મહારાષ્ટ્રમાં (Maharashtra) એકનાથ શિંદે (Eknath Shinde) મુખ્યમંત્રી (CM) રહેશે તેવો સુપ્રીમ કોર્ટે (Supreme Court) આદેશ આપ્યો છે. આ સાથે જ છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાનો ગુરુવારે અંત આવ્યો હતો. કોર્ટે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો ન હતો અને રાજીનામું આપી દીધું હતું. જેથી કોર્ટ તેઓનું રાજીનામું રદ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના ફ્લોર ટેસ્ટને પણ ખોટો ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે ગયા વર્ષે 30 જૂને મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલ દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બોલાવવા તે યોગ્ય ન હતું. કોર્ટે એમ કહીને યથાવત સ્થિતિ પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો હતો કે ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપી દીધું હતું. કોર્ટના આ નિર્ણય પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ લોકશાહી અને લોકતાંત્રિક પ્રક્રિયાની જીત છે. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયથી અમે સંતુષ્ટ છીએ. સાથે જ સીએમ શિંદેએ કહ્યું કે કોર્ટે અમારી સરકાર પર મહોર મારી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બાબતે જ્યારે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપવાનું શરૂ કર્યું ત્યારે જે રીતે સ્પીકર અને તત્કાલીન રાજ્યપાલની ભૂમિકા પર આકરી ટિપ્પણીઓ આવી રહી હતી ત્યારે એવું લાગતું હતું કે શિંદે સરકાર જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિવસેનાના ચીફ વ્હીપ તરીકે શિંદે જૂથના ભરત ગોગાવાલેની નિમણૂક ‘ગેરકાયદે’ છે. કોર્ટે રાજ્યપાલની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા કે તેમણે કોઈ નક્કર આધાર વગર ફ્લોર ટેસ્ટનો નિર્દેશ આપ્યો. પક્ષની અંદરોઅંદરની લડાઈમાં પડવાનું રાજ્યપાલનું કામ નથી. કોર્ટે કહ્યું કે રાજ્યપાલને એવું શા માટે લાગ્યું કે તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારે જરૂરી ધારાસભ્યોનું સમર્થન ગુમાવ્યું છે? સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીઓ આવી રહી છે ત્યારે એકનાથ શિંદેના હૃદયના ધબકારા વધી રહ્યા હશે કે હવે સરકાર માટે ટકી રહેવું મુશ્કેલ છે. પણ ટ્વિસ્ટ બાકી હતો. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો પરંતુ સરકાર રચવા માટે એકનાથ શિંદેને આમંત્રણ આપવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. જેના કારણે શિંદે સરકાર બચી ગઈ હતી.
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે ચૂંટણી પંચે અમને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ આપ્યું છે. અમારી બહુમતીના નિર્ણયના 4-5 મહિના પછી ચૂંટણી પંચે મેરિટના આધારે અમને પાર્ટીનું નામ આપ્યું. અમે જે સરકાર બનાવી છે તે સંપૂર્ણ નિયમો હેઠળ બની હતી. ફડણવીસે નૈતિકતા વિશેની વાત પર કહ્યું કે અમે બાળાસાહેબ અને જનતાના અભિપ્રાય પ્રમાણે સરકાર બનાવી છે. અમે મહારાષ્ટ્રને આગળ લઈ જવા માટે ધનુષ અને તીર બચાવવાનું કામ કર્યું છે. ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલાને સ્પીકર જોશે. કોર્ટનો નિર્ણય યોગ્યતાના આધારે લેવામાં આવ્યો છે. કોર્ટે અમારી સરકાર પર મહોર મારી છે.
મારી જ પાર્ટીના ગદ્દારો મારી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા- ઉદ્ધવ ઠાકરે
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ઉદ્ધવે કહ્યું કે ગદ્દારોનો સામનો કરવો તેમના માટે યોગ્ય ન હતું તેથી તેમણે રાજીનામું આપ્યું. મહારાષ્ટ્રના પૂર્વ સીએમએ કહ્યું કે કાયદેસર રીતે મારો નિર્ણય ખોટો હોઈ શકે છે પરંતુ મેં નૈતિક ધોરણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. મારી જ પાર્ટીના ગદ્દારો મારી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા અને હું તેનો સામનો કરું તે ન બની શકે. વર્તમાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીમાં જો કોઈ નૈતિકતા હોય તો તેઓ મારી જેમ નૈતિકતાના આધારે રાજીનામું આપીને બતાવે.