SURAT

‘મેં તુઝે ગોલી માર દૂંગા’ GRP જવાન સામે રેલવે પોલીસે બંદૂક તાણી દીધી, સુરતની ઘટના

સુરત(Surat) : ‘તુને ટોર્ચ છીનને કી કોશિશ કૈસે કી, મેં તુઝે ગોલી માર દુંગા’ એવું મધરાત્રે સહરા દરવાજા રેલવે ગરનાળા પાસે ટ્રેક પર પેટ્રોલિંગ માટે નીકળેલા રેલવે પોલીસ ફોર્સના (RPF) જવાને ગર્વમેન્ટ રેલવે પોલીસ (GRP)ના જવાનને કહેતાં હાઈ વોલ્ટેડ ડ્રામાં સર્જાયો હતો. આરપીએફના અને જીઆરપીના જવાનો અજાણતા સામસામે આવી જતાં, આરપીએફના જવાને જીઆરપીના જવાન પર બંદુક (GunPoint) તાણી દીધી હતી.

મધરાતે સહરા દરવાજા ટ્રેક પર સ્થાનિક પોલીસનો સ્ટાફ સિવિલ ડ્રેસમાં આરોપીને શોધવા ગયો હતો
રેલવે પોલીસ ફોર્સના જવાનો સામે આવી જતાં અજાણતામાં તનાતની થઈ ગઈ, અધિકારીઓએ મામલો થાળે પાડ્યો

બિનસત્તાવાર સુત્રો અનુસાર આરપીએફના જવાનો બંદુક-બેટરી સાથે રેલવે ટ્રેક પર સુરત રેલવે સ્ટેશનેથી સહારા દરવાડજા તરફ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. સહારા દરવાજા પાસે ટ્રેક પર કેટલાક લોકોની શંકાસ્પદ હિલચાલ દેખાતા આરપીએફના જવાનો એલર્ટ થઈ શંકાસ્પદ દેખાતા લોકો તરફ ગયા હતા.

આરપીએફના જવાનો તેમને કાંઈ પૂછે તે પહેલા જ તે લોકો પૈકીના એક શખસે એક જવાન પાસેથી બેટરી છીનવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી જવાને બંદુક તાણી દીધી હતી. ‘તુને ટોર્ચ છીનનેકી કોશિશે કૈસે કી મેં તુઝે ગોલી માર દુંગા’ એવું કહેતા સામે ઉભેલા શંકાસ્પદ શખસોએ કહ્યું કે તેઓ પણ પોલીસ જ છે અને આરોપીઓની શોધમાં ત્યાં આવ્યા હતા.

પરંતુ તે સમયે આરપીએફના જવાનનો પારો સાતમા આસમાને હતો, તે કોઈની વાત સાંભળવા તૈયાર ન હતો, જેથી બંને વચ્ચે ઝગડો થયો હતો. ત્યારે શંકાસ્પદ જણાતા શખ્સોએ કહ્યું કે તેઓ જીઆરપીના સર્વેલન્સ સ્ટાફના જવાનો છે અને આરોપીઓની શોધમાં ત્યાં આવ્યા હતા.

તે જ સમયે એક શંકાસ્પદ વ્યક્તિ ભાગતો જણાતા તેને જોવા માટે બેટરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જવાને પોતાના ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ આરપીએફના અધિકારીઓને પણ જાણ કરી હતી. બંને એજન્સીના અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.

આ બાબતે જીઆરપી ઇન્સ્પેક્ટર વૈભવ આહિરે જણાવ્યું હતું કે રાત્રે સહારા દરવાજા નજીક આરપીએફ જવાનો સાથે વિવાદ થયો હતો, પરંતુ કોઈએ જીઆરપી જવાન પર બંદુક તાણી ન હતી. જીઆરપીના જવાનો સિવિલ ડ્રેસમાં હતા, તેના કારણે ગેરસમજ થઈ હતી.

Most Popular

To Top