National

હૈં… મહારાષ્ટ્રમાં એક વ્યક્તિને કોરોનાને બદલે હડકવાની રસી આપવામાં આવી

હાલમાં દેશમાં કોરોના રસીની ઝૂંબેશ ખૂબ જોરમાં ચાલી રહી છે. રોજ લાખો-કરોડો લોકોને રસી મૂકવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં એક વ્યક્તિ કોરોનાથી રક્ષણ મેળવવા માટે એક તબીબી કેન્દ્ર પર રસી મુકાવવા ગયો હતો, પરંતુ તે ભૂલથી બીજી લાઈનમાં ઉભો રહી ગયો હતો અને તેને કોરોનાના બદલે ફરજ પરના નર્સિંગ સ્ટાફે હડકાયેલા કૂતરાથી રક્ષણ આપતી હડકવાની રસી આપી દીધી હતી.

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના એક મેડિકલ સેન્ટરમાં એક વ્યક્તિને કોરોના રસીની જગ્યાએ હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. (Maharashtra Man Given Anti-Rabies Shot Instead Of Covid Vaccine) ત્યારબાદ એક ડોક્ટર અને એક નર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એમ મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું. સ્થાનિક રહેવાસી રાજકુમાર યાદવ સોમવારે અહીંના કાલવા વિસ્તારમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત તબીબી કેન્દ્રમાં કોરોના વાયરસ રસીનો ડોઝ લેવા ગયો હતો.

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી)ના પ્રવક્તાએ મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે, તે ખોટી કતારમાં ઊભા હતા અને રસી આપવામાં આવ્યા બાદ તેમને જાણ કરવામાં આવી હતી કે તેમને હડકવા સામેની રસી આપવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, માણસ ગભરાઈ ગયો હતો. પરંતુ, તે સ્વસ્થ છે અને તેને કોઈ સમસ્યા નથી. ત્યારબાદ તેણે સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી અને પ્રાથમિક તપાસના આધારે મેડિકલ સેન્ટરના પ્રભારી મહિલા ડોક્ટર અને નર્સને બેવકૂફી માટે સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા હતા. કાલવાની ઝૂંપડપટ્ટી વસાહતમાં સ્થિત મેડિકલ સેન્ટર આ વિસ્તારના લોકોને વિવિધ રોગો સામે રસીકરણ કરે છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં 29 સપ્ટેમ્બર 2021 સુધીમાં કોરોનાના કુલ 65,44,606 કન્ફર્મ કેસ નોંધાયા છે, જે પૈકી 1,38,962 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 63,65,277 લોકો સારવાર બાદ સાજા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 8 કરોડ લોકોને વેક્સીનના ડોઝ આપી દેવાયા છે.

Most Popular

To Top