આપણા દેશમાં કારોબારી અને ધારાસભા મળીને કોઈ સમસ્યાનો હલ શોધવામાં નિષ્ફળ જાય છે ત્યારે મામલો ન્યાયાલયના દ્વારે આવીને અટકી જતો હોય છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો બાબતમાં પેચ બરાબર ફસાયેલો છે. શિવસેનાના 55 પૈકી 39 વિધાનસભ્યો બળવો કરીને એકનાથ શિંદેના જૂથમાં ચાલ્યા ગયા છે. જો મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે તે હકીકતનો સ્વીકાર કરી લે તો તેમની સરકારનું પતન થાય અને તેમણે તાત્કાલિક રાજીનામું આપવું પડે. રાજકારણમાં કોઈ એટલી સહેલાઈથી ખુરશીનો ત્યાગ કરતું નથી. ઉદ્ધવ ઠાકરેની સરકાર લઘુમતીમાં મૂકાઈ ગઈ છે તો પણ તેઓ સત્તા ટકાવી રાખવાના મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. તેમને આશા છે કે જે 39 વિધાનસભ્યો તેમને છોડીને ગયા છે તેમાંના 23 વિધાનસભ્યો પાછા ફરશે. બાકીના 16ને ગેરલાયક ઠરાવીને તેમનું સભ્યપદ રદ્દ કરવામાં આવે તો તેમની સરકાર બચી જશે. તાર્કિક રીતે તેમની આ વ્યૂહરચના પરિણામલક્ષી જણાય છે.
મહાવિકાસ અઘાડીનું સૌથી મોટું જમા પાસું એ છે કે તેમની પાસે વિધાનસભાના નાયબ અધ્યક્ષનું પદ છે અને અધ્યક્ષપદ ખાલી છે. અધ્યક્ષની ગેરહાજરીમાં નાયબ અધ્યક્ષ સર્વસત્તાધીશ બની જાય છે. વર્તમાન નાયબ અધ્યક્ષ નરહરિ ઝીરવાલ શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે, જે મહાવિકાસ અઘાડીનો એક ભાગ છે. નાયબ અધ્યક્ષ દ્વારા 16 બળવાખોર વિધાનસભ્યોનું સભ્યપદ રદ્દ કરવા માટે માત્ર 2 દિવસની નોટિસ આપવામાં આવી હતી. જેની મુદ્દત તા. 27 જુનના સાંજે 5 કલાકે પૂરી થતી હતી. નાયબ અધ્યક્ષ 16 વિધાનસભ્યોને બરતરફ ન કરી શકે તે માટે બળવાખોર વિધાનસભ્યો દ્વારા તેમને ગેરલાયક ઠરાવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ તેઓ સુપ્રિમ કોર્ટમાં કરવા માગે છે. સુપ્રિમ કોર્ટે સોમવારે સવારે બળવાખોરોને રાહત આપતાં તેમને તાત્કાલિક ગેરલાયક ન ઠરાવવાનું જણાવ્યું છે.
મહારાષ્ટ્રની આખી લડાઈ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં ખસેડાઈ ગઈ છે. બંને પક્ષે દેશના ટોચના વકીલો ગોઠવાઈ ગયા છે. શિવસેના અને વિધાનસભાના નાયબ અધ્યક્ષનો કેસ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા નામાંકિત વકીલો લડી રહ્યા છે, તો બળવાખોર ધારાસભ્યો વતી નીરજ કિશન કૌલ સુપ્રિમ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ J.B. પારડીવાલાની બેન્ચ તેમના કેસની સુનાવણી કરી રહી છે. સુપ્રિમ કોર્ટે તેમને પહેલો જ સવાલ એ કર્યો હતો કે ‘‘આ મામલો બોમ્બે હાઈ કોર્ટનો છે. તમે હાઈ કોર્ટમાં જવાને બદલે સુપ્રિમ કોર્ટમાં કેમ આવ્યા?’’ તેનો જવાબ આપતાં બળવાખોરોના વકીલે કહ્યું હતું કે ‘‘મુંબઈમાં વાતાવરણ એટલું તંગ છે કે અમને હાઈ કોર્ટમાં જતાં ડર લાગે છે. માટે અમે સુપ્રિમ કોર્ટમાં આવ્યા છીએ.’’ સુપ્રિમ કોર્ટને પણ તેમની દલીલ ગળે ઉતરી ગઈ. માટે તેણે પ્રાથમિક સુનાવણી કરી હતી.
સુપ્રિમ કોર્ટમાં બળવાખોર વિધાનસભ્યોના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી કે ‘‘સુપ્રિમ કોર્ટના નબામ રેબિયા વિરુદ્ધ નાયબ અધ્યક્ષના કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો કે ‘બહુમતીનું પરીક્ષણ વિધાનસભાના ફ્લોર પર જ થવું જોઈએ.’ આ કેસ અરૂણાચલ પ્રદેશને લગતો હતો. અરૂણાચલની કોંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. ગવર્નર J.P. રાજખોવાએ વિધાનસભામાં બળાબળની પરિક્ષા કર્યા વિના જ વિધાનસભા બરખાસ્ત કરી નાખી હતી. મુખ્યપ્રધાન નબામ રેબિયાએ ગવર્નરના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રિમ કોર્ટના 5 જજોની બેન્ચે ઠરાવ્યું હતું કે ‘‘બહુમતીની પરિક્ષા વિધાનસભાના ફ્લોર પર જ થવી જોઈએ. તેનો નિર્ણય ગવર્નર કરી શકે નહીં.’’ સુપ્રિમ કોર્ટના ચુકાદા પછી કોંગ્રેસ સરકાર પાછી આવી હતી.
મહારાષ્ટ્રના કેસમાં બળવાખોરો નબામ રેબિયાનો ચુકાદો ટાંકીને વિધાનસભાની બેઠક બોલાવવાની માગણી કરી રહ્યા છે. કારણ કે તેમને ખાતરી છે કે સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. જો વિશ્વાસના ઠરાવ પર મતદાન કરાવવામાં આવે તો સરકારનું પતન થઈ શકે છે. શિવસેનાને આ વાતની ખબર છે. માટે તેમના વકીલ સુપ્રિમ કોર્ટમાં નબામ રેબિયાના ચુકાદાનો અમલ કરવાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે સુપ્રિમ કોર્ટનું 1992નું કિહોટો હોલોહાન કેસનું જજમેન્ટ ટાંક્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘’જ્યાં સુધી વિધાનસભાના ગૃહનો સવાલ છે, ત્યાં સુધી અધ્યક્ષ જ સર્વેસર્વા છે. તેમની કાર્યવાહીમાં ગવર્નર પણ બાધા નાખી શકે નહીં. વળી, ગવર્નર સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતા નથી. તેમણે પ્રધાનમંડળની સલાહ મુજબ જ નિર્ણયો લેવાના હોય છે.’’
જો સુપ્રિમ કોર્ટ નબામ રેબિયાના ચુકાદાને માને તો ગવર્નરના આદેશ મુજબ વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ અને સરકારની બહુમતીનું પરીક્ષણ કરી લેવું જોઈએ. જો તેમ કરવામાં આવે તો સરકારનું પતન થઈ શકે છે. જો સુપ્રિમ કોર્ટ કિહોટો હોલોહાનનો ચુકાદો માને તો વિધાનસભાના નાયબ અધ્યક્ષને બધી સત્તા આપવી પડે તેમ છે. અહીં મામલો ગૂંચવી નાખવામાં આવ્યો છે. શિવસેનાના બળવાખોરો દ્વારા નાયબ અધ્યક્ષને તેમના હોદ્દા માટે ગેરલાયક ઠરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અર્થાત્ નાયબ અધ્યક્ષની સત્તા સામે જ પડકાર ઊભો કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિ કિહોટો હોલોહાન કેસમાં નહોતી. માટે તે મુજબ નિર્ણય કરી શકાય નહીં. સુપ્રિમ કોર્ટે હવે પહેલા એ નિર્ણય કરવો પડશે કે નાયબ અધ્યક્ષ તેમના હોદ્દા પર રહેવા માટે લાયક છે કે નહીં? આ નિર્ણય ત્યારે જ થઈ શકે જ્યારે બહુમતી બાબતમાં નિર્ણય કરી શકાય.
ટૂંકમાં કહીએ તો હાલમાં નાયબ અધ્યક્ષની ખુરશી જ સવાલોના ઘેરામાં હોવાથી તેઓ 16 બળવાખોર વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરી શકે નહીં. નાયબ અધ્યક્ષને તેમના હોદ્દા પર ટકી રહેવાને લાયક છે કે નહીં, તેનો નિર્ણય તેમના પક્ષે બહુમતી છે કે નહીં તેનો નિર્ણય થયા પછી જ થઈ શકે. તેનો નિર્ણય વિધાનસભામાં મતદાન કરાવવા દ્વારા જ કરી શકાય. એટલે હવે નાયબ અધ્યક્ષ સામેના અવિશ્વાસના ઠરાવ પર પહેલા મતદાન કરાવવામાં આવશે. તે પહેલા તેઓ 16 વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવી નહીં શકે. 16 ઉપરાંત બીજા 23 વિધાનસભ્યો પણ મતદાન કરી શકશે. તેમાં જો બહુમતી નાયબ અધ્યક્ષની વિરુદ્ધમાં હોય તો તેમણે રાજીનામું આપવું પડશે. સરકારની મતદાનમાં હાર થતાં તેનું પતન થશે અને ભાજપ સરકારનો માર્ગ મોકળો થશે.
હવે સુપ્રિમ કોર્ટ દ્વારા નાયબ અધ્યક્ષ ઉપરાંત શિવસેનાના નેતાઓને જવાબ આપવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને વધુ સુનાવણી તા. 11 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી છે. મતલબ કે ઉદ્ધવ ઠાકરે સરકારને 11 જુલાઈ સુધીનો સમય મળી ગયો છે. જો તેઓ ત્યાં સુધી વિધાનસભ્યોને પાછા લાવવામાં સફળ થાય, તો તેમની સરકાર બચી શકે છે. દરમિયાન સ્થાનિક મરાઠી અખબારમાં સમાચાર છપાયા છે કે ભાજપના સમર્થકો દ્વારા શિવસેનાના વિધાનસભ્યોને પક્ષ સામે બળવો કરવા બદલ 50 – 50 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. આ રીતે 40 વિધાનસભ્યો તોડવા પાછળ 2,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. બીજા 1,000 કરોડ દલાલોને આપવામાં આવશે. 3,000 કરોડમાં તેઓ મહારાષ્ટ્ર સરકાર ખરીદી લેશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.