National

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની તબિયત બગડી, શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી (Former Maharashtra Minister) નવાબ મલિકની (Nawab Malik) તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. પૂર્વ મંત્રીને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ કુર્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસ નવાબ મલિકની તબિયત બગડી હતી. નવાબ મલિકની પુત્રી સના મલિકે આ માહિતી આપી છે. સના મલિકના જણાવ્યા અનુસાર તેઓની તબિયત બગડતાં જ તેઓને કુર્લાની કૃતિ કેર હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ નવાબ મલિકની તબિયત ખરાબ હોવાના સમાચાર સામે આવ્યા હતા.

નવાબ મલિકની 23 ફેબ્રુઆરી 2022ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસમાં નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે પૈસાની લેવડ-દેવડ અને તેની બહેન સાથે જમીનની લેવડ-દેવડના સંબંધમાં ઈડી તેમની તપાસ કરી રહી હતી. આ કારણોસર EDએ તેમની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. ધરપકડ બાદ નવાબ મલિક ઘણા દિવસો સુધી જેલમાં રહ્યા હતા. તેમને થોડા મહિના પહેલા જ તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા હતા.

કુર્લાની કૃતિ કેર હોસ્પિટલમાં ડોક્ટરોની એક ટીમ નવાબ મલિકની સ્થિતિ પર નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવાબ મલિકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેના પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવાબ મલિકની પુત્રી સના મલિકે તેમની ખરાબ તબિયત અને હોસ્પિટલમાં દાખલ હોવાની પુષ્ટિ કરી છે.

Most Popular

To Top