા રચાઇ ગયા પછી કોઇ નાગરિકની વાત સાંભળતું નથી.

લોકશાહીમાં ‘કલમની તાકાત’ ખરેખર છે જ. હા, પાનના ગલ્લે, બસમાં કે ચોરે-ચૌટે કરેલી ચર્ચાઓનો કોઇ અર્થ નથી! લખવું પડે! કાગળ હાથમાં લેવો પડે, પેન ઉપાડવી પડે અને વર્તમાન વ્યવસ્થાઓ વિષે, કાયદાઓ વિષે, લખવું પડે, પૂછવું પડે અને શકય હોય ત્યાં ઉપાય પણ બતાવવા પડે! સરકારો અધિકારીઓ દ્વારા ચાલતી હોય છે. આ અધિકારીઓ સુધી સારા વિચાર, વિકલ્પો પહોંચાડવા પડે. હા, નીતિગત નિર્ણયો નેતાઓ લેતા હોય છે. પક્ષની વિચારધારા મુજબ લેવાતા હોય છે. નેતાઓના વ્યકિતગત સ્વાર્થ મુજબ પણ લેવાતા હોય છે. પણ સાથે સાથે રોજિંદા જીવનના નિયમો, કાયદાઓ, વ્યવસ્થાઓ અધિકારીઓ દ્વારા નકકી થાય છે. જો આપણે યોગ્ય ઉકેલ લખીને મોકલીએ તો કદાચ તે અમલમાં આવે. કાલથી નવી સરકાર રચાઇ જશે.

ગુજરાત ખાસ તો ગ્રામ ગુજરાતનાં નાગરિકો અને રાજયભરનાં યુવાનો નવી સરકારને કહે છે કે સૌ પ્રથમ તો તમે રાજયમાંથી રોજગારીના ક્ષેત્રમાં આઉટ સોર્સિંગ અને કોન્ટ્રકટ સિસ્ટમ દૂર કરો. રોજગારી પુરી પાડવા માટે એજન્સીઓને રૂપિયા ચુકવાય છે તે કામ કરનારા સુધી પહોંચતા નથી. આ રોજગારીમાં આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટ પ્રથા લાંબા ગાળાનું ઝેર છે. આમાં આર્થિક શોષણ અને ભવિષ્યની અનિશ્ચિતતા છે. બીજુ અગત્યનું કામ નવી સરકારને સોંપવાનું એ છે કે ગુજરાતના વિકાસની આટલી યશગાથાઓ ગવાય છે છતાં માળખાકીય સુવિધા બાબતમાં મોટી અસમાનતા છે.
ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા ભાવનગર, જામનગર, મહેસાણાથી દસ જ કી.મી. દૂર ગામમાં પાકા રસ્તાની, પીવાના પાણીના, વાહનવ્યવહારની સુવિધાના પ્રશ્નો છે. જેને આધુનિક સુવિધા ગણવામાં આવે છે. વિકાસના પ્રતીક કહેવામાં આવે છે તે મોલ. મલ્ટિપ્લેક્ષ, મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલો, શાળા કોલેજો, માત્ર શહેરોમાં જ છે.

ચૂંટણી સમયે જેમને નદી પર પુલ મળ્યા. વાહન વ્યવહાર માટે સગવડો મળી તે બધા સરકારનું પુનરાવર્તન ઇચ્છે. પણ જેમના ગામમાં હજુ બસ નિયમિત ન આવતી હોય, નદી પાર કરવા પાયાની જરૂરિયાત ગણાય તેવો બ્રિજ ન બન્યો હોય. ચાલીસ-પચાસ કી.મી. સુધી કયાંય સારી શાળા – કોલેજ, હોસ્પિટલ ન હોય તેમણે સત્તા પરિવર્તન માટે મત આપ્યા હોય. હવે મતદાન પતી ગયું, હવે નવી સરકાર પાસે આ પાયાની સુવિધાઓ માટે માંગણી કરવી પડશે. દબાણ ઊભુ કરવું પડશે. ગુજરાતનાં શહેરોની વાત કરીએ તો ટ્રાફિકનો પ્રશ્ન અને રસ્તે રખડતા ઢોરનો પ્રશ્ન હવે વિકરાળ બનતો જાય છે. આમ તો આ પ્રશ્ન સ્થાનિક સ્વરાજયની સંસ્થાનો છે. પણ ભારતમાં સત્તાનું કેન્દ્રીકરણ એવું થયું છે કે રસ્તે રખડતાં ઢોર દૂર કરવા માટે પણ રાજય સરકારની નિસ્બત જોઇએ. તો આપણે ચૂંટેલી સરકારને હવે આપણે જ કામે લગાડવી પડશે. નાગરિકોએ મૌખિક કે લેખિત, વ્યકિતગત કે સામુહિક, આંકડા, પુરાવા સાથે કે વર્ણન, ફોટા સાથે આપણી જરૂરિયાતો, સમસ્યા, સંભવિત ઉકેલ મોકલવા પડશે. માટે તૈયારી કરો. આ સરકાર પાસે તમારે કયાં કામ કરાવવાં છે! બાકી તે પોતાને મનગમતાં કામ કરશે અને તમને ફરજ પાડશે કે તમે એ કામ જ ગમાડો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top