રાયગઢ: મહારાષ્ટ્રમાં (Maharashtra) વરસાદને કારણે રાતોરાત આખું ગામ (Village) ગાયબ થઇ ગયું છે. રાયગઢ જિલ્લાના એક ગામમાં પહાડ તૂટી પડતા (Landslide) એક આખું ગામ દટાઇ ગયું હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં લગભગ 120 વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. અડધી રાત્રે થયેલ આ ઘટના બાદ હાલ રેસ્ક્યુ (Rescue) ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 5-6 શવ મળી આવ્યા છે. તેમજ કુલ 27 લોકોનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમજ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હેલિકોપ્ટર વડે બચાવ કાર્ય ચલાવવા સૂચના આપી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે. જ્યારે બચાવ કાર્યમાં NDRFની 4 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. દુર્ઘટનાના સમાચાર જાણ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અકસ્માત સ્થળ પર રવાના થઈ ગયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્તારના 90 ટકા મકાનો ધરાશાયી થઈ ગયા છે અને જાનમાલના નુકસાનની આશંકા છે. રાહત ટીમો યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અહીં 30 થી 35 આદિવાસીઓના ઘરોની મોટી વસાહત હતી. આ અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ હોવાની આશંકા છે. 120થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધી રેસ્ક્યુ ટીમ એક મહિલા અને બે બાળકોને બચાવવામાં સફળ રહી છે. જો કે જોરદાર પવનને કારણે હજુ પણ કેટલાક પથ્થરો ઉપરથી નીચે આવી રહ્યા છે. જેના કારણે રેસ્ક્યુ ટીમ માટે પણ ખતરો ઉભો થયો છે. પરંતુ ફસાયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે.
આ દુર્ઘટની જાણ મળતા જ મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંત અને દાદ ભુસે રાયગઢ જિલ્લાના ખાલાપુરના ઇરશાલવાડી પહોંચ્યા કે જ્યાં મોડી રાત્રે આ ભૂસ્ખલન થયુ હતું. રાયગઢ પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં અમે 22 લોકોને બચાવ્યા છે. હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલ પોલીસ અને જિલ્લા પ્રશાસનના 100થી વધુ અધિકારીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. અમને NDRF, સ્થાનિક લોકો અને કેટલીક NGO તરફથી મદદ મળી રહી છે. જો કે હાલ પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત છે.