શહેરના અતિવ્યસ્ત સહારા દરવાજા ઓવર બ્રિજ પર આજે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ. અહીં એક દોડતી બસની ડીઝલની ટાંકી ફાટી જતા અફરાતફરી મચી ગઈ હતી. ટાંકી ફાટવાના કારણે બ્રિજ પર ડીઝલ ઢોળાયું હતું. જેના લીધે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. અંદાજે 20થી વધુ વાહનો સ્લીપ થયા હતા. જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. એક તરફનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી બ્રિજની સફાઈ શરૂ કરી દેવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે પીક અવર્સમાં ભારે ટ્રાફિક હતો ત્યારે એકાએક એક બસની ડીઝલની ટાંકી ફાટી હતી. જોતજોતામાં બ્રિજની એક તરફ ડીઝલ ઢોળાયું હતું. જેના લીધે રસ્તો લપસણો થયો હતો. બસની પાછળ દોડતા વાહનના ચાલકોએ પોતાના વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો અને સ્લીપ થઈ ધડાધડ પડ્યા હતા. અનેક વાહન ચાલકોનો નાની મોટી ઈજાઓ થઈ હતી. વાહનોને નુકસાન થયું હતું.
કોલ મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસરોએ બ્રિજની એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાવી દીધો હતો. રસ્તા પર ઢોળાયેલું ડીઝલ દૂર કરવા પાણીનો સતત મારો ચલાવ્યો હતો. બ્રિજને સાફ કર્યા બાદ રસ્તો ફરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.