ઔરંગાબાદ: મહારાષ્ટ્રમાં (Maharashtra) લાઉડસ્પીકરના વિવાદને લઈને રાજ્ય સરકારને અંતિમ ચેતવણી આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. રાજ ઠાકરે પર રેલી દરમિયાન નિયમો તોડવાનો આરોપ છે. જેમાં ઉશ્કેરણીજનક ભાષણો કરવા અને નિયત સંખ્યા કરતા વધુ લોકોને બોલાવવાનો આક્ષેપ છે. આ મામાલામાં પોલીસ ખુદ ફરિયાદી બની છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગજાનન ઈંગલેએ ઔરંગાબાદના સિટી ચોક પોલીસ (Police) સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
MNS નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણોથી સમાજમાં ભડકો
MNS નેતાઓને કલમ 149 હેઠળ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે MNS નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણોથી સમાજમાં ભડકો થઈ રહ્યો છે અને તેનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અગાઉ મહારાષ્ટ્રની અદાલતે 14 વર્ષ જૂના કેસમાં રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. ભૂતકાળમાં પણ MNS કાર્યકર્તાઓએ મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં કાયદો અને વ્યવસ્થાને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ જાહેર મિલકતોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. નોટિસમાં MNS નેતાઓને ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ હિંસા કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત જો કોઈ જાહેર સંપત્તિને નુકસાન થાય, તો તેમની પાસેથી પૈસા વસૂલવામાં આવશે.
અમારી માંગ પૂરી ન થઇ તો બમણી તાકાતથી હનુમાન ચાલીસાનો પાઠ કરીશું : રાજ ઠાકરે
MNSના પ્રમુખ રાજ ઠાકરેએ રવિવારે ઔરંગાબાદમાં એક રેલીમાં ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો અમે મહારાષ્ટ્રને અમારી તાકાત બતાવીશું. મસ્જિદોની સામે ડબલ લાઉડ સ્પીકર લગાવવામાં આવશે અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. જો કે આજે ઈદ છે, મુસ્લિમ સમાજનો આ તહેવાર હર્ષોલ્લાસથી ઉજવવો જોઈએ. તેથી આજે કોઈપણ MNS કાર્યકર હનુમાન ચાલીસાનું પાઠ કરશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે સરકારને અમારી માંગણી પૂરી કરવા વિનંતી કરીએ છીએ, નહીં તો અમે 4 મે પછી કોઈની વાત સાંભળીશું નહીં.
ઔરંગાબાદ પોલીસ કમિશનર કોઈની પણ સામે કાર્યવાહી કરવા સક્ષમ
ઔરંગાબાદ કેસમાં રાજ ઠાકરે, રાજીવ જેવલીકર અને અન્ય રેલીના આયોજકો સામે કરવામાં આવી છે. પોલીસ ઈન્સ્પેક્ટર અશોક ગીરી આ મામલે તપાસ કરી રહ્યા છે. આ મામલામાં મહારાષ્ટ્રના DGP રજનીશ સેઠે કહ્યું, “ઔરંગાબાદ પોલીસ કમિશનર કોઈની પણ સામે કાર્યવાહી કરવા સક્ષમ છે. તેઓ રાજ ઠાકરેની રેલીનો વીડિયો જોઈ રહ્યા છે અને જો તેમને તેમાં કંઈ ખોટું જણાય તો તેઓ આજે જ કાર્યવાહી કરશે. “