અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના કઢૈયા ગામે વિસ્ફોટક (Explosive) પદાર્થથી ઇજા બાદ પ્રાણીઓ પર આ વિસ્ફોટક પદાર્થનો ભોગ બનતાં હોવાથી કરુણ મોત (death) નીપજ્યાં હોવાની માહિતી સાંપડી છે. પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કઢૈયા ગામે રહેતા ખેડૂત દિનેશ નાયકા ગુરુવારે રાત્રે ગામમાં સ્વામિનારાયણ ફળિયામાં આવેલા ખેતરમાં પાણી જોવા રાત્રિ ગયા હતા. જ્યાં લસણ જેવા આકારનો ચમકતો વાસ મારતો પદાર્થ નજરે પડતાં તેમણે પકડી આંગળીથી દબાવતાં બ્લાસ્ટ થતાં આંગળીઓ ફાટી ગઈ હતી. અને ત્વરિત તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે ઘટના બાદ બીજા દિવસે શુક્રવારે સવારે 11 વાગ્યાના અરસામાં કઢૈયા સ્વામિનારાયણ ફળિયામાં એક કૂતરું લસણ જેવા આકારના પદાર્થને ખાવા જતાં જ કૂતરાના મોઢામાં બ્લાસ્ટ થયો હતો અને કૂતરાનું મોં ગરદનથી છૂટું પડી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ છે
ઘટના અંગે ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોમાં ભૂંડ તેમજ સસલાં પકડવા માટે આ વિસ્ફોટક મૂકનાર ઈસમો વિરુદ્ધ ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો હતો. ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ છે અને ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતરે જવાનું પણ ટાળી રહ્યા છે. આ ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ત્વરિત કઢૈયા ગામની મુલાકાત લીધી હતી. અને બનાવ સ્થળે ફરી ત્યાંથી મળેલા લસણ જેવા આકારનો સફેદ રંગનો વિસ્ફોટક પદાર્થ કબજે લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે.
નંદુરબારમાં યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારાયો
સુરત: ગઈકાલે સાંજે નંદુરબાર શહેરના માછી બજાર વિસ્તારમાં અરબાઝ ખટીક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની ખૂબ જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં પોલીસે શકમંદ જયેશ ગંગાવનેની અટકાયત કરી લેતાં આ બનાવથી વિસ્તારમાં ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. યુવકની હત્યા આંતરધર્મી પ્રેમલગ્નમાં થઈ હોવાનું માનવામાં આવે છે. આ ઘટના ગઈકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ નંદુરબાર શહેરના વ્યસ્ત માછી બજાર વિસ્તાર પાસે બની હતી. બહેન સાથે લગ્ન કરવાના ગુસ્સામાં યુવતીના ભાઈએ તેના પતિની હત્યા કરી હતી.
શિવાજી રોડ વિસ્તારમાં વેપારીઓએ તેમના રોજગાર ધંધા બંધ રાખ્યા
નંદુરબાર શહેરમાં રહેતા અરબાઝે બે વર્ષ પહેલાં સ્થાનિક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. એવું કહેવાય છે કે યુવતીના ભાઈએ આ હત્યા કરી હતી. ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી અને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. શહેરના મંગળ બજાર, જલકા બજાર, તિલકરોડ, શિવાજી રોડ વિસ્તારમાં વેપારીઓએ તેમના રોજગાર ધંધા બંધ રાખ્યા હતા. મોડી રાત સુધી શહેર પોલીસમથકે શકમંદો સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. હાલ શહેરમાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ ગંભીર ઘટના બાદ શંકાસ્પદ પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. જો કે, હત્યાની ઘટનાથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ટોળાને શાંત રહેવાની અપીલ કરીને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.