નડિયાદ: હેમદાવાદ રેલ્વે આઉટ પોલીસચોકીમાં ફરજ બજાવતાં એક કોન્સ્ટેબલે થોડા દિવસ અગાઉ ગામમાં જ રહેતાં એક માથાભારે શખ્સ સામે પોલીસમાં ફરીયાદ નોંધી હતી. જેની રીસ રાખી આ માથાભારે શખ્સે તેના છ સાગરિતોની મદદથી ગત મોડી રાત્રે પોલીસચોકી ઉપર પથ્થરમારો કર્યો હતો. જે બાદ ધોકા તેમજ છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે પોલીસચોકીમાં ઘુસી, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ઉપર ઘાતક હુમલો કર્યો હતો. હુમલાખોર ટોળાંએ પોલીસચોકીમાં તોડફોડ કરી નુકશાન પણ પહોંચાડ્યું હતું. આ મામલે નડિયાદ રેલ્વેપોલીસે સાતેય હુમલાખોર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદ રેલ્વે આઉટ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ મોહસીનભાઈ અને હોમગાર્ડના જવાનો બુધવારના રોજ રાત્રીના પોણા એક વાગ્યાના અરસામાં પ્લેટફોર્મ પર પેટ્રોલીંગ માટે નીકળ્યાં હતાં. જ્યારે કોન્સ્ટેબલ રવિ ચૌહાણ અને હેડ.કોન્સ્ટેબલ દિલીપભાઈ પોલીસચોકીમાં હાજર હતાં. તે વખતે મહેમદાવાદમાં રહેતો સાહિલ ઉર્ફે દિવાન નજીરભાઈ વ્હોરા, તેનો ભાઈ, કિશનભાઈ રમેશભાઈ ઠાકોર, હિંમતસિંહ પ્રહલાદસિંહ સોઢાપરમાર, સાગર બિપીનભાઈ પરમાર, રઈશ અને અન્ય એક અજાણ્યો ઈસમ હાથમાં છરી તેમજ લાકડાના ધોકા લઈને એકાએક પોલીસચોકીમાં ઘસી આવ્યાં હતાં.
જે પૈકી ઉશ્કેરાયેલાં સાહિલ વ્હોરાએ તું મારા ઉપર ખોટી ફરીયાદો કેમ કરૂ છું તેમ કહી કોન્સ્ટેબલ રવિ ચૌહાણ સાથે ઝઘડો કરી, ગમેતેમ અપશબ્દો બોલી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જે તે વખતે પોલીસ ચોકીમાં હાજર બંને જવાનોએ આ સાતેય જણાંને સમજાવીને બહાર કાઢ્યાં હતાં. જોકે, ઘર્ષણ કરવાના ઈરાદા સાથે આવેલાં આ સાતેય જણાંએ બહાર નીકળ્યાં બાદ પોલીસ ચોકી ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. ઉપરાઉપરી આવતાં પથ્થરના પ્રહારથી બચવા માટે કોન્સ્ટેબલ રવિ ચૌહાણે પોલીસચોકીનો દરવાજો બંધ કરી દીધો હતો. જેથી ઉશ્કેરાયેલાં આ સાતેય જણાંએ ધોકા વડે પોલીસચોકીના દરવાજાની બારી તોડી નાંખી હતી અને સ્ટોપર ખોલી અંદર ઘુસી ગયાં હતાં.
જે બાદ આ સાતેય જણાંએ ભેગાં મળી ધોકા તેમજ તીક્ષ્ણ છરી વડે કોન્સ્ટેબલ રવિ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ઉપર હુમલો કર્યો હતો. તેમજ પોલીસચોકીમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં કોન્સ્ટેબલ રવિ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈને હાથ-પગ તેમજ શરીરના અન્ય ભાગે ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે મહેમદાવાદ સામુહિક કેન્દ્રમાં લઈજવાયાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર અર્થે બંનેને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર બાદ હાલ, બંનેની હાલત સુધારા પર છે. આ બનાવ અંગે કોન્સ્ટેબલ રવિ ચૌહાણની ફરીયાદને આધારે નડિયાદ રેલ્વે પોલીસે સાતેય હુમલાખોરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહેમદાવાદમાં બુટલેગર દ્વારા ખાખી પર હુમલા કરવાના ઘેરા પડઘા પડ્યાં હતાં અને વડોદરાના અધિકારીઓ મહેમદાવાદ દોડી આવ્યાં હતાં.