સુરતમાં છેલ્લાં બે ત્રણ વર્ષથી સોસાયટીઓમાં CC રોડ બનાવવાનો ક્રેઝ લાગ્યો છે. પરંતુ ઘણી સોસાયટીઓમાં CC રોડ બનાવતાં જુના રોડ કરતાં નવો બનાવાયેલો રોડ 6થી 9 ઈંચ ઊંચો બનાવી દેવાય છે, જેના કારણે જુના બાંધકામવાળાં મકાનોના કમ્પાઉન્ડ લેવલ બહારના રોડ કરતા નીચા જતા રહે છે. આવાં મકાનોવાળાને રોડ ઊંચો થતાં કમ્પાઉન્ડ લેવલ ઊંચું કરાવવા મોંઘવારીને કારણે જંગી ખર્ચ કરવો પડે છે. આજે મોટા ભાગના મધ્યમ ગરીબ વર્ગનાં પરિવારો આવો ખર્ચ કરી શકતા નથી. યા તો દેવું કરી કરવું પડે છે. આવાં પરિવારોને ખોટા ખર્ચના ખાડામાં ન ઉતારતા જ્યાં CC રોડ બનાવવાનો હોય ત્યાં SMC દ્વારા એન્જીનિયરીંગ સર્વે કરાવીને રોડ લેવલ મેઈનટેઈન કરાવવું જરૂરી બને છે.
આ ઉપરાંત જે શેરી કે સોસાયટીમાં CC રોડ બનાવવાનો હોય તેની આજુબાજુની શેરી અને રસ્તાના લેવલ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી બને છે. નહીં તો ચોમાસામાં જે તે શેરીનું લેવલ ઊંચું જવાને કારણે આજુબાજુની શેરીઓ અને રસ્તાઓ ઉપર વરસાદી પાણીનો જંગી ભરાવો થશે. આવું હાલ ઘણી જગ્યાએ થઈ રહ્યું છે. ખાસ કરીને વેસ્ટ ઝોન વિભાગમાં જ્યાં જ્યાં વાઈડ ડીઝાઈનર ફૂટપાથો પાંચને બદલે પંદર પંદર ફૂટની બની છે એની આજુબાજુના રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થાય છે. આ માત્ર ફૂટપાથનો દાખલો છે. CC રોડ દ્વારા તમામ સોસાયટીના રસ્તાઓ ઊંચા ચડાવશો તો નીચા રહી ગયેલા વિસ્તારો જળબંબોળ થવાની નોબત આવશે એનું ધ્યાન રાખજો.
સુરત -જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વાતવાતમાં રાજકારણ
દિલ્હીની ઘટના બાદ તરત જ રાબેતા મુજબ તેને કોમી અને રાજકીય રંગ આપવાનું ચાલુ કરાવી દેવાયું. કેજરીવાલે એ ઘટનાને દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી. ન્યૂઝ ચેનલો અને સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ તેજાબી બની ગયા. એક ખૂબ કરુણ અને આઘાતજનક ઘટનામાંથી પોલિટિકલ માઈલેજ ખાટી જવાની કવાયત શરૂ થઇ ગઇ. હકીકતમાં પોલીસની નિષ્ફળતા અને લવ જેહાદ બંને મુદ્દા ખોટા હતા. આનો વ્યક્તિગત હત્યાનો બનાવ હતો. આ ઘટનામાં બે પાત્રો વચ્ચેના પ્રેમ સંબંધમાં પડેલી તિરાડને કારણે બની હતી. વળી આઘાતજનક તથ્ય એ છે કે આપણે ત્યાં પ્રેમ સંબંધને કારણે મોટા ભાગના કિસ્સામાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ધર્મના હોય છે. ચિંતકો સરસ મજાની વાત કહે છે. પ્રેમ એ તો સર્વસ્વ અર્પણ કરી દેવાની તપસ્યા છે.
સાચા પ્રેમમાં અપેક્ષા ન હોય. તેમાં આધિપત્ય ભાવ ન હોય આ વાત સાચી છે. પણ પ્રેમ અને માનવમન બંને ખૂબ જટિલ છે. માનવમનમાં એટલે કે પ્રેમમાં મનમાં ધરબાયેલા ઇર્ષ્યા, ક્રોધ, અહમ, અવિશ્વાસ હતાશા અને આધિપત્ય ભાવ જેવી લાગણીઓ જયારે હાવી થઇ જાય છે ત્યારે પ્રેમ પ્રેમ નથી રહેતો ભુલાઈ જાય છે અને તેનો કરુણ અંજામ આપે છે અને એમાં વ્યક્તિગત કારણો જવાબદાર હોય છે. આવી ઘટનાઓ પીડાદાયક છે. સમાજ માટે આત્મચિંતનનો અવસર હોવો જોઈએ. તેને બદલે રાજકીય ચશ્માથી નિહાળવાની વૃત્તિ અને પ્રવૃત્તિ યોગ્ય નથી અને રાજકારણમાં ગળાડૂબ રહી શું જો પીડિતાઓને ચિત્કાર દબાઈ જશે. સમાજ અને દેશ સામાજિક, નૈતિકતાનાં અધ:પતન તરફ ધકેલાતો રહેશે.
ગંગાધરા- જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.