National

મહારાષ્ટ્ર: ટ્રક અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, શિરડી જઈ રહેલા 10 સાંઈ ભક્તોના મોત

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના સિન્નર-શિરડી હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો છે. પાથરે નજીક ખાનગી પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થઈ છે. આ દુર્ઘટનામાં 10 મુસાફરોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. ખાનગી બસમાં સવાર મોટાભાગના મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું કહેવાય છે. બસમાં લગભગ 50 લોકો સવાર હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ઉલ્હાસનગરથી સાંઈ દર્શન માટે નીકળેલી 15 બસોમાંથી આ એક છે. શુક્રવારે વહેલી સવારે સાંઈ ભક્તોની બસમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરી રહી છે.

અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 5 મહિલા, 3 પુરૂષ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 34 લોકો ઘાયલ પણ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોને નાસિક જિલ્લા હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ અને સિન્નર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંબરનાથમાં લક્ષ્મીનારાયણ પેકેજિંગ કંપની કુલ 15 બસો સાથે પોતાના કર્મચારીઓ અને તેમના પરિવાર સાથે દર્શન કરવા જઈ રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ પાંચમી બસ છે, જે અકસ્માતનો શિકાર બની છે.

બસમાં 56 મુસાફરો હતા, જેમાંથી મોટાભાગના ગંભીર રીતે ઘાયલ થયા
જોકે પોલીસનું કહેવું છે કે આંકડો ઓછો કે વધુ હોઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં કુલ 56 મુસાફરો હતા, જેમાંથી મોટાભાગના લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક મુસાફરોને સારવાર માટે શિરડીની સુપર હોસ્પિટલ અને નાસિક ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે ઘાયલોના સંપૂર્ણ આંકડા આવવાના બાકી છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તમામ હોસ્પિટલોમાંથી રિપોર્ટ એકત્ર કરી રહી છે.

મુખ્યમંત્રીએ મદદની જાહેરાત કરી
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, નાસિક શિરડી હાઇવે પર અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓ માટે દરેકને પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સરકારે આ માર્ગ અકસ્માતની તપાસના આદેશ પણ આપ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આદેશ આપ્યો છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને મફતમાં સારવાર આપવામાં આવે.

Most Popular

To Top